ગુજરાતમાં કોરોના વિફર્યો
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે જાણે રાજ્યમાં કોરોના ગાંડોતૂર થયો છે. કોરોનાના કેસના વધતાં આંકડા ચિંતાનું કારણ બન્યાં છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવાં 1730 કેસ નોંધાયા છે. અને રાજ્યમાં કોરોનાને કારણે 4 દર્દીઓેએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. એક દિવસમાં 1255 લોકોએ કોરોનાને મ્હાત આપી. ઉપરાંત એક જ દિવસમાં અમદાવાદમાં 502 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 476 કેસ નોંધાયા છે…તે સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 8318 નોંધાઈ છે. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 95.60 ટકા પર પહોંચી ચુક્યો છે.
વિધાનસભા બની કોરોના સંક્રમણનું કેન્દ્ર
ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસની વચ્ચે વિધાનસભા કોરોના સંક્રમણનું કેન્દ્ર બની છે. છેલ્લાં 7 દિવસમાં ગુજરાતના 8 ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે એક જ દિવસમાં ભાજપના પાંચ ધારાસભ્યો કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. હવે અધિકારી અને MLA સિવાય અન્ય કોઇને પ્રવેશ આપવામાં આવશે નહીં.