HomeGujaratInternational Day Of Yoga/વિશ્વ યોગ દિન: ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ/India...

International Day Of Yoga/વિશ્વ યોગ દિન: ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ/India News Gujarat

Date:

તા.૨૧મી જૂન: વિશ્વ યોગ દિન: ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’

યોગ એ માત્ર જીવનનો એક ભાગ નથી, પણ જીવનનો માર્ગ બની રહ્યો છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

યોગ એટલે માનવ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા, આરોગ્ય અને સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ

યોગથી ભારતની મહાન સંસ્કૃતિ અને વિરાસતનો સમગ્ર વિશ્વમાં જયજયકાર થયો

પ્રાચીન ભારતીય પરંપરાની વિશ્વને અમૂલ્ય દેન સમાન યોગવિદ્યા શારીરિક અને માનસિક સુખાકારીને વધારવા માટેના સૌથી વિશ્વસનીય માધ્યમોમાંનું એક છે. “યોગ” શબ્દ સંસ્કૃત મૂળ ‘યુજ’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે “જોડવું”, “જોડાવું” અથવા “એક થવું”, જે મન અને શરીરની એકતાનું પ્રતિક છે; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; માનવ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા, અને આરોગ્ય અને સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાથે સમગ્ર દુનિયામાં સ્વાસ્થ્ય, સુખ-શાંતિ અને ભાઈચારા માટે સંયુકત રાષ્ટ્ર સમક્ષ ૨૧મી જૂનને વિશ્વ યોગ દિનરૂપે ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને દુનિયાના ૧૭૭ દેશોએ સમર્થન આપી સ્વીકાર કરતા વર્ષ ૨૦૧૫થી સમગ્ર વિશ્વ દર વર્ષે ૨૧મી જૂને યોગમય બને છે. UNGA એ તેના ઠરાવમાં સમર્થન આપતા ટાંક્યું હતું કે “યોગ જીવનના તમામ પાસાઓ વચ્ચે સંતુલન જાળવવા ઉપરાંત સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ પૂરો પાડે છે. યોગાભ્યાસના ફાયદાઓ વિશેની માહિતીનો વ્યાપક પ્રસાર એ વિશ્વના તમામ લોકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.
યોગથી સર્વગ્રાહી સ્વાસ્થ્ય ક્રાંતિનો યુગ આવ્યો, જેમાં ઉપચારને બદલે નિવારણ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું. એટલે કે રોગ થયા પછી સારવાર કરવાની પ્રણાલીને બદલે તે થાય જ નહીં અને ઉગતો જ ડામી દેવાય એવા અભિગમને વેગ મળ્યો. આમ, યોગથી ભારતની મહાન સંસ્કૃતિ અને વિરાસતનો સમગ્ર વિશ્વમાં જયજયકાર થયો છે.
સદીઓ પહેલા સંસ્કૃતના સૌથી લોકપ્રિય કવિઓ પૈકીના એક ભર્તૃહરિએ યોગની વિશેષતા વર્ણવી છે કે,
‘‘ धैर्यं यस्य पिता क्षमा च जननी शान्तिश्चिरं गेहिनी
सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनः संयमः।
शय्या भूमितलं दिशोSपि वसनं ज्ञानामृतं भोजनं
एते यस्य कुटिम्बिनः वद सखे कस्माद् भयं योगिनः।।’’

અર્થાત, નિયમિત રીતે યોગાસન કરીને વ્યક્તિ કેટલાક ખૂબ સારા ગુણો આત્મસાત કરી શકે છે. જેમ કે, હિંમત જે પિતાની જેમ રક્ષણ આપે છે, માતા પાસે રહેલી ક્ષમા અને માનસિક શાંતિ જે કાયમી મિત્ર બની જાય છે. નિયમિત યોગાભ્યાસથી સત્ય આપણું બાળક બને છે, દયા બહેન અને આત્મસંયમ આપણો ભાઈ બને છે, પૃથ્વી પથારી બને છે અને જ્ઞાન આપણી ભૂખને સંતોષે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે તા.૨૧મી જૂનના દિવસને કેમ પસંદ કરવામાં આવ્યો?
. . . . . . . . . . . . . . . . . .

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે તા.૨૧મી જૂનની પસંદગી પાછળ ખાસ કારણ છે. તા.૨૧ જૂને ઉત્તરી ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ હોય છે. જેને ગ્રીષ્મ સંક્રાંતિ પણ કહે છે. ભારતીય પરંપરા અનુસાર ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સૂર્ય દક્ષિણાયન થાય છે. ગ્રીષ્મ સંક્રાંતિ બાદનો સૂર્ય દક્ષિણાયનનો સમય આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં ખૂબ મહત્વપૂર્ણ હોવાની માન્યતા છે, જ્યારે દીર્ઘ આયુષ્ય માટે યોગ જરૂરી છે. જેથી તા.૨૧મી જૂનને યોગ દિવસ માટે પસંદ કરાયો છે. વર્તમાન વર્ષ ૨૦૨૩ના આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી ‘વસુધૈવ કુટુંબકમ’- ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ (Yoga for One Earth, One health) થીમ પર થઈ રહી છે.

મહર્ષિ પતંજલિ: યોગવિદ્યાના જનક
મહર્ષિ પતંજલિએ પ્રાચીનકાળમાં ‘યોગસૂત્ર’ પુસ્તક લખ્યું હતું. મહર્ષિ પતંજલિને યોગના પિતા માનવામાં આવે છે. તેમણે ‘અષ્ટાંગ યોગ’ એટલે કે યોગના આઠ અંગો તૈયાર કર્યા. જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે. આ પછી ભારતના ઘણા યોગ ગુરૂ થયા, જેમણે સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર કર્યો. જેમાં ધીરેન્દ્ર બ્રહ્મચારી, કૃષ્ણ પટ્ટાભી જોઈસ, બી.કે.એસ. આયંગર, તિરૂમલાઈ કૃષ્ણમાચાર્ય, પરમહંસ યોગાનંદ, સ્વામી શિવાનંદ સરસ્વતી, મહર્ષિ મહેશ યોગીનો સમાવેશ થાય છે.

યોગમય ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં યોગવિદ્યા-યોગાભ્યાસને પ્રોત્સાહિત કરતા અનેક કાર્યક્રમો-સ્પર્ધાઓ યોજાઈ રહ્યા છે. ગુજરાત ખરા અર્થમાં યોગમય બન્યું છે. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે.
રાજ્યમાં પ્રથમવાર “રમત સાથે યોગ” સમર કેમ્પનું આયોજન તેમજ “યોગોત્સવ-૨૦૨૩” અને “હર ઘર ધ્યાન-ઘર ઘર યોગ”માં અનેક લોકો જોડાયા હતા. ઉપરાંત;
 રાજ્યના ૭૫ સ્થળો પર ઉત્તરાયણના દિવસે એક સાથે ૮૫૦૦ થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા.
 રાજ્યના ૫૦ આઇકોનિક સ્થળો પર ડિજિટલ રિવર્સ કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવવામાં આવી છે.
 યોગ બોર્ડ દ્વારા જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન
 કોમન યોગ પ્રોટોકોલ તાલીમ અંતર્ગત દરેક જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ૪૧ મોટા કાર્યક્રમોનું સફળ આયોજન જેવી અનેકવિધ યોગપ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

ભારતમાં વર્ષ ૨૦૧૫થી વિવિધ થીમ આધારિત યોગ દિનની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીની ઝલક:
. . . . . . . . . . . . . . .
વર્ષ ૨૦૧૫: સ્થળ: રાજપથ (કર્તવ્યપથ), નવી દિલ્હી
થીમ: Yoga for Harmony & Peace: સંવાદિતા અને શાંતિ માટે યોગ
નવી દિલ્હીના રાજપથ પર આયોજિત આ ઈવેન્ટે બે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા, જેમાં પ્રથમ; એક જ સ્થળ પર એક જ યોગ સત્રમાં ૩૫,૯૮૫ લોકોએ ભાગ લીધો તેમજ બીજો રેકોર્ડ; યોગ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યોગાભ્યાસમાં ૮૪ દેશોના નાગરિકો જોડાયા હતા.

વર્ષ ૨૦૧૬: સ્થળ: ચંદીગઢ
થીમ: Connect the Youth : યુવાઓને જોડો
૨૧ જૂન-૨૦૧૩ ના યોગ દિન કાર્યક્રમ ચંદીગઢમાં યોજાયો હતો, જેમાં ૩૦ હજાર લોકો અને ૧૫૦ દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો.

વર્ષ ૨૦૧૭: સ્થળ: લખનૌ, ઉત્તરપ્રદેશ
થીમ: Yoga for Health: સ્વાસ્થ્ય માટે યોગ*
ઉત્તરપ્રદેશના લખનૌમાં આયોજિત યોગ દિન કાર્યક્રમમાં ૫૧,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. વડાપ્રધાનએ અહીં જીવનમાં યોગ્ય જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું.

વર્ષ ૨૦૧૮: સ્થળ: દેહરાદુન, ઉત્તરાખંડ
થીમ: Yoga for Peace: શાંતિ માટે યોગ
ઉત્તરાખંડના દેહરાદુનમાં આયોજિત યોગ દિનની ઉજવણીમાં ૫૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો.

વર્ષ ૨૦૧૯: સ્થળ: રાંચી, ઝારખંડ
થીમ: Climate Action: ક્લાઈમેટ એક્શન
રાંચીમાં આયોજિત યોગ દિન સમારોહમાં આશરે ૩૦,૦૦૦ જેટલા નાગરિકો જોડાયા હતા.

વર્ષ ૨૦૨૦: થીમ: Yoga for Health – Yoga at Home
વૈશ્વિક કોરોના વાઇરસ મહામારીના કારણે આ ઇવેન્ટ વર્ચ્યુઅલ રીતે આયોજિત કરવામાં આવી હતી, જેમાં ઘરે રહીને દેશવાસીઓએ યોગાભ્યાસ કરી ઉજવણી કરી હતી,

વર્ષ ૨૦૨૧: થીમ: Yoga For Wellness: સુખાકારી માટે યોગ
આ યોગ દિને વડાપ્રધાનએ ‘WHO M-Yoga’ એપ્લીકેશન લોન્ચ કરી હતી. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે દેશભરના ૭૫ આઇકોનિક હેરિટેજ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

વર્ષ ૨૦૨૨: સ્થળ: મૈસુર પેલેસ, કર્ણાટક
થીમ: Yoga for Humanity: માનવતા માટે યોગ
વડાપ્રધાનએ કર્ણાટકના મૈસુર પેલેસના પ્રાંગણમાં આયોજિત યોગ દિન કાર્યક્રમમાં અંદાજિત ૧૫,૦૦૦ લોકો સહભાગી બન્યા હતા.

UNમાં થશે ભારતનો જય-જયકાર
SHARE

Related stories

Latest stories