કામરેજ તાલુકાના વાવ ખાતે જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી: હર્ષ ધ્વનિના નાદ સાથે ત્રિરંગાને સલામી આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અવિરત આગળ વધતું ગુજરાત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપવા સજ્જ
વાઇબ્રન્ટ સમિટ સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બની વિકસિત ભારતના સપનાને સાકાર કરશે
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાએ સમગ્ર દેશને ધર્મ અને ભક્તિના એક તાંતણે બાંધ્યો :ગૃહ રાજ્યમંત્રી
શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન
કામરેજ તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ
સુરતના કામરેજ તાલુકામાં દેશના આન, બાન અને શાન સમા ૨૬મી જાન્યુઆરી-૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અવસરે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સંકલ્પને મૂર્તિમંત કરવાની પ્રતિબદ્ધતા સાથે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરતા કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અવિરત આગળ વધી રહેલા ગુજરાતની વિકાસ ગાથાનું વર્ણન કરી આદર્શ ભારતના નિર્માણમાં વિકાસશીલ કાર્યો કરી ગુજરાતની ભૂમિકાને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
સુરત જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કામરેજ તાલુકાના વાવ સ્થિત એસ.આર.પી. ગ્રુપ મેદાનમાં દેશભક્તિના ઉમંગભર્યા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. મંત્રીએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. વિવિધ વિભાગોએ ટેબ્લો પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંખી કરાવી હતી.
આ પ્રસંગે મંત્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયાઓનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, હજારો ક્રાંતિવીરો, સત્યાગ્રહીઓના ત્યાગ અને બલિદાનને પરિણામે આપણે સ્વતંત્ર ભારતનો ભાગ બની ગૌરવદિનની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદ ભારતના સંચાલન હેતુ દેશનું બંધારણ આકાર પામ્યું જેથી આજે દેશનો જનજન આગવા બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, સરદાર પટેલ દ્વારા સાકારિત અખંડ ભારતના સ્વપ્નને આગળ ધપાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ઉત્તમ ભારતની રચના થઈ રહી છે જેમાં તેમના પ્રબોધેલા ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ, સૌના પ્રયાસ’ની રાહ પર ચાલી સ્વર્ણિમ ભારત માટે આપણે સૌએ સઘન પ્રયાસ કરવાના છે.
આપણા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં રામલલ્લા અયોધ્યા મંદિરમાં ૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ બિરાજમાન થઈ ચૂક્યા છે, જે ગુજરાત માટે ગૌરવપ્રદ ક્ષણ બની છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણની કરોડો ભારતીયોની અપેક્ષા પૂર્ણ થઈ છે. સમગ્ર દેશમાં રામલલ્લાની સ્થાપનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તે આપણી ધર્મ પ્રત્યેની આસ્થાને પ્રદર્શિત કરે છે. દેશના કરોડો નાગરિકોની આસ્થા શ્રી રામ સાથે જોડાયેલી છે, ત્યારે તાજેતરમાં શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાએ સમગ્ર દેશને ભક્તિસૂત્રના એક તાંતણે બાંધ્યો હતો.
‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપવા ગુજરાત સજ્જ છે, ત્યારે સર્વાંગી વિકાસની યાત્રાને જનસહયોગથી આગળ ધપાવીશું એવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસમંત્રને આપણે નિષ્ઠાપૂર્વક લઈને આગળ વધી રહ્યાં છીએ. તેમની દોરવણી હેઠળ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘ટીમ ગુજરાત’ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને, ભવ્ય ગુજરાતનું નિર્માણ થાય એ દિશામાં અનેક લોકકલ્યાણકારી કાર્યો થઈ રહ્યા છે. વિશ્વના ઉદ્યોગ જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીનું શાનદાર આયોજન આ વર્ષે કરાયું, આ શ્રેણીમાં દેશના સૌથી મોટા ટ્રેડ શોનું પણ ગુજરાતમાં આયોજન કરી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બનીને ગુજરાતે આગવી પહેલ કરી દેશને દિશાદર્શન કર્યું છે.
ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં મેડિક્લ, સ્વાસ્થ્ય સેવાથી લઈને અનેક જનકલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોચતી કરવામાં આવી છે એનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા દસકામાં, ૫૦૦ મેડીકલ કોલેજોનું નિર્માણ, ૨૫ નવી એઈમ્સ દેશને મળી છે. ૭૦ હજાર કિ.મીટર હાઈવેનું નિર્માણ, ૧૦ કરોડ એલપીજી કનેક્શન, ૫૦ કરોડ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે પ્રશાસનને સત્તા નહીં, પણ સેવાનું માધ્યમ બનાવ્યું છે એમ સ્પષ્ટપણે જણાવતાં મંત્રીએ ઉમેર્યું કે, ૨૪ કલાક વિજળી, નલ સે જલ યોજના, આવાસ યોજના, ખેડૂત સહાય, આદિવાસી જાતિનો વિકાસ, સાગરખેડૂ તેમજ સ્ટાર્ટઅપ સહાય જેવી અનેક યોજનાઓ હેઠળ ડાયરેક્ટ લાભો આપી જન-જનનો વિકાસ સાધી આર્થિક અને સામાજિક ક્ષેત્રે વિકાસની નવી સિદ્ધિઓને ગુજરાત આંબી રહ્યું છે.
આ પ્રસંગે મંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું હતું. મંત્રીએ કામરેજ તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટર આયુષ ઓકને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત તમામ મહાનુભાવોએ કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યુ હતું. તેમજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ શાળાના વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓની ઝલક હાજર સૌએ નિહાળી હતી.
આ વેળાએ મંત્રીએ અહીં સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા ટ્રાફિક અને પોલીસ વિભાગના કર્મચારીઓ માટે આયોજિત નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને ખૂલ્લો મૂક્યો હતો. તેમજ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમ પાલન માટે જાગૃતિ અર્થે ટ્રાફિક પોલીસ આયોજિત બાઈક રેલીને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, ઈ.પોલીસ મહા નિરીક્ષક,સુરત રેન્જ વાબાંગ ઝમીર, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, એસ.આર.પી.એફ. વાવ જૂથ ૧૧ના સેનાપતિ ઉષા રાડા, વાવ જૂથ ૧૧ના ડી.વાય.એસ.પી. કેવિન પરીખ, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ તથા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.