ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ કેજરીવાલ અને સંજયની અરજી પર સુનાવણી કરી હતી. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ મિહિર જોશીએ વિવિધ દલીલો રજૂ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, રાહત આપવી જોઈએ. જોશીએ કોર્ટને બદનક્ષીના કેસની સુનાવણી જ્યાં સુધી સેશન્સ કોર્ટમાં રિવિઝન પિટિશન પેન્ડિંગ ન હોય ત્યાં સુધી અટકાવવા જણાવ્યું હતું. જસ્ટિસ સમીર દવેએ આકરી ટીપ્પણી કરતાં કહ્યું કે, હવે જ્યારે દિલ્હીમાં બધુ બરાબર છે તો ફરી કેમ હાજર ન થયા ?ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહને અમદાવાદની નીચલી કોર્ટમાં હાજર થવાનું છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી બંને નેતાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. PM મોદીની ડિગ્રી વિવાદ પર ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ પછી બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.આ તરફ ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમાં હાજર થવા માટે બંને નેતાઓને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. ગત વખતે બંને નેતાઓને કોર્ટ દ્વારા મુક્તિ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના વકીલોએ દિલ્હીમાં આવેલા પૂરની સ્થિતિને ટાંકી હતી. અરવિંદ કેજરીવાલ મેટ્રોપોલિટન કોર્ટના સમન્સમાંથી રાહત મેળવવા સેશન્સ કોર્ટમાં ગયા હતા, પરંતુ ત્યાં ગુજરાત યુનિવર્સિટીની રજૂઆત ન થવાને કારણે તેમને કોઈ રાહત મળી શકી નહોતી.
કેજરીવાલ અને સંજય સિંહે હાઈકોર્ટમાં અરજી કરી
આ પછી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં પણ બંને નેતાઓને રાહત મળી નથી. કેજરીવાલ વતી હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. તેનું રિવિઝન સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં માનહાનિના કેસની કાર્યવાહી પેન્ડિંગ હોય ત્યાં સુધી અટકાવવી જોઈએ અથવા તો કોર્ટે તે રિવિઝન અરજી પર સુનાવણી માટે આદેશ જાહેર કરવો જોઈએ, જેથી પહેલા તેનો નિર્ણય લઈ શકાય પરંતુ કોર્ટે આ માગણી ફગાવી દીધી હતી અને જસ્ટિસ સમીર દવે પોતાના નિર્ણયમાં કહ્યું કે, તમારી અરજી પરત કરવામાં આવી રહી છે અને કોઈ વચગાળાની રાહત આપવામાં આવી રહી નથી.