મહારાષ્ટ્રથી ગુજરાત આવતાં લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત
ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે…ત્યારે આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. રાજ્યમાં કોરોના ન વકરે એ માટે ST વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ મહારાષ્ટ્રથી ગુજરાત આવતાં મુસાફરોનો કોરોના ટેસ્ટ ફરજિયાત છે. અને મહારાષ્ટ્રથી આવતાં મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. કોરોનાના કેસ વધતાં ST વિભાગે આ મોટો નિર્ણય લીધો છે. કોરોનાના કેસમાંં વધારો જોતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. અને સતત સાવચેતીના ભાગરૂપે પગલાં લેવાઈ રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડાએ ચિંતાવધારી
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 28,699 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અને એક જ દિવસમાં કોરોનાને કારણે 132 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વર્ષે રાજ્યમાં સંક્રમિતોની આ સૌથી મોટી સંખ્યા છે. પરભણી જિલ્લામાં 24 માર્ચથી 31 માર્ચ સુધી ફરી એક વખત લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે કેન્દ્ર સરકારે વધતા કેસને જોતા આંતરરાષ્ટ્રીય ઉડ્ડાનો પર લાગેલા પ્રતિબંધને 30 એપ્રિલ સુધી લંબાવ્યો છે. દેશમાં કોરોનાના વધતા જતા કહેર પર રાજ્યમાં પ્રતિબંધો વધવા લાગ્યા છે. વધતા જતાં પ્રતિબંધો વચ્ચે હવે લોકોના મનમાં ફરી સવાલ ઉભા થઈ રહ્યા છે કે, શું દેશમાં ફરી તો લોકડાઉન નહીં આવેને? આ સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, જે રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, કેન્દ્ર સરકાર સતત તેમના સંપર્કમાં છે.