સહકારિતા-મહિલા સશક્તિકરણ-અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર-ફિનટેક સર્વિસીસ દ્વારા રોજગારી
ગિફટ સિટી સહિતના ગુજરાતના ગુડ ગવર્નન્સથી પ્રભાવિત થતું કેરાલા ડેલિગેશન
-: રાષ્ટ્રનિર્માણમાં ગુજરાતના યોગદાનની સરાહના :-
……
પબ્લિક પોલિસી રિસર્ચ સેન્ટરના ઉપક્રમે ગુજરાતના સાપ્તાહિક પ્રવાસ ‘ગુડ ગવર્નન્સ ટૂર’ પર આવેલા ડેલિગેશનની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત બેઠક યોજાઇ
……
કેરાલાની ગ્રામ પંચાયતના સરપંચો-નગરપાલિકા-મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ~ પત્રકારો-ટેકીઝ અને બ્લોગર્સ સહિત પદાધિકારીઓ સાથેના ૧પ સભ્યોના પ્રતિનિધિમંડળે
સી.એમ. ડેશબોર્ડની ગતિવિધિઓ પ્રત્યક્ષ નિહાળી -: મુખ્યમંત્રી :-
•• વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લાંબાગાળાના રિઝલ્ટ ઓરિએન્ટેડ વિઝન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ-લોકોના સર્વાંગી કલ્યાણનો ધ્યેય ગુજરાતના વિકાસમાં રાખ્યો છે
•• એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની વડાપ્રધાનની ભાવના દરેક રાજ્યોની લોકહિતની સારી યોજનાઓ-બાબતોના પરસ્પર આદાન-પ્રદાનથી સાકાર થઇ શકે
……
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત પબ્લિક પોલિસી રિસર્ચ સેન્ટરના ઉપક્રમે ગુજરાતના સાપ્તાહિક પ્રવાસ ‘ગુડ ગવર્નન્સ ટૂર’ અંતર્ગત ગુજરાત આવેલા કેરાલા રાજ્યના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં ગુજરાત વિકાસનું રોલમોડેલ અને દેશ માટે ગવર્નન્સ આર્કિટેકચરની બ્લૂપ્રિન્ટ બન્યું છે તેની પ્રત્યક્ષ અનૂભુતિના સંદર્ભમાં પબ્લિક પોલિસી રિસર્ચ સેન્ટર દ્વારા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ગુડ ગવર્નન્સ ટૂરમાં કેરાલા રાજ્યની ગ્રામ પંચાયતોના સરપંચ, નગરપાલિકા-મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપરાંત પત્રકારો, ટેકિઝ એન્ડ બ્લોગર્સ, પદાધિકારીઓ વગેરે સહભાગી થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત પૂર્વે આ ડેલિગેશનના સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટિ, ગિફટ સિટી, અમૂલ-આણંદ, સાબરમતી રિવરફ્રન્ટ, બી.આર.ટી.એસ જનમાર્ગ સુવિધા સહિતના સ્થળોની મુલાકાતે ગયા હતા.
ડેલિગેશનના સભ્યોએ ગુજરાતના અમૂલ અને ઇફકો જેવા શ્રેષ્ઠ સહકારિતા મોડેલ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે આદિજાતિ મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓ બનાવટોના વેચાણની વ્યવસ્થાથી મહિલા સશક્તિકરણ અને આર્થિક આધાર, ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉત્તમ સુવિધાઓની મુક્ત મને પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં નંખાયો છે તેની વિસ્તૃત ભૂમિકા ડેલિગેશનને આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસ કેવો હોય અને તેને છેવાડાના, ગરીબ માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેની ઝિણવટભરી કાળજી વડાપ્રધાનએ લીધી છે. નર્મદાનું પાણી છેક ગામડા સુધી પહોંચાડવા સાથે ચોવીસ કલાક વીજળી, ગ્રામ્યકક્ષા સુધી રોડ કનેક્ટિવીટી જેવી માળખાકીય સગવડો ઉપરાંત વાયબ્રન્ટ સમિટના માધ્યમથી ઉદ્યોગોનો વિકાસ, રોજગારીની તકો અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતે આગવી છબિ ઉપસાવી છે.
ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, અમૃત સરોવર હોય કે પ્રાકૃતિક ખેતી, રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, સેવ સોઇલ અભિયાન, મિશન લાઇફ જેવા વર્તમાન સમયાનુરૂપ ક્ષેત્રોમાં પણ સસ્ટેઇનેબલ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ વિકાસના ધ્યેય સાથે ગુજરાતમાં યોજનાઓ આકાર પામે છે.
તેમણે વડાપ્રધાનએ આપેલા એક ભારત-શ્રેષ્ઠ ભારતના વિચારને સાકાર કરવા દરેક રાજ્યોની લોકહિતની સારી યોજનાઓના પરસ્પર આદાન-પ્રદાન માટે પણ કેરાલા ડેલિગેશન સાથેની વાતચીતમાં હિમાયત કરી હતી.
આ ડેલિગેશનના સભ્યોએ એમ પણ જણાવ્યું કે, ગિફટ સિટી જેવા ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેકસિટી વિશે માત્ર સાંભળ્યું હતું પરંતુ વર્લ્ડકલાસ ફેસેલિટીઝ શું હોય તે અહીં આવીને પ્રત્યક્ષ નિહાળ્યું છે.
એટલું જ નહિ, ફિનટેક સર્વિસીસ પ્રોજેક્ટ દ્વારા યુવાનોને રોજગારી અને આર્થિક ક્ષેત્રને વેગ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વગેરેથી પણ તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
ગુજરાતમાં દરેક પ્રોજેક્ટ સમયબદ્ધ, આયોજનબદ્ધ અને ટ્રાન્સપેરન્સીથી પૂર્ણ થાય છે તથા ગુજરાત વેપાર-ઉદ્યોગ, રોજગાર, ઊર્જા ઉત્પાદન સહિતના ક્ષેત્રો દ્વારા રાષ્ટ્રનિર્માણમાં અગ્રીમ યોગદાન આપે છે તેની પણ સરાહના આ ડેલિગેશને કરી હતી.
મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત બાદ કેરાલા ડેલિગેશનના સૌ સભ્યોએ મુખ્યમંત્રી નિવાસસ્થાને સી.એમ-ડેશબોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઇને વિવિધ લોકહિત યોજનાઓના રિયલ ટાઇમ મોનિટરીંગ સિસ્ટમની ટ્રાન્સપેરન્ટ પદ્ધતિ રસપૂર્વક નિહાળી હતી.