સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને યુવા વર્ગને યોગાભ્યાસમાં જોડાવા જિલ્લા કલેકટર આયુષ ઓકનો અનુરોધ
આ વર્ષે તા. ૨૧ મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની સમગ્ર વિશ્વમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર ઉજવણી કરાશે. આ વર્ષે રાજ્ય કક્ષાની ઉજવણી સુરતમાં થવાની છે, જેમાં જોડાવા શહેરીજનોમાં અને ખાસ કરીને યુવાવર્ગમાં ભારે ઉત્સાહ છે. સુરત શહેરમાં અનેક સ્થળોએ યોગ અભ્યાસની પ્રેક્ટિસ ચાલી રહી છે અને યોગના કોમન પ્રોટોકોલ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આજે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે યોગ દિવસ ઉજવણીના આયોજન સાથે જોડાયેલા અધિકારીશ્રીઓ સાથે કલેકટર કચેરીએ એક બેઠક કરી થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેક્ટર સુરતમાં થનારી વિશ્વ યોગ દિનની રાજયકક્ષાની ઉજવણીમાં વધુને વધુ લોકો યોગદિનમાં જોડાવા અને યુવાનો મોટી સંખ્યામાં યોગ દિનની ઉજવણીમાં જોડાય, સુરત શહેરનું નામ સમગ્ર વિશ્વમાં અંકિત કરવા અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત થાય તે માટે સૌ શહેરીજનો, યુવાધન, યોગાભ્યાસમાં જોડાય તેવી ભારપૂર્વક અપીલ કરી છે.
રાજ્યકક્ષાની યોગદિનની ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર, સુરત મનપા સજ્જ
. . . . . . . . . . . . . . . . . . . .
રાજ્યકક્ષાની યોગદિનની ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા સજ્જ છે. સુરત શહેરના મગદલ્લા પાસેના વાય આકારના જંકશન ખાતેથી બ્રેડલાઈનર સર્કલ તથા SVNIT સર્કલ સુધી ૧૨ કિ.મી.સુધીના રસ્તા ઉપર સવારે ૬.૦૦ થી ૮.૦૦ વાગ્યા સુધી નાગરિકો યુવાનો, મહિલાઓ યોગદિવસની ઉજવણીમાં જોડાશે. પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા, ગાયત્રી પરિવાર, પતંજલિ, આર્ટ ઓફ લિવિંગ જેવી અગ્રણી સામાજિક સંસ્થાઓ અને અનેક બીજી સંસ્થાઓ પણ આ ઉજવણીમાં સહભાગી થઈ છે અને વધુ ને વધુ લોકો જોડાય તે માટે http://suratidy2023.in ઉપર રજિસ્ટ્રેશન કરાવવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
-૦૦-