નારી વંદન ઉત્સવ-૨૦૨૪: ‘મહિલા નેતૃત્વ દિવસ’
જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી
જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ કાર્યક્રમ હેઠળ ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરાઇ હતી. જેમાં વિવિધ ગામના બાલિકા પંચાયતના સરપંચ તેમજ સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખએ જણાવ્યું હતું કે, દરેક સ્ત્રીમાં નેતૃત્વની શક્તિ રહેલી છે, જેનો ઉપયોગ તેઓ અંગત અને વ્યવસાયિક જીવનમાં બખૂબી કરે છે, અને સફળ નેતૃત્વ થકી સમાજમાં આમૂલ પરિવર્તન લાવે છે. દરેક મહિલાએ પરસ્પર સહકારની ભાવના સાથે શ્રેષ્ઠ ટીમ વર્કનું ઉદાહરણ પૂરૂ પાડવું જોઈએ.
વધુમાં તેમણે કન્યા કેળવણી પર ભાર મૂકી દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું હતું. દરેક માતા પિતાને પોતાના બાળકોને અને ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવી તેમના મનગમતા ક્ષેત્રમાં આગળ વધારવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ મિશન કો- ઓર્ડિનેટર સ્મિતાબેન પટેલે મહિલાઓ વિશેની વિવિધ સરકારી યોજના જેવી કે, ગંગા સ્વરૂપા સહાય, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા સ્વાવલંબન, નારી સંરક્ષણ ગૃહ, ૧૮૧ અભયમ હેલ્પલાઇન અને એપ્લિકેશન વિશે જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સમાજમાં આગવું સ્થાન ધરાવતા અને સફળ નેતૃત્વ કરતી મહિલાઓનું સન્માન કરી તેમની વિશેષ સિદ્ધિઓ દ્વારા અન્ય મહિલાઓને જે તે ક્ષેત્રે આગળ વધવા પ્રત્સાહન અપાયું હતું. સાથે જ વિવિધ ગામની બાલિકા પંચાયતની સરપંચ અને સદસ્યોએ બાલિકા પંચાયતની રચના, હેતુ અને કામગીરી અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે જિ.પંચાયતના સભ્યો ભારતીબેન રાઠોડ, અમિષાબેન પરમાર, સીતાબેન રાઠોડ, કરિશ્માબેન રાઠોડ, મોનાબેન રાઠોડ, મહિલા અને બાળ અધિકારી રાધિકાબેન ગામીત, દહેજ પ્રતિબંધક અધિકારી કે.વી.લકુમ, ICDS વિભાગના કોમલબેન, મહિલા-બાળ કચેરીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં દીકરીઓ-મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.