મહિલા સુરક્ષા દિવસની ઉજવણી: નારી વંદન ઉત્સવ-૨૦૨૩
મહિલાઓને સ્વસ્થ, શિક્ષિત અને સશક્ત બનાવતો ‘નારી વંદન ઉત્સવ’
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિન’ની પીપલોદ સ્થિત વીર નર્મદ યુનિ. ખાતે ઉજવણી સંપન્નઃ
મહિલા સુરક્ષા થીમ આધારિત નાટક, સ્વ રક્ષણ નિદર્શન અને સાયબર અપરાધો વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
‘શિક્ષિત અને જાગૃત મહિલાઓ સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી ઉજ્જવળ અને વિકસિત રાજય-રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો મહત્વનો ફાળો આપી રહી છેઃ મહિલા અને બાળ અધિકારી બી.જે.ગામિત’
‘યુવાઓએ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ સાવચેતી પૂર્વક કરવો હિતાવહ:મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચના ACP કે.એમ.જોશેફ’
મહિલા અને બાળ વિકાસ વિભાગ-સુરત દ્વારા આયોજિત તેમજ વીર નર્મદ યુનિ.ના સમાજશાસ્ત્ર અને એમ.એસ.ડબલ્યુ(MSW) વિભાગના સહયોગથી યુનિવર્સિટીના IAS/IPS સ્ટડી સેન્ટર ખાતે ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંદાજિત ૩૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈ મહિલા સુરક્ષાની થીમ આધારિત નાટક નિહાળી, સ્વ રક્ષણ નિદર્શન અને વધતા જતા સાયબર ગુનાઓ વિષે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી બી.જે.ગામિતે છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલા રાજય સરકારના નારી વંદન ઉત્સવ સપ્તાહ વિષે જાણકારી આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકારની આ પહેલનો હેતુ મહિલાઓને કાયદાલક્ષી જ્ઞાન પ્રદાન કરી શિક્ષિત અને જાગૃત કરવાનો છે. સાપ્રત સમયમાં સમાજની અનેકક્ષેત્રે મહિલાઓ વિકસિત રાજય અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો ફાળો આપી રહી છે.
મહિલા સુરક્ષા દિને મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચના ACPશ્રી કે.એમ.જોશેફે આધુનિક યુગમાં વધતા જતા સાયબર ફ્રોડ/ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરતાં જણાવ્યુ હતું કે, ઓનલાઈન શોપિંગ, સોશિયલ મીડિયા, જાહેરમાં વાઈફાઈ કનેક્ટિવિટીના વપરાશ, જાહેર સ્થળે રહેલા ચાર્જિંગ પોઈન્ટના વપરાશ, મોબાઈલ ખરીદી વેળાએ જૂના મોબાઇલના એક્સચેન્જને કારણે અજાણતા અનેક સાયબર અપરાધો થતા હોય છે. સાથે જ તેમણે આ અપરાધોને નાથવાના કે રોકવાના ઉપાયો વિષે પણ તેમણે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાઓને સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ સાવચેતી પૂર્વક કરવાની અપીલ પણ કરી હતી.
નારી ઉત્કર્ષને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી ‘નારી વંદન ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરત શહેર-જિલ્લાની દીકરીઓ-મહિલાઓને શિક્ષિત અને જાગૃત કરવાના ઉમદા આશય સાથે થયેલી મહિલા સુરક્ષા દિનની ઉજવણી નિમિત્તે રામી સાર્થક આર્ટ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા મહિલા સુરક્ષા માટે ૨૪*૭ કાર્યરત ૧૮૧ અભયમની માહિતી આપતું જ્ઞાન સાથે ગમ્મત કરાવતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઘરેલુ હિંસા, છેડતી જેવા કોઈ પણ કિસ્સામાં મદદ કરતી અભયમ ટીમ અને તેમના દ્વારા કરવામાં આવતા કાર્યની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સાથે જ માર્શલ આર્ટ્સ એક્સપર્ટ અને મોટીવેશનલ સ્પીકર મુકેશભાઈ રાઠોડ દ્વારા સ્વ રક્ષણ(સેલ્ફ ડિફેન્સ)નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ વિદ્યાર્થીનીઓને પોષણ યુક્ત ખોરાક અને રોજિંદા વ્યાયામ દ્વારા શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવવાની હિમાયત કરી હતી. જેથી દરેક મહિલા સ્વાવલંબી બની નીડર ભાવે સ્વયં રક્ષા કરે. જે માટે તેમણે મહિલાઓને હાથાપાઈ, શારીરિક છેડતી, ચપ્પુ/બંદૂક કે અન્ય હથિયાર વડે થતા હુમલાઓના સમયે સેલ્ફ ડિફેન્સની અપડેટેડ ટેકનિક્સ બતાવી હતી.
આ કાર્યક્રમમાં સમાજ શાસ્ત્ર વિભાગના વડા ડો. મધુભાઈ ગાયકવાડ, સમાજ શાસ્ત્ર વિભાગના એસો.પ્રો. ડો.અરુણ પંડ્યા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી. ડી.પી વસાવા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી જીગ્નેશ પટેલ, ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર સ્મિતાબેન પટેલ, મહિલા અને બાળ કચેરીના સભ્યો, પોલીસ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.