Laborer Dies Due To Slab Collapse: સુરત શહેરના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ખાતાના ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ઘસી પડવાની ઘટનામાં એક શ્રમિકના મોત બાદ ઉધના પોલીસે પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતા ઉધના પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે પડકાયેલા મજૂર પૈકી એક મજૂરનું નીપજ્યું હતું મોત
સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓના પ્રતાપે ઉધના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. ગેરકાયદેસર બાંધકામ પાછળ અધિકારીઓ અને બિલ્ડરોની મિલી ભગતના કારણે ગેરકાયદેસર બાંધકામોએ માઝા મૂકી છે. જેના પાપે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. આવી જ કંઈક ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની હતી. ગતરોજ સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ખાતાના બીજા અને ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ધસી પડવાના કારણે ચાર જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા. જે ઘટનામાં ચંદુ સંગાડા નામના શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. જે સીસીટીવી ફૂટેજમાં પણ ચણતર દિવાલ સાથે ધડાકાભેર સાથે નીચે પટકાયેલા શ્રમિકો કેદ થયા હતા.
Laborer Dies Due To Slab Collapse: પોલીસે કોન્ટ્રાક્ટર, કારખાના માલિકની ધરપકડ કરી
આ સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસે ઇજાગ્રસ્તો પૈકીના એકની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. ઉધના પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર દ્વારા આ સંપૂર્ણ બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, પરંતુ પ્લોટ માલિક ભુપેન્દ્ર સોલંકી દ્વારા બાંધકામ અંગેનો કોન્ટ્રાક્ટ નિલેશ પરમારને આપવામાં આવ્યો હતો. ચાલુ બાંધકામ દરમિયાન કામ કરતા શ્રમિકોની કોઈપણ સુરક્ષા વિના કામ લેવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં પરંતુ લેબર-લોના અધિનિયમોનું પણ અહીં કોઈપણ પ્રકારે પાલન કરવામાં આવ્યું નહોતું. પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતા સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ગુનામાં હાલ ઉધના પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર અને પ્લોટ માલિક ભુપેન્દ્ર સોલંકીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે બીજી તરફ પોલીસની તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે પ્લોટ માલિક ભુપેન્દ્ર સોલંકીને એક મહિના અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આ ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત ભુપેન્દ્ર સોલંકી દ્વારા માત્ર ગ્રાઉન્ડ પ્લસ એક માળના બાંધકામની પરવાનગી મેળવવામાં આવી હતી. જેની સામે નિયમો વિરુદ્ધ જઈ આ બાંધકામ થોપી બેસાડવામાં આવ્યું હતું. જેના કારણે આ દુર્ઘટનામાં નિર્દોષ શ્રમિકનો ભોગ લેવાયો હતો.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: