કોરોના બેકાબૂ , તંત્ર થયું દોડતું
કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારે હવે ગુજરાતમાં તંત્ર સજાગ થઈ ગયું છે.ચાર મહાનગરોમાં મહાનગરપાલિકાએ નાઈટ કફર્યૂનો સમય વધારી દીધો છે.ત્યારે કોરોનાને નાથવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એક નિર્ણય લીધો છે. જેમાં ગુરુવારથી અમદાવાદ શહેરના તમામ બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત કાંકરિયા લેક તેમજ પ્રાણી સંગ્રહાલયને પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આગામી આદેશ સુધી આ નિર્ણયનો અમલ કરવો પડશે. કોર્પોરેશનના 273 ગાર્ડન આવતીકાલથી બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના ફરી વકર્યો છે. અને ગુજરાતમાં કોરોના ઉથલો ના મારે એટલા માટે સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.
ખાણી-પીણી બજાર કરાયાં બંધ
અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે . એટલાં જ માટે અમદાવાદના 8 વિસ્તારોમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, ગલ્લા, ટી સ્ટોલ, મોલ અને રેસ્ટોરાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, પાલડી, ગોતા, થલતેજ, ઘાટલોડિયા, અને મણિનગરમાં હોટલ-રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત શહેરમાં માણેકચોક ,રાયપુર અને S.G. હાઈવે પર આવેલ ખાણી-પીણી બજાર બંધ રાખવાનો આદેશ કરાયો હતો.
ચાર મહાનગરોમાં રાત્રિના 10 વાગ્યાથી નાઈટ કફર્યૂ
રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે તંત્ર પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 17 માર્ચથી નાઈટ કફર્યૂની સમય મર્યાદા વધારી દીધી છે. આ ચાર મહાનગરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કફર્યૂનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ આદેશ 31 માર્ચ 2021 સુધી અમલમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ST બસો અને ખાનગી બસોને પણ આ ચાર મહાનગરમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.