ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાન કરાવવાની ૨3મી ઘટના
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની INS હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું.
બ્રેઈનડેડ રસીલાબેન જીતુભાઈ ભેંસાનીયા ઉ.વ ૫૩ના પરિવારે રસીલાબેનના ફેફસા, કિડની, લિવર અને ચક્ષુંઓનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ છત્તીસગઢની રહેવાસી, ઉ.વ. ૪૪ વર્ષીય મહિલામાં ગુરગાઉ, હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે.
ફેફસા સમયસર હવાઈ માર્ગે ગુરગાઉ હરિયાણા પહોંચાડવા INS હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી વિવિધ અંગો સમયસર જુદા જુદા શહેરોમાં પહોંચાડવા માટે ૧૧૨ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ અગીયારસો થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
મૂળ લુંધીયા, તા. બગસરા જી. અમરેલી અને હાલ ૪૦૧, સહજાનંદ કોમ્પ્લેક્ષ, સીમાડા નાકા, મણીનગર સોસાયટીની પાછળ સરથાણા, સુરત મુકામે રહેતા રસીલાબેન તા. ૪ ડીસેમ્બર ના રોજ સવારે ૮:૦૦ કલાકે નાસ્તો કરી રહ્યા હતા ત્યારે તેમને ખેંચ આવતા પરિવારજનો એ તેમને તાત્કાલિક INS હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન ડૉ. અનિરુધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
તા.૬ ડીસેમ્બર ના રોજ ન્યુરોફીઝીશયન ડૉ. અનિરુધ આપ્ટે, ન્યુરોફીઝીશયન ડૉ. મનોજ સત્યવાણી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિધિ આસોદરીયા, ડૉ. ચિન્મય પટેલે રસીલાબેન ને બ્રેનડેડ જાહેર કર્યા.
ડૉ. નિધિ આસોદરીયાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી, રસીલાબેનના બ્રેઈનડેડ અંગેની અને પરિવારજનોએ તેમના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી છે તેમ જણાવ્યું.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રસીલાબેનના પતિ જીતુભાઈ, પુત્ર દિવ્યેશ, પુત્રી રુચિકા, દેરાણી વિલાસબેન તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
રસીલાબેનના પતિ જીતુભાઈ અને પુત્ર દિવ્યેશે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં, સોશ્યલ મીડિયામાં અંગદાનના સમાચારો વાંચતા તેમજ જોતા હતા, ત્યારે અમને લાગતું હતું કે, અંગદાનનું કાર્ય ઈશ્વરીય કાર્ય છે. મારા પત્ની/મમ્મી બ્રેઈન ડેડ છે. શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ દાન કોઈ જ ન હોઈ શકે, તેઓએ જણાવ્યું કે તેમના જેટલા પણ અંગોનું અંગોનું દાન થઈ શકતું હોય તેટલા બધા જ અંગોનું દાન આપ કરાવો. રસીલાબેનના પરિવારમાં પતિ જીતુભાઈ ઉ.વ. ૫૩ અને પુત્ર દિવ્યેશ ઉ.વ ૨૯ સારોલીમાં એમ્બ્રોઇડરીનું યુનિટ ધરાવે છે. પુત્રી રુચિકા ઉ.વ ૨૬ પરણિત છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અને કિડની અમદાવાદની IKDRC અને NOTTO દ્વારા ફેફસા ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.
ફેફસાનું દાન ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલના ડૉ. હર્ષવર્ધન પુરી, ડૉ. મોહન વેંકટેશ, નેહા તીવારી, અજયકુમાર, રોશન સિંઘ અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન અમદાવાદની IKDRCના ડૉ. સંદીપ કુમાર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ છત્તીસગઢની રહેવાસી, ઉ.વ. ૪૪ વર્ષીય મહિલામાં ગુરગાઉ, હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલમાં ડૉ. અરવિંદ કુમાર, ડૉ. વિવેક સિંઘ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
દાનમાં મેળવવામાં આવેલા લિવર અને બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.
ફેફસા સમયસર હવાઈ માર્ગે ગુરગાઉ, હરિયાણા પહોંચાડવા માટે INS હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો તેમજ લિવર અને કિડની સમયસર અમદાવાદ IKDRC સુધી પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હ્રદય, ફેફસા, નાનું આતરડું, હાથ, લિવર, કિડની, જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૧૨ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાન કરાવવાની ત્રેવીસમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, ગુરગાઉ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા, અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ. રસીલાબેન જીતુભાઈ ભેંસાનીયા ઉ.વ. ૫૩ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં રસીલાબેનના પતિ જીતુભાઈ, પુત્ર દિવ્યેશ, પુત્રી રુચિકા, દેરાણી વિકાસબેન, ભેંસાનીયા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોફીઝીશયન ડૉ. અનીરુદ્ધ આપ્ટે, ન્યુરોફીઝીશયન ડૉ. મનોજ સત્યાવાણી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિધિ આસોદરીયા, ડૉ. ચિન્મય પટેલ, ડૉ. પારુલ ઢોલીયા, ડૉ. યોગેશ કલ્સરિયા, ડૉ. મોહિત રાઠોડ, INS હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, CEO નીરવ માંડલેવાળા, સિધ્ધી શાહ, કરણ પટેલ, કૃતિક પટેલ, મેક્ષ પટેલ, સ્મિત પટેલ, અંકિત પટેલ, નિહીર પ્રજાપતિ, જતીન કાપડિયાનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૨૦૦ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૯૨ કિડની, ૨૧૨ લિવર, ૫૦ હૃદય, ૪૬ ફેફસાં, ૮ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૩૮૭ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૧૦૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
અંગદાન… જીવનદાન…