માંડવી ખાતે પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન અને એફપીઓ સશક્તિકરણ શિબિર યોજાઇ
ચૌધરી સમાજના આગેવાનોએ પ્રાકૃતિક કૃષિને જનજન સુધી પહોંચાડવાની કરી હાકલ
દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ફેડરેશન અને ગુજરાત પ્રાકૃતિક ખેતી કૃષિ વિજ્ઞાન યુનિ. હાલોલના સંયુક્ત ઉપક્રમે ખડૂતો માટે પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન અને એફપીઓ સશક્તિકરણ અંગે શિબિર યોજાઈ હતી.
પ્રાકૃતિક યુનિ. હાલોલના કુલપતિ ડો. સી.કે.ટીંબડીયાએ જણાવ્યું હતું કે, હાલની રાસાયણિક ખેતીના કારણે જમીન, આબોહવા, માનવજીવન તથા સમગ્ર જીવસૃષ્ટિ પર ગ્લોબલ વોર્મિંગની અસર ઊભી થઈ છે, તે માટે પ્રાકૃતિક ખેતી ખૂબ મહત્વની છે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધે અને ખેડૂતોને સ્થળ પર જ તાલીમ મળી રહે તે માટે તાલીમ કેન્દ્ર પણ ખોલવાની તેમજ પ્રાકૃતિક કૃષિના ઈનપુટ તથા વેચાણ વ્યવસ્થા માટે નવા એફપીઓની સ્થાપના કરવા પર ભાર મૂક્યો હતો.
ચૌધરી સમાજના આગેવાનોએ પ્રાકૃતિક કૃષિને જનજન સુધી પહોંચાડવાની હાકલ કરી હતી. સમસ્ત ચૌધરી સમાજના આગેવાનો ગરીબ અને પછાત પરિવારોના ઉત્કર્ષ માટે ખુબ સમર્પણ કરી રહ્યા છે. મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિની જરૂરીયાત પર ભાર મૂકી દરેકને મળેલા પ્રાકૃતિક કૃષિના પરિણામોની ચર્ચા કરી હતી
આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના પ્રમુખ વસંતભાઈ ચૌધરી, આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર એન.જી.ગામીત, મહામંત્રી પ્રભુદાસ ચૌધરી, ધનસુખભાઈ ચૌધરી, ડી.સી.ચૌધરી, અશોકભાઈ, અગ્રણી આર.જે.પટેલ, કૃષિ વૈજ્ઞાનિક જનકભાઈ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.