પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે સુરત જિલ્લામાં બે વર્ષમાં ૨૭૮ મોડેલ ફાર્મ તૈયાર કરાયા
રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક મોડલ ફાર્મ માટે રૂ.૧૩,૫૦૦ની સહાય આપવામાં આવી
રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સક્રિય રીતે કાર્યરત છે. ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવા પ્રેરિત કરવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વિસ્તૃત કરવા છેલ્લા બે વર્ષમાં કુલ ૨૭૮ મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે,જે પ્રાકૃતિક ખેતી માટે ઉદાહરણરૂપ બની રહ્યા છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીતના જણાવ્યા અનુાસર સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલા આ પ્રોજેક્ટમાં, ઉમરપાડામાં ૩૦, ઓલપાડમાં ૩૯, કામરેજમાં ૨૩, ચોર્યાસીમાં ૧૨, પલસાણામાં ૧૮, બારડોલીમાં ૪૮, મહુવામાં ૩૧, માંગરોળમાં ૩૮ અને માંડવીમાં ૩૯ મોડલ ફાર્મ બનાવાયા છે. રાજ્ય સરકારે દરેક મોડલ ફાર્મ માટે રૂ. ૧૩,૫૦૦ની સહાય આપવામાં આવી છે, જેનાથી ખેડુતોને પ્રાકૃતિક પદ્ધતિઓ અમલમાં મૂકી પોતાનું ખેતીક્ષેત્ર વધુ ફળદ્રુપ બનાવવા પ્રોત્સાહન મળે છે.
પ્રાકૃતિક પદ્ધતિથી જમીનનું આરોગ્ય જાળવવું સરળ બને છે. કીમિયાવાળાં ખાતર અને જંતુનાશકોના ઉપયોગ વગરની આ પદ્ધતિથી પર્યાવરણ સુરક્ષિત રહે છે. પંચતસ્તરીય ખેતી દ્વારા ખેડૂતો એક સાથે વિવિધ પાક લઈ શકે છે, જેનાથી તેનાથી થતા આર્થિક લાભમાં વધારો થાય છે. મોડેલ ફાર્મના પરિણામો જોઈને અન્ય ખેડુતોને પ્રોત્સાહન મળે છે અને તેઓ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે છે.
રાજ્ય સરકારના આ પ્રયત્નો ખેડુતોને આવક વધારવા ઉપરાંત પર્યાવરણ જાળવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સુરત જિલ્લાનાં આ મોડલ ફાર્મો અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યા છે.