જમીન દફતર અધિક્ષક ની કચેરીના સિનિયર સર્વેયર અને પટાવાળો લાંચ કેસમાં ઝડપાયા
વલસાડ ડાંગ એસીબીએ વલસાડની જમીન દફ્તર અધિક્ષકની કચેરીમાં સપાટો બોલાવી કચેરીના એક અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ કચેરીમાં ફરજ સિનિયર સર્વેયર તરીકે ફરજ બજાવતા અમરતભાઈ ઝીણાભાઈ પટેલ અને આ કચેરીના પટાવાળા તરીકે ફરજ બજાવતા અક્ષય ટેનિયા લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આ લાંચિયા અધિકારીઓએ ફરિયાદીની સંયુક્ત માલિકીની જમીનના રી-સર્વે પ્રમોલોગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓના સુધારણા માટે જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી વલસાડમાં અરજી કરેલી હતી. અરજદારની અરજી નું કામ કરી આપવા સિનિયર સર્વેયર અમરત પટેલ વતી પટાવાળા અક્ષય ટેનિયાએ ફરિયાદી પાસે થી 10 હજાર ની લાંચ ની માંગ કરી હતી.
ત્યારબાદ રકઝકના અંતે 9 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. અને તે વખતે જ ફરિયાદીએ આરોપી પટાવાળા ના google એકાઉન્ટમાં રૂપિયા 9000 ટ્રાન્સફર પણ કરી દીધા હતા.ત્યારબાદ પણ અધિકારીઓની લાલચ ઓછી થઈ ન હતી અને કામ પત્યા બાદ પણ આરોપી સિનિયર સિટી સર્વેયર વતી પટાવાળાએ ફરિયાદી પાસેથી ફરી 3000 રૂપિયા ની માંગ કરી હતી.
જોકે ફરિયાદી ફરી વખત લાચ આપવાના માંગતા ન હોવાથી તેઓ એસીબી નો સંપર્ક કરતા એસીબીએ આજે આ લાંચિયા અધિકારીઓ અને પટાવાળાને ઝડપવા લાંચના છટકાનું આયોજન કર્યું હતું .જે મુજબ કચેરીના ગેટ પર જ ફરિયાદી પાસેથી અધિકારી વતી ₹3,000 ની લાંચ લેતો પટાવાળો એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો . ત્યારબાદ એસીબીએ આરોપી સિનિયર સર્વેયર ને પણ ઝડપી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ જિલ્લામાં એસીબી એ બોલાવેલા સપાટાને કારણે સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.