સંસ્કૃત વિષયમાં વેદો-પુરાણોના અધ્યયન વિષય પર Ph.D કરનાર ભરૂચના અર્ચના પટેલને શિક્ષણ રાજ્યમંત્રીના હસ્તે પદવી એનાયત
ધર્મ ગ્રંથો વિષે જિજ્ઞાસા હોવાથી વેદો-પુરાણો પર પીએચડી કર્યું છે. હવે સંસ્કૃત વિષયનું જ્ઞાન આવનાર પેઢીને આપીશ: પ્રો.અર્ચના પટેલ
ભરૂચના અર્ચના પટેલે સંસ્કૃત વિષય પર ઋગ્વેદના મંડળ છ પર મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ભાષ્યના અધ્યયન સાથે પી.એચડી કર્યું છે, જેઓને વીર નર્મદ યુનિવર્સિટીના ૫૪મા ખાસ પદવીદાન સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે પી.એચડી.ની ડિગ્રી એનાયત થતા તેમને વર્ષોની મહેનતનું પરિણામ પ્રાપ્ત થયું છે.
ઋગ્વેદના મંડળ છ પર મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ભાષ્ય એક અધ્યયનનું સંશોધન કરીને પી.એચડી પૂર્ણ કર્યાનો આનંદ જ કંઈક અલગ છે એમ અર્ચના પટેલ અનુભૂતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું. તેમણે આપણા પ્રાચીન વેદો-પુરાણોને પી.એચડી. માટે પસંદ કરી તેનો આનંદ વ્યક્ત કરતા ઉમેર્યું કે, સંસ્કૃત ભાષા એ કોઇ ધર્મ, સંપ્રદાય કે વર્ગ વિશેષની ભાષા નથી. સદીઓથી પૌરાણિક ભાષા સંસ્કૃત સૌની ભાષા બની રહી છે. ભાષા તથા ધર્મને ક્યારેય જોડવા ન જોઈએ. મને ધર્મ ગ્રંથો જાણવાનો રસ હતો, જિજ્ઞાસા હતી, એટલે જ વેદો-પુરાણો પર પીએચડી કર્યું છે. હવે સંસ્કૃત વિષયનું જ્ઞાન આવનાર પેઢીને આપીશ.
તેમણે કહ્યું કે, ભરૂચની જે.પી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કોસંબામાં પૂર્ણ કર્યો, ત્યારબાદ સુરતની અઠવાગેટ સ્થિત વાડિયા વિમેન્સ કોલેજમાં એમ. ફિલ પૂર્ણ કર્યું. અને પી.એચડીનો અભ્યાસ વીર નર્મદ યનિવર્સિટી સંલગ્ન કોલેજમા પૂર્ણ કર્યો. હાલ નર્મદ યનિવર્સિટીના સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહી છું. માતા-પિતા સ્વાધ્યાય પરિવારમાં હોવાથી નાનપણથી આધ્યમિક માહોલમાં ઉછેર થયો છે. પી.એચડી અભ્યાસમાં અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર સહિત અનેક શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું છે. આપણી વૈદિક સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને પાશ્ચાત્ય વિકસિત દેશોની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરાવવામાં આવે છે. અમેરિકન સ્પેસ રિસર્ચ એજન્સી ‘નાસા’એ પણ માન્યું છે કે, પ્રાચીન કાળમાં જે સંશોધનો થયા છે તેનો ઉલ્લેખ વેદો-પુરાણોમાં છે.
અર્ચના પટેલે વધુમાં કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ભારતીય પ્રજાને ભારતની ઉત્કૃષ્ટ વૈદિક સંસ્કૃતિ અને સભ્યતાના ગૌરવપૂર્ણ વારસાનું દર્શન કરાવ્યું છે. તેમણે સ્વદેશ, સ્વભાષા, સ્વધર્મ, સ્વરાજ માટે જનજાગૃતિના નિર્માણનું કાર્ય કર્યું હતું. દયાનંદજીની સમગ્ર વિચારસરણીનો મૂળ આધાર વેદ છે. વેદ ઉપરાંત તેઓ ષડદર્શન, ઉપનિષદો, મનુસ્મૃતિને ઉજાગર કર્યા હતા. પ્રાચીનકાળમાં વેદો ઋષિમુનિઓને વેદો-પુરાણોનું આત્મજ્ઞાન હતું. એ સમયે વેદોમાં બ્રાહ્મણ જ ભણી શકતા હતા. પરંતુ દયાનંદ સરસ્વતીએ ભાષ્ય દ્વારા માણસ માત્ર માટે ગ્રંથ છે અને પ્રત્યેક વ્યક્તિ માટે અધ્યયન ઉપલબ્ધ કરાવ્યું છે. નાનપણથી જ સંસ્કૃત વિષય પ્રત્યે તેમને લગાવ હતો. પુરાણોમા નિર્દેશિત શિક્ષણ પધ્ધતિ વિષય પર તેમણે ગહન અભ્યાસ કર્યો હતો.