INDIA NEWS GUJARAT : સમગ્ર ગોહિલવાડમાં આજે બાપા સીતારામનો નાદ ગુંજી રહ્યો છે, પૂજ્ય બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથીની આજે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પુણ્યતિથિનાં આ પાવન દિવસ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે, ગુરુમંદિર સહિત બગદાણા ધામને આજે શણગારવામાં આવ્યું છે, મંદિર ખુલતા જ જાણે બગદાણા ખાતે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું, મોડી રાતથી દર્શનાર્થીઓ ગુરુ આશ્રમ પહોંચી રહ્યા છે, ત્યારે બગદાણાધામ ખાતે બાપાનાં સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓની ભીડને પહોંચી વળવા સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ગુરૂઆશ્રમ બગદાણાધામ ખાતે આજે વહેલી સવારથી જ હજારો ગુરુભક્તો દર્શનાથે પોહચ્યા હતા, માત્ર ભાવનગર જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જેનું નામ દુઃખીયાઓના બેલી અને ઓલીયા સંત તરીકે વિશ્વવ્યાપી બન્યું છે, એવા સંત શિરોમણીશ્રી પૂ.બજરંગદાસ બાપાની તપોસ્થળી ગુરૂઆશ્રમ બગદાણા ધામ ખાતે બાપાની પુણ્યતિથિ ઉત્સવની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, વહેલી સવારે બજરંગદાસ બાપાની આરતી સમયે બાપારામ સીતારામનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો,
તો બાપાની પાલખીયાત્રામાં બાપા સીતારામના જયનાદ સાથે હજારો ભાવિકો જોડાયા હતા, જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, લોકો શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લઇ શકે એ માટે ગામેગામથી ઉમટેલા હજારો સ્વયંસેવકો ગુરુદર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓમાં ખડેપગે ઊભા રહી દર્શનાર્થીઓના પ્રવાહને નિયંત્રીત કરી રહ્યા છે,
અહીં લાખો શ્રદ્ધાળુઓના પ્રવાહને પહોંચી વળવા અને દર્શનાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવા પંદર દિવસ અગાઉથી જ સ્વયંસેવકો કામે લાગી જાય છે, જેથી લાખો લોકો સાથે બેસી પ્રસાદ ગ્રહણ કરે છે.