સ્વસ્થ દેશ તરફ કેન્દ્ર સરકારની પહેલ: ‘સુરત મિલેટ મેળો’
આણંદના સેજલકુમાર કનુભાઈ પટેલના ઓર્ગેનિક મસાલા, મિલેટ્સ, મિલેટ્સ બનાવટો તેમજ તેલ અને ગોળ જેવી ખાદ્ય પેદાશોનું ‘મિલેટ મેળા’ થકી પ્રદર્શન અને વેચાણ
‘ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનું સરકારનું કાર્ય સરાહનીય:’ સેજલકુમાર પટેલ
સ્વસ્થ દેશના નિર્માણ તરફ આગેકૂચ કરતી કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ માધ્યમ થકી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. આ સંદર્ભે સુરતના સરસાણા ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ‘સુરત મિલેટ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વ જયારે આંતર રાષ્ટ્રીય મિલે્ટસ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વધુમાં વધુ લોકો બાજરી, જુવાર, રાંગી, કાંગણી, ચીના, કુટકી જેવા મિલે્ટસનો ખાવામાં ઉપયોગ કરીને નિરોગી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતનાં વિવિધ શહેરોના વિક્રેતાઓ પ્રાકૃતિક ખેતીની ખેતપેદાશોના વેચાણ અને પ્રદર્શન કરવા સુરતના મહેમાન બન્યા છે.
ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રડ્યુસર સહકારી મંડળીની ઓરફાર્મ સંસ્થાના સેજલકુમાર પટેલ આણંદના બોરિયાવી ગામથી બીજી વખત સુરતના મહેમાન બન્યા છે. તેમણે સુરત મિલેટ મેળામાં મરચા, જીરુ, ધાણાજીરુ જેવા ઓર્ગેનિક મસાલા, કિનોવા, સામો, રાજગરા, કાંગ, કોડરી, બાજરી જેવા મિલેટ્સ, રાગી અને કોડરીની વાડી, પાપડી અને સેવ જેવી મિલેટ્સ બનાવટો તેમજ પ્રાકૃતિક સિંગતેલ અને ગોળ જેવી ખાદ્ય પેદાશોનું વેચાણ કર્યું હતું. જેમાં લાલ અને સફેદ એમ બે રંગની રાગીની પેદાશ હતી.
સરકાર તરફથી પ્રાકૃતિક કૃષિને મળતા પ્રોત્સાહનથી ખુશહાલ સેજલકુમારે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના સરકારના કાર્યને સરાહનીય ગણાવી સરકારના પ્રયત્નોને બિરદાવ્યા હતા.