HomeGujaratInternational Nurses Day/તા.૧૨ મે-‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’/INDIA NEWS GUJARAT

International Nurses Day/તા.૧૨ મે-‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’/INDIA NEWS GUJARAT

Date:

તા.૧૨ મે-‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’

નવી સિવિલ ખાતે ‘ધ ટ્રેઈન્ડ નર્સિંસ ઍસોસિયેશન ઓફ ઈન્ડિયા’ સુરત બ્રાન્ચ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ની ઉત્સાહભેર ઉજવણી


સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ૬૦૦થી વધુ નર્સનું સૌપ્રથમવાર નેમટેગ વડે સન્માન

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપદાદા દેશમુખની પ્રેરક ઉપસ્થિતિ

સુરતઃશુક્રવાર: સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે ‘ધ ટ્રેઈન્ડ નર્સિંસ અસોસિએશન ઓફ ઈન્ડિયા’-સુરત બ્રાન્ચ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવી સિવિલમાં વર્ષોથી નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી ૬૦૦થી વધુ નર્સને તેમના વિશેષ યોગદાન બદલ હોદ્દાની નેમ ટેગ અને પેન આપી બિરદાવ્યા હતા. સાથે નર્સિંગ વિદ્યાર્થીઓએ ‘અંગદાન મહાદાન’ના પોસ્ટર દ્વારા જનજાગૃતિનો સંદેશો પણ આપ્યો હતો.
આ પ્રસંગે અંગદાન ટ્રસ્ટના દિલીપદાદા દેશમુખે તેમના લીવર ટ્રાન્સપ્લાન્ટના સ્વ-અનુભવની વાત કરતા ડૉક્ટર સાથે નર્સે દાખવેલી લાગણી અને કુશળતાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ઓપરેશન થયા બાદ દાખલ દર્દીઓની સારસંભાળ માટે નર્સ સૌથી વધુ સમય વિતાવે છે અને દર્દીની કાળજી લે છે. નર્સને મળેલી ‘સિસ્ટર’ની ઉપમાની વિશેષતા જણાવી તેમણે દર્દી અને નર્સ વચ્ચેના આત્મીય સંબધોનું મહત્વ જણાવ્યું હતુ. હોસ્પિટલમાં પરસ્પર સમભાવ સાથે દર્દીઓના દુ:ખમાં સહભાગી થતી નર્સને તેમણે ‘નર્સિંગ યોદ્ધાઓ’ તરીકે બિરદાવ્યા હતા.
આ પ્રસંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.ગણેશ ગોવેકરે કહ્યું હતું કે, દર્દીઓની સારવાર કરવામાં તબીબો દ્વારા લખેલું પ્રિસ્ક્રિપ્શન પરિપૂર્ણ કરવામાં નર્સનો ફાળો ખૂબ મહત્વનો હોય છે.
નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલાએ ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, નર્સ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવામાં હંમેશા સમર્પિત હોય છે. સમગ્ર વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે ભારતીય નર્સનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે એ વાતની પ્રતીતિ કોરોનાકાળે બખૂબી કરાવી છે. સ્વસ્થ ભારતનું નિર્માણ થાય અને ભારત દેશ દુનિયામાં તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બને એ જ અમારો ધ્યેય છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે નવી સિવિલના નર્સિંગ સ્ટાફે કેક કાપી હતી. તેમજ સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગન ડોનેશન વિષય આધારિત નુક્કડ નાટક અને ટી એન્ડ ટી.વી. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હેલ્પીંગ હેન્ડનું નાટકની રજૂ કર્યું હતું. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સામૂહિક ‘અંગદાન મહાદાન’ની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે સરકારી મેડિકલ કોલેજના ડીન અને માનસિક રોગ વિભાગના વડા ડો.ઋતંભરા મહેતા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઈન્દ્રાવતી રાવ, અધિક તબીબી અધિક્ષક ધારિત્રીબેન પરમાર, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સુમતિ ગાવડે, સ્લમ કમિટીના ચેરમેન દિનેશ રાજપુરોહિત, ડો.નિલેષ કાછડીયા, યુનિ. સિન્ડીકેટ સભ્ય ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, કૈલાસજી હકીમ, નિલેષ લાઠીયા, વિભોર ચૂગ, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, સામાજિક અગ્રણીઓ, ફેકલ્ટી ઈન્ચાર્જ, બ્રધર્સ તેમજ હેડનર્સ, સ્ટાફનર્સ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
. . . . . . . . . . . . . . . .

મોડર્ન નર્સિંગના પ્રણેતા ફલોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ- તા.૧૨ મે ને ‘આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે’તરીકે ઉજવાય છે

             સમગ્ર વિશ્વમાં મોડર્ન નર્સિંગના પ્રણેતા અને વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ- તા.૧૨ મે ને ‘આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ૨૦૦ વર્ષ પૂર્વે ૧૨ મે,૧૮૨૦માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલે માનવસેવાને નર્સિંગ સાથે જોડી નર્સિંગને નવી ઓળખ અપાવી. ફ્લોરેન્સને ‘લેડી વિથ લેમ્પ‘ પણ કહેવામાં આવે છે. નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારને નાઈટિંગેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ નર્સ એન્ડ મિડવાઈફ’ તરીકે મનાવવામાં આવ્યું હતું
SHARE

Related stories

Latest stories