International Mother Language Day-21મી ફેબ્રુઆરીના રોજ શા માટે ઊજવાય છે વિશ્વ માતૃભાષા દિન?-INDIA NEWS GUJARAT
21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વના અનેક દેશોમાં વિશ્વ માતૃભાષા દિન Thanks
International Mother Language Dayની ઊજવણી કરાય છે. આ ઊજવણીની પાછળનો ઈતિહાસ પણ રોચક છે. જ્યારે ભારતને બ્રિટિશરોના શાસનથી આઝાદી મળી, ત્યારે તેના ભાગલા પાડી તેને એક અલગ મુસ્લિમ રાજ્ય (પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન) અને એક અલગ હિંદુ રાજ્ય (ભારત)માં વિભાજિત કરવામાં આવ્યું હતું. પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ) અને પશ્ચિમ પાકિસ્તાન (આજનું પાકિસ્તાન) વચ્ચે શરૂઆતથી જ સાંસ્કૃતિક અને ભાષાકીય સંઘર્ષ હતો. બંગાળી ભાષાને તેમની માતૃભાષા તરીકે સત્તાવાર રીતે ઉપયોગમાં લેવા માટે લડતા પાકિસ્તાનના બંગાળી વિદ્યાર્થીઓની શહીદીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર યાદ કરવામાં આવે છે.-INDIA NEWS GUJARAT
વિશ્વ માતૃભાષા દિનવિશ્વ માતૃભાષા દિવસનો ઈતિહાસ
1948માં જ્યારે પાકિસ્તાન સરકારે ઉર્દૂને રાષ્ટ્રભાષા જાહેર કરી અને તેના કારણે તણાવ વધુ વધ્યો. સરકારના આ નિર્ણયને લીધે પૂર્વ પાકિસ્તાનમાં બહુમતી ધરાવતા બંગાળી ભાષી લોકોમાં અસંતોષની જ્વાળા ભડકી ઊઠી અને હિંસક વિરોધની શરૂઆત થઈ હતી. 21 ફેબ્રુઆરી, 1952ના રોજ ઢાકા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ અમુક કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તે દિવસે પોલીસે વિદ્યાર્થીઓ, વિરોધીઓ પર ગોળીબાર કર્યો હતો અને યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓ આ ઘટનાક્રમમાં મૃત્યુ પામ્યા હતા. તેમ છતાં લોકોમાં વધતાં જતા અસંતોષ અને તેમના વિરોધની સામે આખરે 29 ફેબ્રુઆરી, 1956ના રોજ પાકિસ્તાન સરકાર ઝૂકી હતી અને બંગાળીને પાકિસ્તાનની બીજી સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવામાં આવી. 1971 માં, પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ નામનો સ્વતંત્ર દેશ બન્યો અને બંગાળી તેની સત્તાવાર ભાષા બની.
કઈ રીતે અને ક્યારથી થઈ ઊજવણીની શરૂઆત?
1998 માં, કેનેડામાં રહેતા બાંગ્લાદેશીઓ, રફીકુલ ઇસ્લામ અને અબ્દુસ સલામે સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન સચિવ કોફી અન્નાનને પત્ર લખ્યો હતો. તેઓએ યુએનને 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જાહેર કરીને વિશ્વની લુપ્ત થતી ભાષાઓને બચાવવા માટે પગલાં ભરવા વિનંતી કરી.
17 નવેમ્બર 1999 ના રોજ યુનેસ્કોની સામાન્ય પરિષદની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જાહેર કરવામાં આવ્યો અને 21મી ફેબ્રુઆરી 2000ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવવામાં આવ્યો. તે દિવસથી દર વર્ષે 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભાષા માત્ર સંચારનું સાધન નથી; તે વિશાળ સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
શું છે આ વર્ષની થીમ?
વર્ષ 2022 ની ઊજવણીની થીમ “બહુભાષી શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ: પડકારો અને તકો” છે. બહુભાષી શિક્ષણને આગળ વધારવા અને બધા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શિક્ષણના વિકાસને ટેકો આપવા માટે ટેકનોલોજીની સંભવિત ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ભાષાઓ બાબતે શું કહે છે યુનેસ્કોના અહેવાલ?
સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે આપણે દર બે અઠવાડિયે એક ભાષા ગુમાવી રહ્યા છીએ અને વિશ્વમાં બોલાતી અંદાજિત 6000 ભાષાઓમાંથી ઓછામાં ઓછી 43% ભાષાઓ લુપ્ત થવાના આરે છે. યુનેસ્કોના જણાવ્યા મુજબ, વિશ્વની 40 ટકા વસ્તીને તેઓ જે ભાષા બોલે છે અથવા સમજે છે તે ભાષામાં શિક્ષણની ઍક્સેસ નથી. તેથી માતૃભાષા આધારિત બહુભાષી શિક્ષણમાં તેનું મહત્વ સમજવાની જરૂરિયાત સાથે પ્રગતિ કરવી જરૂરી છે.
યુનેસ્કો આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે અને લોકોને તેમની માતૃભાષાનું જ્ઞાન જાળવી રાખવા અને એક કરતાં વધુ ભાષાઓનો ઉપયોગ કરવા અને નવી ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. સરકારો અને બિન-સરકારી સંસ્થા દ્વારા ભાષાના શિક્ષણ અને સમર્થનને પ્રોત્સાહન આપવા માટે ઘણી નીતિઓ પણ જાહેર કરવામાં આવે છે. ભાષાઓની વિવિધતાને ઉજવવા માટે શાળાઓ અને કોલેજોમાં પણ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
ભારતની ભાષાઓ અને હાલની પરિસ્થિતિનો ચિતાર
ભારતમાં 121 ભાષાઓ છે. તેમાંથી 22 ભાષાઓનો ભારતના બંધારણની આઠમી અનુસૂચિના ભાગ Aમાં જ્યારે બાકીની 99 ભાષાઓનો ભાગ B માં ઉલ્લેખ છે. તદુપરાંત ભારતમાં 270 માતૃભાષાઓ પણ છે.
2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતની સૌથી લોકપ્રિય ભાષા હિન્દી છે જે 52 કરોડથી વધુની માતૃભાષા છે, જ્યારે સંસ્કૃત માત્ર 24,821 લોકોની ભાષા છે.
2011 ભાષાની વસ્તી ગણતરીમાં નોંધાયેલી 121 ભાષાઓમાંથી, હિન્દી એકમાત્ર અનુસૂચિત ભાષા છે જેણે લગભગ 6% વૃદ્ધિ સાથે પ્રગતિ દર્શાવી છે.કાશ્મીરી ભાષા બીજા ક્રમે છે જેનો ઊપયોગ 22.97% લોકો રોજિંદા જીવનમાં કરે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત (20.4%) અને મણિપુરી (20.07%) ત્રીજા સ્થાને છે અને બંગાળી (16.63%) ચોથી સૌથી વધુ ઝડપથી વિકસતી ભાષા છે.
તેલુગુ (-0.49%), તમિલ (-0.21%), કન્નડ (-0.08%) અને મલયાલમ (-0.33%) જેવી દક્ષિણ ભારતીય ભાષાઓ છેલ્લા એક દાયકામાં, ડેટા અનુસાર, ધીમે ધીમે ઘટી રહી છે.
આપણી બહુમૂલ્ય ધરોહર સમી માતૃભાષાઓને મૃત:પ્રાય થતી અટકાવવાની જવાબદારી હવે યુવાનોના શિરે છે. તેથી વિદેશી ભાષા શીખવાના મોહમાં આપણે ક્યાંક આપણી માતૃભાષા પર જ અન્યાય નથી કરી રહ્યા ને? તે પ્રશ્ન સ્વયંને પૂછવો એ આજના દિને આવશ્યક થઈ પડે છે. તો ચાલો આજે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે આપણી માતૃભાષાને નવજીવન આપવાનો સંકલ્પ લઈએ.
આ પણ વાંચી શકો Gutkha-Tobacco Sold In Country Even After The Ban: गुटखा-तंबाकू बैन फिर भी देश में धड़ल्ले से होती है ब्रिकी
આ પણ વાંચી શકો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજીત સમુહલગ્નોત્સ્વમાં ૧૨૨ યુગલો જોડાયા-india news gujarat