ગુજરાત અને બિહારના યુવાઓને જોડતો ‘યુવા સંગમ-૩’ સમાપન સમારોહ યોજાયો
પાંચ દિવસ દરમિયાન બિહારથી આવેલા ૪૨ યુવાઓએ સુરતની સંસ્કૃતિ, ખાન-પાનનું આદાન પ્રદાન કરી એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન સાર્થક કર્યું
યુવાઓ વચ્ચે એકબીજાની સંસ્કૃતિ, પરંપરાના આદાન-પ્રદાન સાથે ભારત દેશની એકતા વધુ મજબુત બનશેઃ શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
IIIT સુરત દ્વારા ‘યુવા સંગમ- ૩’ કાર્યક્રમ અન્વયે સુરતના મહેમાન બનેલા બિહારના યુવાઓએ સુરતના પ્રૌદ્યોગિકી, કિલ્લો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને થયા પ્રભાવિત
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના અભિયાન હેઠળ ભારતના રાજ્યો વચ્ચે રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ IIIT- સુરત અને IIM- બિહારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘યુવા સંગમ- ૩’ કાર્યક્રમ અન્વયે સુરતના મહેમાન બનેલા બિહારના ૪ ફેકલ્ટી અને ૪૨ યુવા પ્રતિનિધિઓ મળી ૪૬ અતિથિઓએ પાંચ દિવસ દરમિયાન સુરતની સંસ્કૃતિ, પર્યટન, પ્રૌદ્યોગિકી, પરસ્પર સંપર્ક થકી નવીન અનુભવની ઝાંખી કરી હતી.
આજરોજ વરાછા સરદાર સ્મૃતિ ભવન ખાતે ‘યુવા સંગમ’નો સમાપન સમારોહ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતના અભિયાન હેઠળ આજે બિહાર અને ગુજરાતનો અનેરો સંગમ થયો છે. યુવાઓ વચ્ચે એકબીજાની સંસ્કૃતિ, પરંપરાના આદાન-પ્રદાન સાથે ભારત દેશની એકતા વધુ મજબુત બનશે. ઉપસ્થિત શાળાના વિધાર્થીઓને ભૌતિકરીતે નહી પણ જ્ઞાનથી સમૃધ્ધ બનાવાનો અનુરોધ કર્યો હતો. કોઈ ક્ષેત્રમાં આગળ વધવા માટે લક્ષ્યાંક નક્કી કરી તેને સિધ્ધ કરવા માટે અથાગ મહેનત કરવાની હિમાયત કરી હતી.
આ યુવા સંગમનો મુખ્ય ઉદ્દેશ વિભિન્ન સંસ્કૃતિ અને પરંપરાના આદાન-પ્રદાન દ્વારા લોક જોડાણને મજબૂત કરી દેશભરના યુવાનોમાં જાગૃતિ ઊભી કરી એક ભારત શ્રેષ્ઠ ભારતના અભિયાનને સાર્થક કરવાનો પ્રયાસ છે.
યુવા સંગમ-ત્રીજા તબક્કાની ઉજવણી અંતર્ગત પાંચ દિવસ દરમિયાન યુવાઓએ સુરત ખાતેના ઐતિહાસિક કિલ્લો, સુરત મહાનગરપાલિકા સંચાલિત ICCC સેન્ટર, ડાયમંડ કંપનીઓ, સુમુલ ડેરીના પ્લાન્ટ, એપીએમસી સરદાર માર્કેટ, ડુમસ બીચ, ટેક્ષટાઇલ ઈન્ડસ્ટ્રીઝ તથા કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગુજરાત વિધાનસભા, રાજભવનની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતની ઝાંખી કરાવતી સાંસ્કૃતિક કૃતિઓ સૌએ નિહાળી હતી
આ પ્રસંગે EBSBના કન્સલ્ટન્ટ સુરેન્દ્ર નાયક, નોડલ ઓફિસર શ્રદ્ધા પટેલ, રાહુલ પટેલ, ડો. વિજય રાદડીયા, ડો. પ્રદિપ રોય, બિહારથી ફેકલ્ટી કો-ઓર્ડીનેટર સર્વે દિવ્યા શર્મા, ડો. રચના વિશ્વકર્મા, ડો. વિશાલ વાનખેડે, નરેન્દ્રભાઈ પાટીલ તેમજ પ્રો.રવિશ સહિત IIIT સુરતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.