હર ઘર તિરંગા: મારો તિરંગો મારૂ ગૌરવ
સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ દ્વારા રાષ્ટ્રધ્વજની માનવ પ્રતિકૃતિ બનાવી
સુરત શહેર-જિલ્લાની શાળાઓ દેશભક્તિના રંગે રંગાઈ
આઝાદીના મહાપર્વ ૧૫મી ઓગસ્ટ- ૭૮મા સ્વાતંત્ર્ય પર્વના અવસરે દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બને, સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને બલિદાનનું સ્મરણ થાય એ હેતુથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન વેગવંતુ બન્યું છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય તેવા ઉમદા હેતુથી ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજના ચિત્રો દોર્યા હતા, જે ચિત્રો સાથે માનવ સાંકળ રચી દેશપ્રેમ-દેશભક્તિ અદા કરી હતી. ગુરૂકુલના સંતો, આચાર્ય અને શિક્ષકોની પ્રેરણાથી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મૂલ્યોને આત્મસાત કરવાના સંકલ્પ લીધા હતા.
નોંધનીય છે કે,જિલ્લાની તમામ શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશપ્રેમ વ્યક્ત કરતી અનેકવિધ પ્રવૃતિઓ થઈ રહી છે, જેને પગલે શહેર-જિલ્લાના બાળકો, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા છે. શાળાઓની પ્રેરણાથી ભૂલકાઓ બાળપણથી જ દેશભક્તિના પાઠ શીખી રહ્યા છે.