તા.૨૫મી જાન્યુઆરી ‘રાષ્ટ્રીય મતદાતા દિન’
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને વેસુ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
શ્રેષ્ઠ કામગીરી કરનાર મદદનીશ ચૂંટણી અધિકારીઓ, બી.એલ.ઓ, સુપરવાઈઝરોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા
ઉપસ્થિત યુવા મતદાતાઓ સહિત સૌએ મતદાધિકારનો અવશ્ય ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી વેસુના એલ.પી.સવાણી એકેડેમી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં કરાઈ હતી. જેમાં કલેક્ટરના હસ્તે વિવિધ કેટેગરીમા શ્રેષ્ઠ કામગીરી કરનાર મદદનીશ ચૂંટણી અધિકારીઓ, નાયબ મામલતદારો, બી.એલ.ઓ, સુપરવાઈઝરો, ક્લાર્કસને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. મતદાન જાગૃત્તિ માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેમ્પસ એમ્બેસેડરોને સ્માર્ટ વોચ, બેગ અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. ઉપસ્થિત સૌએ મતદાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.
‘Nothing Like Voting, I Vote for Sure’ (મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કઈ નથી, હું ચોક્કસપણે મતદાન કરીશ) થીમ પર આયોજિત ઉજવણી કાર્યક્રમમાં કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું કે, લોકશાહીની મજબૂતી માટે ૧૮ વર્ષથી વધુ વયના તમામ વ્યક્તિઓ મતદાર નોંધણી કરી શકે તેમજ તેઓમાં મતદાન જાગૃતિ ફેલાય તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે લોકશાહીના પર્વને મજબૂત બનાવવા નાના કર્મચારીઓનો ખૂબ મોટો ફાળો છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા સફળ બને છે. બીએલઓ દ્વારા પણ ઘરે-ઘરે જઈને મતદાર યાદી સુધારણા, નામકમી કે ઉમેરવાની કામગીરીને કલેક્ટરએ બિરદાવી હતી. યુવા મતદારોની નોંધણી માટે જેમ કેમ્પસ એમ્બેસેડરની મહત્વની ભૂમિકા હોય છે તેમ બુથ લેવલ ઓફિસર મતદાર યાદીને ફૂલપ્રૂફ અને સચોટ બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી કામગીરીમાં મતદાર યાદી પાયાની ભૂમિકા નિભાવતી હોય છે. સુરત ઝડપથી વિકસતું શહેર છે જેમાં દર ૧૦ વર્ષે વસ્તી બમણી થઈ જાય છે જેનું કારણ દેશભરમાંથી સુરતમાં થતું સ્થળાંતર છે,પરિણામે મતદારોની સંખ્યા પણ વધે છે એમ જણાવી તેમણે આગામી લોકસભા ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય એવા સહિયારા પ્રયાસો કરવા તેમજ યુવા મતદારોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા ભારપૂર્વક અપીલ કરી હતી.
આ પ્રંસગે નાયબ જિલ્લા ચુંટણી અધિકારી આર.સી.પટેલ, સિટી પ્રાંત વી.જે.ભંડારી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, મામલતદારઓ, એમ્બેસેડરો સહિત યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
‘રાષ્ટ્રીય મતદાતા દિન’ની ઉજવણીનો ઉદ્દેશ
. . . . . . . . . . . . . . . . . . . .
તા.૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ ના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી, જેને વર્ષ ૨૦૧૧ થી રાષ્ટ્રીય મતદાતા દિવસ (NVD) તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિનની ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો અને મતદારોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. છે. આ વર્ષે ‘Nothing Like Voting, I Vote for Sure’ (મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કઈ નથી, હું ચોક્કસપણે મતદાન કરીશ) થીમ પર મતદાતા દિનની ઉજવણી થઈ રહી છે. દેશના તમામ મતદાન મથક વિસ્તારોમાં દર વર્ષે તા.૧લી જાન્યુઆરીએ ૧૮ વર્ષની વયે પહોંચેલા તમામ પાત્ર મતદારોની ઓળખ કરવાનો, અને તેમનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાય તે સુનિશ્ચિત કરવામાં આવે છે.