Bharuch Foundation Day: વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુઋુષિની ધરાનો સ્થાપના દિવસ ઉજવાય રહ્યો છે. અને ભાંગ્યું ભાંગ્યું તોય’ ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો વસંત પંચમીના સ્થાપના દિવસ છે.
ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું
ભાંગ્યુ ભાંગ્યું તોય’ ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે. નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સુર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કૂર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભુગૃઋુષિએ મોટું નગર વસાવ્યું હતું. કૂર્મ એટલેકે કાચબાની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગૃકચ્છના નામથી ઓળખાવા લાગ્યું હતું. જોકે, પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ.
બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું. મહર્ષિ ભૃગુ કે, જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડયું છે. ભૃગુઋુષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે.
Bharuch Foundation Day: સ્થાપનાથી વેપારીમથક રહેલું બ્રોચ આજે ભરૂચ
ભરૂચ સ્થાપનાકાળથી જ વેપારી મથક તરીકે ગણના થતી હતી. શહેરના ફૂરજા બંદર ખાતે દેશ તથા વિદેશમાંથી આવતાં જહાજો લાંગરતા હતાં. કપાસ, નાળિયેર, તેજાના સહિતના માલસામાનનો વેપાર થતો હતો. અંગ્રેજ શાસનમાં બ્રોચ તરીકે ઓળખાતું આ શહેર હવે ભરૂચ બની ચુકયું છે. રંગ, રસાયણ, પેટ્રોકેમિકલ્સ, ખાતર, જંતુનાશક દવા સહીતનું ઉત્પાદન કરતાં હજારો ઉદ્યોગો ધમધમી રહયાં છે.
દેશના વાણિજ્ય મંત્રાલયે ગત વર્ષે જાહેર કરેલાં નિકાસના આંકડાઓમાં ભરૂચે 6 હજાર કરોડથી વધુની નિકાસ કરી હોવાની વિગતો બહાર આવી હતી. ભરૂચમાંથી ઓર્ગેનિક તથા અનઓર્ગેનિક કેમિકલ તથા કોપરની સૌથી વધારે નિકાસ થઇ છે. ભરૂચ જિલ્લો વિશ્વના 180 દેશો સાથે વૈશ્વિક વેપાર ધરાવે છે. ભૂતકાળમાં માત્ર દરિયાઇ માર્ગે થતા વેપારની હવે ફલક વિસ્તરી છે. વસંત પંચમી એટલે ભૃગુઋષિનો પ્રાગટ્ય દિવસ.આ દિને દાંડિયા બજાર સ્થિત મંદિરે ઋષિની પ્રતિમાને ખાસ કર્મકાંડી બ્રહ્માણો દ્વારા કેસર સ્નાન કરાવાયું હતું.
તમે આ પણ વાંચી શકો છો:
Akshay Kumar અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા-INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો:
Chickpeas Benefits: શેકેલા ચણાના દરેક દાણા છે ફાયદાકારક જાણો કઈ રીતે-INDIA NEWS GUJARAT