દેવ દિવાળીએ એક ગૃહિણીના અંગદાને ત્રણ ઘરમાં અજવાળા પાથર્યા : જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા નવમું અંગદાન
મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરત રહેતા ૫૪ વર્ષના ગૃહિણી જયાબેન વાઘના અંગદાનથી દેવ દિવાળી પર ત્રણ જીવનમાં નવી રોશની પથરાઈ છે. વાઘ પરિવારે અંગદાનનો આ નિર્ણય લઈને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીમાં શ્રીરામ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ ધુલિયાના દાઉળ ગામના વતની જયાબેન નાનાભાઈ વાઘ ( ઉ.વર્ષ- ૫૪ ) તા: ૨૧-૧૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે પુત્ર યોગેશ સાથે બાઈક પર જહાંગીરપુરા આશ્રમથી વરીયાવ-છાપરાભાઠા રોડ ઉપરથી અમરોલી ઘરે જતા હતા ત્યારે રોડ ઉપર અચાનક એક બમ્પર આવતા પાછળ બેઠેલા જયાબેન ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. અને ત્યાં જ બેભાન થઈ ગયા હતા. જેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોક્ટર દ્વારા તેમની ન્યુરોસર્જરી કરવામાં આવી હતી, પરંતુ પેશન્ટમાં કોઈ ઈમ્પૃવમેન્ટ નહી જણાતા ડો. ભુમિક ઠાકોર, ડો. હીના ફળદુ, ડો.દર્શન ત્રિવેદી, ડો. મેહુલ પંચાલ દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
બ્રેઈનડેડ જાહેર થતા પરિવારજનો ઘેરા શોકમાં પડી ગયા હતા, પરિવારના સભ્યોએ હરીશ પગારે અને દીક્ષિત ત્રિવેદીનો સંર્પક થતા તેઓએ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રણેતા દીલીપદાદા દેશમુખ થકી પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો.
ડો. મેહુલ પંચાલ, ડૉ. અલ્પા પટેલ, ટીમ જીવનદીપના પી. એમ. ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડો. નીલેશ કાછડીયા સૌના સહિયારા પ્રયાસોથી સુરતના રહેવાસી પરિવારને રૂબરૂ અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપતા કિરણ હોસ્પિટલમાં લીવર અને બે કિડનીનું દાન સ્વીકારાયું હતું. જે આ હોસ્પિટલમાં જ સારવાર લેતા મહારાષ્ટ્રના ૨૮ વર્ષીય પુરુષ, ભરૂચની ૫૪ વર્ષીય સ્ત્રી અને સુરતની ૪૯ વર્ષીય સ્ત્રીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા.
આ સમગ્ર પ્રક્રિયામાં કિરણ હોસ્પિટલના ચેરમેન શ્રીમથુરભાઇ સવાણી, એડમીનીસ્ટ્રેટર ડૉ. મેહુલ પંચાલ, ડૉ. અલ્પાબેન પટેલ, સ્વપ્નીલ ચૌધરી, જગદીશ સિંધવ, દીક્ષિત ત્રિવેદી અને હરેશ પગારે, રાજેશભાઈ વાઘ, ભીલાભાઈ વાઘ તથા જીવનદીપ ટીમના ડો. નીલેશ કાછડીયા, પી.એમ ગોંડલીયા, વિપુલ તળાવીયા, ડો કેતન કાનાણી, ચિરાગ કુકડિયા, બીપીન તળાવીયા, હર્ષ પાઠક, હાર્દિક ખીચડિયા, મિલન રાખોલિયા સમગ્ર જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટની ટીમના સહિયારા પ્રયાસોથી જીવનદીપ સંસ્થા દ્વારા ૯મું અંગદાન થયુ હતુ.
વિશેષમાં વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે વાઘ પરિવારના જયાબેન એ દીકરાઓને શાસ્ત્રોનો જે સાર સમજાવ્યો એ બંને દિકરાઓનું તો જીવન તો સારું બનાવ્યું એ થકીજ પરિવારના સભ્યો આધ્યાત્મિક હોવાથી તેઓ દાન-પૂણ્યમાં વધુ માને છે, આ અંગો થકી જેમને પણ નવજીવન મળે તેઓ પણ સારા કાર્યો કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. અંગદાન નું મહત્વ સમજતા હોવાથી અંગદાન કરવાનો નિર્ણય લેવા મક્કમ હતા.
જયાબેનનો દીકરો યોગેશ કિરણ જેમ્સમાં લેસર ઓપરેટર તરીકે અને નાનો દીકરો વિનોદ પણ કિરણ જેમ્સમાં ઇલેક્ટ્રિશ્યન તરીકે કામ કરે છે.