વિશ્વ નદી દિવસ નિમિત્તે મોટા વરાછા ખાતે તાપી શુદ્ધિકરણ અને સફાઈ અભિયાન યોજાયું
પવિત્ર તાપી નદીમાં પૂજાપો, ફળફૂલ, કચરો, ખાદ્યાન્ન, ભગવાનની જૂની છબિઓ ન ફેંકી તાપી મૈયાને શુદ્ધ અને સ્વચ્છ રાખવા શહેરીજનોને અપીલ
સુરત મહાનગરપાલિકા અને યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા લોકજાગૃત્તિ માટે તાપી નદી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
૨૪ સપ્ટેમ્બર- વિશ્વ નદી દિવસ નિમિત્તે મોટા વરાછા સ્થિત ચીકુવાડી તાપી બ્રિજ નીચે તાપી શુદ્ધિ શુદ્ધિકરણ અને સફાઈ અભિયાન યોજાયું હતું. જેમાં યુનિવર્સલ ફાઉન્ડેશનની ટીમ તેમજ સુરત મહાનગર પાલિકાની સરથાણા ઝોન બી સહિત વિવિધ ઝોનની ટીમ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરી હતી.
સરથાણા આરોગ્ય વિભાગના મોટા વરાછા ટીમના એસ.આઈ.શ્રી ડી.બી.ભટ્ટના માર્ગદર્શન હેઠળ એસ.એસ.આઈ ડી.એન.સોલંકી તેમજ ધર્મેન્દ્રસિંહ ગોળ, મુકાદમ મિનાક્ષી સોલંકી તેમજ મોટા વરાછા ફાયર ટીમના સબ ફાયર ઓફિસર રાજ અને તેમની સાથે સફાઈ કામદાર ટીમ, સ્વયંસેવકો મુળજી પરસાડીયા, પાર્થ ધાનાણીએ લોકજાગૃત્તિ માટે ખૂબ જોખમી જગ્યાએ ઉભા રહી સેફ્ટીના સાધનોનો પૂર્ણ ઉપયોગ કરી તાપી નદી અને બ્રિજ હેઠળ સફાઈ ઝુંબેશ છેડી હતી.
લોકહિતના કાર્ય સાથે જોડાયેલા યુનિવર્સલ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિશ્રી દ્વારા જીવનરક્ષા એવોર્ડથી સન્માનિત પ્રકાશકુમાર વેકરીયાએ પણ જીવના જોખમે આ સફાઈ ઝુંબેશનું વિચારબીજ રોપી જાતે સફાઈ કામગીરીમાં જોડાયા હતા, અને અન્યોને પણ પ્રેરણા આપી હતી. શ્રી વેકરીયાએ તાપી શુદ્ધિકરણ અભિયાનનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે, અંધશ્રધ્ધાને નામે કચરો ફેંકતા લોકોને અટકાવવા અને આવનારા સમયમાં પર્યાવરણ તથા લોકમાતા નદીઓના માધ્યમથી લોકોને ચોખ્ખુ પાણી મળી રહે અને સૌ નિરોગી જીવન જીવે એવી ભાવના છે. સાથે સાથે તેમણે પવિત્ર તાપી નદીમાં ગંદકી ના થાય, લોકો તેમાં પૂજાપો, ફળફૂલ, કચરો, ખાદ્યાન્ન, ભગવાનની જૂની છબિઓ, ફોટા ન ફેંકે તેમજ વિશ્વ નદી દિવસે સૌ શહેરીજનો તાપી સહિત તમામ નદીઓને બચાવવા, તેનુ જતન અને સંવર્ધન, સ્વચ્છ-શુદ્ધ રાખવાની ભારપૂર્વક અપીલ કરી હતી.
આ અભિયાન પૂર્ણ થયા બાદ ખૂબ મોટા પ્રમાણમાં એકત્રિત કચરાનો મનપા ટીમ દ્વારા યોગ્ય નિકાલ કરાયો હતો. યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા સફાઈ કામગીરીમાં જોડાયેલા સૌ કર્મચારીઓ-સ્વયંસેવકોનો આભાર વ્યકત કર્યો હતો.