ધારાસભ્ય સંદીપ દેસાઈના ૫૧મા જન્મદિવસની અનોખી અને સેવાસભર ઉજવણી
જન્મદિવસની ઉજવણીને જનસેવા સાથે જોડતા કર્મઠ ધારાસભ્ય સંદીપ દેસાઈ
જન્મદિને સુડિકો બેન્ક ખાતે ૫૧ જરૂરિયાતમંદ દર્દીઓને હિયરિંગ એડ અર્પણ કરી
નવી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓ, દિવ્યાંગો, ધાત્રી અને સગર્ભા માતા, નવજાત બાળકોને સાધન-સહાય અને કીટ વિતરણ
ધાત્રી-સગર્ભા માતાઓને ૫૧ કિલો ગોળ, ૫૧ કિલો ખજૂર, ૫૧ દિવ્યાંગોને ટ્રાયસિકલ, વ્હીલચેર અને વોકર, નવજાત બાળકોની ૫૧ બેબી કેર કીટ, ૫૧ સફાઈ કામદાર બહેનોને સાડીઓની ભેટ
ચોર્યાસીના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્ય સંદીપ દેસાઈએ તા.૨૨મી મે એ પોતાના ૫૧મા જન્મદિવસની અનોખી અને સેવાસભર ઉજવણી કરી હતી. ધારાસભ્યએ નવી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓ, દિવ્યાંગો, ધાત્રી અને સગર્ભા માતાઓને સાધન-સહાય અને ન્યુટ્રીશન કીટ તેમજ સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેન્ક ખાતે સિવિલમાં નોંધાયેલા અને વેઈટિંગમાં હોય તેવા કાનની બહેરાશ ધરાવતા ૫૧ જરૂરિયાતમંદ દર્દીઓને હિયરિંગ એડ અર્પણ કરી હતી.
જન્મદિવસની ઉજવણીને જનસેવા સાથે જોડતા કર્મઠ ધારાસભ્ય સંદીપ દેસાઈ જન્મદિવસે શુભદિનની શરૂઆત ભગવાનની પૂજા-અર્ચનાથી કર્યા બાદ સીધા જ દરિદ્રનારાયણની સેવામાં જોતરાઈ ગયા હતા. તેમણે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ ધાત્રી અને સગર્ભા માતાઓને ૫૧ કિલો ગોળ, ૫૧ કિલો ખજૂર, સિંગદાણા અને ગુંદરની ન્યુટ્રીશન કીટ અર્પણ કરી હતી, જે ૨૫૧ મહિલાઓને વિતરણ કરાશે. નવજાત બાળકો માટે ૫૧ બેબી કેર કીટ, ૫૧ દિવ્યાંગોને ટ્રાયસિકલ, વ્હીલચેર અને વોકર, સિવિલના ઈમરજન્સી અને પ્રસૂતિ વિભાગમાં કામ કરતી ૫૧ સફાઈ કામદાર બહેનોને સાડીઓ અર્પણ કરી હતી. સંદીપભાઈએ દર્દીઓને તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા.
જન્મદિવસ નિમિત્તે સિવિલના મહિલા સફાઈ કામદારો, દિવ્યાંગોએ ધારાસભ્યને દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા. મોંઘા સાધનો નિ:શુલ્ક મેળવનાર દિવ્યાંગોની ખુશી તેમના ચહેરા પણ છલકાતી હતી.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ.ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો.ની ટીમના નિલેશ લાઠીયા, અશ્વિન પંડ્યા, ચેતન આહિર, જગદીશ બુહા, વિરેન પટેલ, નગરસેવકો હેમાંશુ રાઉલજી, ચિરાગસિંહ સોલંકી, દીપેશ પટેલ, દીપેન પટેલ, કૈલાશ સોલંકી સહિત નવી સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઈકબાલ કડીવાલા અને ડો.કેતન નાયકે કર્યું હતું.