INDIA NEWS GUJARAT : રાજકોટની પીડિયું સિવિલ હોસ્પિટલ કોઈ ના કોઈ વિવાદમાં સંડોવાયેલી જોવા મળતી હોય છે ત્યારે છેલ્લા થોડા સમયની સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર બાબતે વિવાદ ચાલી રહ્યો હતો.
આ તકે વાત કરીએ તો રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી ટેન્ડર પ્રક્રિયા વગર જ ચાલતા સુવિધા મેડિકલ સ્ટોર બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો જે અંગે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર માટે છેલ્લે 2012ની સાલમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
જે ટેન્ડરની મુદત 3 વર્ષની હતી.આ ટેન્ડર પ્રક્રિયા પૂરી થતા 2012માં મેડિકલ સ્ટોર પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથીરિયાના ભાઇ છગન કથીરિયાને 3 વર્ષ માટે ચલાવવા માટે આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ ટેન્ડર પ્રક્રિયા ન થતા સતત ઊહાપોહ મચી રહ્યો હતો આથી 2020માં ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોરોનાકાળનું બહાનું ધરી તે અટકાવી દેવાઇ હતી અને કોરોનાકાળ પૂરો થઇ ગયાના દોઢ- બે વર્ષ જેટલો સમય વિતાવા છતાં સુવિધા મેડિકલ સ્ટોર બંધ કરાવવા સત્તાધીશોએ કોઇ કાર્યવાહી ન કરતા અંતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદો પહોંચી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે થોડા દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાતે આવ્યા હતાં આ મેડિકલ સ્ટોર બંધ કરી દેવા આદેશ કર્યો હતો. જેના સાત દિવસ જેટલો સમય પૂરો થઇ ગયા છતાં હજુ સુધી સુવિધા મેડિકલ સ્ટોરના સંચાલકોને સત્તાવાર રીતે સ્ટોલ ખાલી કરવા માટે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ કોઇ સૂચના ન આપ્યાની હકીકત પ્રકાશમાં આવી છે.
આ તકે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના એકાઉન્ટ્સ મહેન્દ્ર ચાવડા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ સુવિધા મેડિકલ સ્ટોર ને બંધ કરવાનો આદેશ આપી દેવાં આવ્યો છે સાથે બે મહિનાની મુદત પણ આપવામાં આવી છે અને જો બે મહિના બાદ મેડિકલ સ્ટોર ના સંચાલકો દ્વારા મેડિકલ ખાલી કરવાંમાં નહિ આવે તો સિવિલ હોસ્પિટલ દ્વારા આ મામલે કાયદેસર પગલાં પણ લેવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બે મહિના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટેન્ડર વિના ચાલી રહેલ સુવિધા મેડિકલ સ્ટોર બંધ થાય છે કે પછી ઘર નો ગોળ ઘરમાં ચોળી ખવાઈ જાય છે.