HomeGujaratEncourage Natural Farming/India News Gujarat

Encourage Natural Farming/India News Gujarat

Date:

સાધુ-સંતો, મહંતો અને ધર્મગુરુઓ તેમના ઉપદેશમાં, સત્સંગમાં અને કથા-પ્રવચનોમાં સમાજને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા આપે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ગુજરાતભરમાંથી ધર્મગુરુઓ, સંતો-મહંતો પધાર્યા

પ્રભુની પ્રસન્નતાનો માર્ગ એટલે પ્રાકૃતિક ખેતી

પ્રાકૃતિક ખેતી કરવાનો અને પ્રાકૃતિક જીવન જીવવાનો સંકલ્પ લઈએ : જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ

સારંગપુરમાં પ્રાકૃતિક ખેતીનું રિસર્ચ સેન્ટર અને મોડેલ ફાર્મ બનશે : સાધુ શ્રી જ્ઞાનેશ્વરદાસજી સ્વામી
પ્રાકૃતિક ખેતી એ પવિત્ર ખેતી છે, પવિત્ર ખેતીથી ધરતીની પવિત્રતા આણીએ : પરમ પૂજ્ય શ્રી ધર્મવલ્લભ સ્વામીજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાધુ-સંતો, મહંતો અને ધર્મગુરુઓને અપીલ કરી હતી કે, તેઓ પોતાના ઉપદેશમાં, સત્સંગમાં અને કથા-પ્રવચનોમાં પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા આપે. અનુયાયીઓ-શિષ્યોને પ્રાકૃતિક કૃષિ પેદાશો જ વાપરવાની શિખામણ આપે. પ્રકૃતિના સંતુલન માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે અને સ્વસ્થ આરોગ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક આહાર જરૂરી છે.

ગાંધીનગરમાં રાજભવનમાં સાધુ-સંતો, ધર્મગુરુઓ સાથેના પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ગુજરાતભરમાંથી પધારેલા ધર્મગુરુઓ, સંતો-મહંતોને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સંતો-ગુરુજનો જે માર્ગે ચાલે છે તેનું અનુસરણ સમગ્ર સમાજ કરે છે. જો ધર્મગુરુઓ પ્રાકૃતિક કૃષિ કરવાનો અને પ્રાકૃતિક પેદાશો જ ઉપયોગમાં લેવાનો ઉપદેશ આપશે તો લોકોનું કલ્યાણ થશે. ગુજરાતમાં લગભગ તમામ મંદિરો, આશ્રમોમાં ગૌશાળા છે અને ધાર્મિક સંસ્થાઓની પોતાની ખેતી છે. ધાર્મિક જગ્યાઓમાં પ્રાકૃતિક ખેતી થાય એવો પણ તેમણે અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની રક્ષા થાય છે. સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે. પાણીનો સંગ્રહ થાય છે. હવા શુદ્ધ રહે છે. જમીનની ફળદ્રુપતા વધે છે. ગાયમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ થાય છે, એમ કહીને રાજ્યપાલ આચાર્યવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સાચા અર્થમાં ઈશ્વરની ઉપાસના છે. મનુષ્ય માટે ઉત્તમ સ્વાસ્થ્ય જરૂરી છે. ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઉત્તમ આહાર જરૂરી છે. પ્રાકૃતિક પેદાશો ઉપભોક્તાને નિરોગી રાખે છે. પ્રાકૃતિક ખેતીથી સૂક્ષ્મ જીવોની રક્ષા થાય છે, એટલે આમ જોઈએ તો પ્રભુની પ્રસન્નતાનો માર્ગ એટલે પ્રાકૃતિક ખેતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિગતવાર સમજાવીને તેના ગુણધર્મોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સાધુ-સંતોના આશીર્વાદમાં અનેરી ઊર્જા છે. ધાર્મિક સંસ્થાઓમાં પ્રાકૃતિક ખેતી કરવાનો અનુરોધ કરીને, આશ્રમો પ્રાકૃતિક ખેતીના તાલીમ કેન્દ્રો બને તો માનવતાનું મોટું કલ્યાણ થશે એમ તેમણે કહ્યું હતું. ગુજરાતમાં ચાલતા પ્રાકૃતિક કૃષિના પવિત્ર કામમાં આશીર્વાદ આપવા પધારેલા તમામ સંતો મહંતોનો તેમણે
આભાર માન્યો હતો.

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના પ્રારંભે સારસા-આણંદના પરમ પૂજ્ય અનંત વિભૂષિત કેવલ જ્ઞાનપીઠાધિશ્વર જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું કે, કૃષિ અને ઋષિનો સંબંધ પ્રાચીન કાળથી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રયત્નોથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકજાગૃતિ આવી છે. એટલું જ નહીં, લોકોની રુચિ પણ કેળવાઈ રહી છે. પ્રાકૃતિક ખેતીની ક્રાંતિમાં જન-જન જોડાય એ માટે તેમણે અપીલ કરી હતી. સારસામાં વરસાદી પાણીના સંગ્રહ માટે ૧૮ લાખ લિટરની ક્ષમતાનો સમ્પ બનાવાયો છે. વરસાદી પાણી વહી ન જાય તે રીતે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. પીઠની જગ્યામાં પ્રાકૃતિક પદ્ધતિથી જ ખેતી કરવામાં આવે છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરવાનો અને પ્રાકૃતિક જીવન જીવવાનો સંકલ્પ લેવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભક્તજનો અનાજ, શાકભાજી, દૂધ જે પણ ઉપયોગમાં લેતા હોય તે પ્રાકૃતિક ઉત્પાદનો જ ઉપયોગમાં લે. સ્વસ્થ શરીર માટે પ્રાકૃતિક ઉત્પાદનો સિવાય અન્ય કોઈ ઉપાય નથી. ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિ કરે અને સમગ્ર વિશ્વ માટે ઉદાહરણ બને એવી તેમણે અપીલ કરી હતી.

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, સારંગપુરના પરમ પૂજ્ય કોઠારીસ્વામી સાધુ જ્ઞાનેશ્વરદાસજી સ્વામીએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, વધુ કૃષિ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જેના પરિણામે અનેક બીમારીઓ આવી છે. પ્રાકૃતિક કૃષિથી કોઈ જ નુકસાન નથી. ઉત્પાદન પણ ઓછું થતું નથી અને મનુષ્ય તેમજ પશુઓનું કલ્યાણ થાય છે. તેમણે કહ્યું કે, આશ્રમ-મઠ-મંદિરોમાં પ્રાકૃતિક ખેતી જ કરવાની પ્રતિજ્ઞા લઈએ, જેથી ભક્તગણને પણ પ્રેરણા મળે અને તેમના જીવનમાં પણ લાભ થાય. સારંગપુરમાં પ્રાકૃતિક ખેતીનું રિસર્ચ સેન્ટર અને મોડેલ ફાર્મ બનાવવાની તેમણે ઘોષણા કરી હતી.

સ્વામિનારાયણ ગુરુકુળ, સુરતના પરમ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીજીએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી મુક્ત પ્રાકૃતિક ખેતી એ પવિત્ર ખેતી છે. પવિત્ર ખેતીથી ધરતીની પવિત્રતા આણવાના આ અભિયાનમાં શિષ્યો-નાગરિકોને પણ જોડાવા તેમણે અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતીથી આખું ભારત તંદુરસ્ત બનશે એમ તેમણે કહ્યું હતું.

ગુજરાત પ્રાકૃતિક યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીમ્બડીયાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. રાજભવનમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ૧૦૦૮ સૌરાષ્ટ્ર નિમાર્કપીઠના પરમ પૂજ્ય લલિત કિશોરદાસજી મહારાજ, પ્રેરણાપીઠ-પીરાણાના પરમ પૂજ્ય જગતગુરુ સતપંથ આચાર્ય જ્ઞાનેશ્વર મહારાજ, ભવનાથ-જૂનાગઢના પરમ પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર રાજેન્દ્રગીરી બાપુ, ખીજડા મંદિર, જામનગરના પરમ પૂજ્ય કૃષ્ણમણિ મહારાજ, અમદાવાદના પરમ પૂજ્ય જૈનાચાર્ય શિવસાગર સૂરીજી મહારાજ, વિસામણ બાપુની જગ્યા, પાળીયાદના પરમ પૂજ્ય ભઈલુ બાપુ, સ્વામિનારાયણ ગુરુકુળ,‌ અમરેલીના પરમ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીજી, સ્વામિનારાયણ મંદિર, બગસરાના પરમ પૂજ્ય અદભુત સ્વામીજી, કષ્ટભંજન હનુમાન મંદિર, સારંગપુરના પરમ પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીજી,

બોટાદના પરમ પૂજ્ય આત્માનંદજી મહારાજ અને વિભિન્ન સંપ્રદાયના ધર્મગુરુઓ, પૂજનીય મહાનુભાવો અને સાધુ-સંતો પધાર્યા હતા.

SHARE

Related stories

Latest stories