HomeGujaratHonored With 'Wali' Award/અમર પાલનપુરી સુપ્રસિદ્ધ ‘વલી’ ગુજરાતી ગઝલ અવોર્ડથી સન્માનિત/INDIA NEWS...

Honored With ‘Wali’ Award/અમર પાલનપુરી સુપ્રસિદ્ધ ‘વલી’ ગુજરાતી ગઝલ અવોર્ડથી સન્માનિત/INDIA NEWS GUJARAT

Date:

પ્રખ્યાત કવિ, ગઝલકાર અમર પાલનપુરી સુપ્રસિદ્ધ ‘વલી’ ગુજરાતી ગઝલ અવોર્ડથી સન્માનિત

સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘વલી’ ગુજરાતી ગઝલ પારિતોષિક અર્પણ સમારોહ યોજાયો

લોકોને સાહિત્ય સાથે જોડી રાખવા આગામી દિવસોમાં શહેરની શેરીઓમાં લાયબ્રેરીનું નિર્માણ કરવાનું આયોજન: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાતના પ્રથમ ઉર્દુ શાયર ‘વલી’ ગુજરાતીની સ્મૃતિમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે વલી એવોર્ડ આપી મૂર્ધન્ય ગઝલકારોને સન્માનિત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પ્રખ્યાત કવિ, ગઝલકાર અમર પાલનપુરીને સાહિત્ય જગતનો સુપ્રસિદ્ધ ‘વલી’ ગુજરાતી ગઝલ પુરસ્કાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરાયો હતો.


અઠવાલાઈન્સના આદર્શ હૉલ ખાતે આયોજિત ‘વલી’ ગુજરાતી ગઝલ પારિતોષિક અર્પણ સમારોહમાં મંત્રીએ કવિ અમર પાલનપુરીને અભિનંદન આપતા, કવિતા, ગઝલ અને સાહિત્યમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી સાહિત્યીક પ્રતિભાઓને અપાતાં પ્રોત્સાહન અને ગુજરાતી સાહિત્યના વારસાને જાળવી રાખવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. દેશ કે રાજ્યના વિકાસમાં તેની ભાષા અને સંસ્કૃતિની મહત્વની ભૂમિકા સમજાવી મંત્રીએ લોકોને સાહિત્યથી જોડાયેલા રહેવા આહ્વાન કર્યું હતું.


મંત્રીએ લોકોને પુસ્તકો અને વાંચન સાથે જોડી રાખવા આગામી દિવસોમાં શહેરની શેરીઓ અને રસ્તાઓ પર લાયબ્રેરીનું નિર્માણ કરવાનુ આયોજન થઈ રહ્યું હોવાનું પણ ઉમેર્યું હતું. તેમણે નવ યુવાઓને સાહિત્યમાં રસ કેળવવા તેમજ પોતાની ભાષા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અપીલ કરી હતી.

નોંધનીય છે કે, વલી પારિતોષિક માટે પસંદગી પામેલા ગઝલકારને વલી ગુજરાતી એવોર્ડ સાથે રૂ. એક લાખની સન્માન રાશિ અર્પણ કરવામાં આવે છે.

આ પ્રસંગે અકાદમી અધ્યક્ષ ભાગ્યેશ ઝા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવ, નર્મદ યુનિ.ના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા, કવિ, લેખક અને મનોચિકિત્સક ડૉ.મુકુલ ચોકસી સહિત અન્ય કવિઓ અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories