PM Narendra Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રચાર કરશે. વડાપ્રધાન સાંજે 5 વાગે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જનસભાને સંબોધશે ત્યાર બાદ તેઓ દક્ષિણ ગોવા જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. તેઓ સવારે સૌથી પહેલા રાજકોટ, પછી ભરૂચ અને પંચમહાલમાં જાહેર સભાઓ સંબોધશે. તેમનો વડોદરામાં સાંજે રોડ શોનો કાર્યક્રમ પણ છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની આગેવાની હેઠળની કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC), અમેઠી અને રાયબરેલી સહિતની બાકીની લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા શનિવારે સાંજે બેઠક કરશે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 317 સંસદીય મતવિસ્તારો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
સુનિતા કેજરીવાલ લોકસભા પ્રચારની શરૂઆત કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં AAPના લોકસભા અભિયાનની શરૂઆત કરશે. તે સાંજે તેનો પહેલો રોડ શો કરશે. પાર્ટીના પૂર્વ દિલ્હીના ઉમેદવાર કુલદીપ કુમાર માટે કલ્યાણપુરીમાં આ રોડ શો યોજાશે.
ઉત્તરપ્રદેશમાં પણ સભાનો ઝંઝાવાત :
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાથરસ, પછી ફિરોઝાબાદ અને અંતે ઔરૈયામાં બપોરે જાહેર સભા કરશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા શનિવારે ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના લાતુરમાં જાહેર સભાઓને સંબોધશે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ શનિવારે કન્નૌજ લોકસભા મતવિસ્તારમાં જન સંપર્ક કાર્યક્રમ યોજશે. ભાજપે કહ્યું છે કે શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં કેટલીક અગ્રણી હસ્તીઓ પાર્ટીમાં જોડાશે. આ કાર્યક્રમમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. તે જ સમયે, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ શનિવારે કસડોલમાં જનસભાને સંબોધિત કરશે.