‘વિકસિત ભારત સંકલ્પયાત્રા ફેઝ-૨’ સુરત જિલ્લો
જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશનભાઈ પટેલની અધ્યક્ષતામાં બારડોલીના રામપુરા ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રા ફેઝ-૨નો શુભારંભ
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્ય ભાવેશભાઈ પટેલની ઉપસ્થિતિ
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફેઝ-૨નો બારડોલીના રામપુરા ગામેથી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશનભાઈ પટેલના અધ્યક્ષતામાં શુભારંભ કરાયો હતો. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી આમ નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય યાત્રાનો મુખ્ય હેતુ છે. કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્ય ભાવેશભાઈ પટેલે વિકસિત ભારત યાત્રામાં શિક્ષણ, ખેતી, આરોગ્ય જેવા વિવિધ વિભાગોમાં કાર્યરત યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરતા વધુમાં વિવિધ યોજનાઓ અને તેના લાભોની જાણકારી આપી હતી. ગામડાઓમાં છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસની માટે યોજનાઓના લાભો આપવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. દરેક વ્યક્તિ સરકારની યોજનાઓનો લાભ લઇ વિકસિત ભારતના નિર્માણ માટે સજ્જ બની યોગદાન આપવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે જિ.પંચાયત સભ્ય રેખાબેન, તા.પંચાયત સભ્ય રમીલાબેન, જિલ્લા આરોગ્ય અધિકારી સુજીતભાઈ પરમાર તાલુકા આરોગ્ય અધિકારી પંકજભાઈ, રામપુરા સરપંચ એકતાબેન અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.