સુરત શહેરમાં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીનો પણ ધીરે ધીરે રકાસ થઈ રહ્યો છે. લોકસભાની ચુંટણીના પડઘમ સાથે જ આપના યુવા નેતા અને વિધાનસભાની ચુંટણીમાં ઝંપલાવનારા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાંચ દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટીથી છેડો ફાડી લીધો છે. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા આ બંને યુવા નેતાઓએ આમ આદમી પાર્ટીને અલવિદા કહ્યા બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી વાતો વહેતી થઈ હતી. જેને પગલે આ બંને નેતાઓએ પાસના આગેવાનો સાથે ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.
પાસના આગેવાનોની બેઠક મળી
બીજી તરફ સરથાણા પોલીસ મથક પાસે આવેલ એક પાર્ટી પ્લોટમાં પાસના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં ધાર્મિક અને અલ્પેશ સહિત અન્ય આગેવાનો પણ વિધિવત્ રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરે તેવી ચર્ચાએ જોર પકડડયું છે. જેમાં સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિત એક અન્ય મહિલા કોર્પોરેટર મોનાલી હિરપરાના નામ વહેતાં થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ સિવાય કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બનેલા અને વિભીષણની ભૂમિકા નિભાવનારા નિલેશ કુંભાણી પણ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ શકે છે. છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા બનેલા નિલેશ કુંભાણીના વિરૂદ્ધ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નિલેશ કુંભાણી પણ આ સ્થિતિ પારખીને ભાજપમાં વહેલી તકે જોડાઈ શકે છે.
વધુ વાંચી શકો છો :