Election 2024- રાજ્યભરમાં લોકસભાની ચુંટણીના ધમધમાટ વચ્ચે સુરતમાં આવતીકાલે આમ આદમી પાર્ટીના ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા સહિત પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના 200થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે. એક પખવાડિયા પહેલાં જ આમ આદમી પાર્ટીને અલવિદા કહેનારા આ બંને આગેવાનો ભાજપમાં જોડાશે તે અંગેના તર્ક – વિતર્કો શરૂ થઈ ચુક્યા હતા. જેને પગલે હવે આ ચર્ચા પર પણ પૂર્ણ વિરામ મુકાઈ ચુક્યું છે અને આવતીકાલે વિધિવત ધાર્મિક અને અલ્પેશનો ભાજપમાં વાજતે ગાજતે પ્રવેશ થશે.
આપમાંથી આપ્યું હતું રાજીનામુ :
વિધાનસભાની ચુંટણીમાં વરાછા અને ઓલપાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયાનો કારમો પરાજય થયો હતો. પાટીદાર અનામત આંદોલનને કારણે યુવાઓમાં લોકપ્રિય બનેલા આ બંને નેતાઓ જો કે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીથી અંતર રાખતાં હોવાનું જાણવા મળ્યું છે. આપથી મોહભંગ થયા બાદ એક પખવાડિયા પૂર્વે જ આ બંને નેતાઓએ એક સાથે એક જ દિવસે આપમાંથી રાજીનામું આપી દીધું હતું. જેને પગલે અલ્પેશ અને ધાર્મિક વહેલી તકે ભાજપમાં જોડાશે તેવી વાતોને વેગ મળ્યું હતું. બીજી તરફ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ પણ આ મુદ્દે ભેદી મૌન સેવ્યું હતું.
થોડા દિવસો પહેલાં મળી હતી મિટિંગ :
જોકે, ત્રણ દિવસ પહેલાં સરથાણા પોલીસ મથક પાસે આવેલ પાર્ટી પ્લોટમાં પાસના કાર્યકરો અને આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાસના 200 કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો.
સી.આર.પાટીલની હાજરીમાં કરશે કેસરિયો :
આજે ખુદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બંને નેતાઓના ભાજપમાં જોડાવવા અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આવતીકાલે મીની બજારમાં સરદાર પ્રતિમા ખાતે સાંજે 8 કલાકે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સહિત 200 કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરશે.
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
Health Tips for Exercise : કસરત કરવાના આ ફાયદા છે જાણવા જેવા