HomeBusiness"Yarn Expo-2023" "Exhibition"/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’ પ્રદર્શનનો ભવ્ય શુભારંભ/India...

“Yarn Expo-2023” “Exhibition”/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’ પ્રદર્શનનો ભવ્ય શુભારંભ/India News Gujarat

Date:

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’પ્રદર્શનનો ભવ્ય શુભારંભ

SGCCIના ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની બોટમાં આપણે સૌ બેઠા છે ત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ટેક્ષ્ટાઇલમાં ગ્લોબલ માર્કેટમાં સ્પર્ધાત્મક થવું પડશે : સેન્ચુરી એન્કા લિમિટેડના મેનેજિંગ ડિરેકટર સુરેશ સોદાની

ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી યાર્ન એક્ષ્પો યોજાયો છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૩–ર૪ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન તા. ૪, પ અને ૬ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

શુક્રવાર, તા. ૪ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે યાર્ન એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સેન્ચુરી એન્કા લિમિટેડના મેનેજિંગ ડિરેકટર સુરેશ સોદાની ઉપસ્થિત રહયા હતા. જ્યારે શિરાની અરિયારાથને (Minister (Commercial) Deputy High Commission, Sri Lanka, Mumbai, India), યુએસએ સ્થિત કિલનિકલ ડાટા સોલ્યુશન એલએલસીના પ્રમુખ પ્રવિણ પાનસુરિયા, તરૂણ શર્મા (Indian Subcontinent Officer, Govt. of Umm AI Quwain, Free Trade Zone Authority, UAE), ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્‌ મંત્રી પ્રશાંત પટેલ અને નિમ્બાર્ક ફેશનના ડિરેકટર મહેશ માહેશ્વરીએ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. આ મહેમાનોના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ યાર્ન એક્ષ્પોમાં સર્વેને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યાર્ન એક્ષ્પોનું પાંચમું એડિશન રજૂ કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી ૯૦ જેટલા એકઝીબીટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, ભરૂચ, મુંબઇ, ઇચ્છલકરંજી, ઇરોડ, સેલમ, મદુરાઇ, કોઇમ્બતુર, કર્ણાટકા, તેલંગાણા, કોલકાતા, ગોવા (વાસ્કો) અને પૂણેના એકઝીબીટર્સે પ્રદર્શનમાં ભાગ લીધો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશના વિકાસ માટે નવી કલ્પનાથી ભારતના વિકાસનું વિઝન જોયું છે અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત નવી પ્રોડકટ તેમજ અદ્યતન ટેકનોલોજી સાથેની મશીનરી ભારતમાં જ બનાવીએ તે દિશામાં આગળ વધવાનું છે. આ મશીનરીના સ્પેરપાર્ટસ પણ ભારતમાં જ બને અને તેના દ્વારા બનેલા ઉત્પાદનો અન્ય દેશોમાં એક્ષ્પોર્ટ કરવાના છે. વ્યાપાર એ ગુજરાતીઓના લોહીમાં વસે છે અને વિશ્વના જુદા–જુદા દેશોમાં વસેલા ગુજરાતીઓ તેમજ ભારતીય ઉદ્યોગકારોને એકત્રિત કરીને ભારતમાંથી એક્ષ્પોર્ટ વધારવા અને ભારતની અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવવા તેઓની પાસેથી સંકલ્પ લેવડાવવાનો છે. એના માટે બધા જ લોકો અને બધી જ સંસ્થાઓ સાથે મળીને આગળ વધીશું. SGCCIના વાવટા વિશ્વના ૮૪ દેશોમાં ફરકે એવા દૃઢ આત્મવિશ્વાસ સાથે આગળ વધીશું.

યાર્ન એક્ષ્પો– ર૩ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિસ્લો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. ત્રણ દિવસ દરમ્યાન આશરે ર૦ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

યાર્ન એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે સુરતનો કિલ્લો બનાવવામાં આવ્યો છે. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા, આથી આ પ્રદર્શનની મુલાકાતે આવનારા ભારતના વિવિધ રાજ્યોના તેમજ વિવિધ દેશોના બાયર્સ સમક્ષ સુરતનો ઇતિહાસ દર્શાવવાના ભાગ રૂપે ૮૪ પ્રકારના યાર્ન અને ૮૪ દેશોના વાવટા ફરકાવતી ૮૪ હોળીઓ સુરતના બંદર પર લંગારેલી તાદ્રશ્ય થાય તેવું થીમ પેવેલિયન અહીં મૂકવામાં આવ્યું છે.

સુરેશ સોદાનીએ જણાવ્યું હતું કે, SGCCIના ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની બોટમાં આપણે સૌ બેઠા છે ત્યારે એકબીજાની ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને સમજવી પડશે. ટેક્ષ્ટાઇલમાં સમગ્ર વેલ્યુ ચેઇનને સ્ટ્રેન્થ આપીશું તો આખી ઇન્ડસ્ટ્રીને મજબૂત બનાવી શકીશું. યાર્નની સાથે અપ સ્ટ્રીમ અને ડાઉન સ્ટ્રીમને પણ સાથે લઇને ચાલીશું તો આખી ઇન્ડસ્ટ્રી ડેવલપ થશે. ઇન્ડસ્ટ્રીએ વેલ્યુ એડેડ પ્રોડકટ બનાવવી પડશે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારત, એક્ષ્પોર્ટ હાઉસ બનવું જોઈએ. એના માટે ટેક્ષ્ટાઇલ સેગમેન્ટમાં નવી ટેકનોલોજી ડેવલપ કરી ગ્લોબલ માર્કેટમાં સ્પર્ધાત્મક બનવું પડશે.

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના બધા જ સેકટર એક થઇને ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરીને ઇન્ડસ્ટ્રીની નાની – મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. મહારાષ્ટ્ર અને સિલવાસામાં પાવર માટે સબસિડી છે અને વીજદરો પણ ઓછા છે ત્યારે ગુજરાતમાં પણ ઇન્ડસ્ટ્રીને ઓછા દરે વીજળી મળી રહે તે માટે સરકારને રજૂઆતો કરી શકાય છે. વધુમાં તેમણે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને યાર્ન એક્ષ્પોના પાંચમા એડિશનની સફળતા માટે શુભેચ્છા આપવાની સાથે સાથે ચેમ્બર, યાર્ન એક્ષ્પોનું ૮૪મું એડિશન પણ રજૂ કરે તેવી શુભકામના પાઠવી હતી.

શ્રીલંકાના શિરાની અરિયારાથનેએ જણાવ્યું હતું કે, શ્રીલંકાનો ભારતની સાથે વર્ષો જૂનો સંબંધ છે. તેઓ ભારતની સાથે મળીને ટ્રેડ ઇન્વેટ કરે છે. બંને દેશોનો એકબીજાની સાથે દ્વિપક્ષીય વ્યાપાર વધે તે માટે તેઓ શ્રીલંકાથી ઉદ્યોગકારોનું ડેલીગેશન સુરત લાવશે અને બિઝનેસ એક્ષ્ચેન્જની તકો માટે પ્રયાસ કરશે. ભારત અમારો મોટો ભાઇ છે તેવી રીતે આપણે ધંધાકીય સંબંધોને વિકસાવીએ.

યુએઇના તરૂણ શર્માએ જણાવ્યું હતું કે, ભારતની સ્મોલ મિડિયમ એન્ટરપ્રાઇઝીસને UAEમાં આઇડલ લોકેશન માટે તેઓ મદદરૂપ થાય છે. ઇન્ડસ્ટ્રી માટે વેર હાઉસ, ઇન્ડસ્ટ્રી લોન, મેન્યુફેકચરીંગ હાઉસ, લેબર અને સ્ટાફની વ્યવસ્થા તેમના દ્વારા કરી આપવામાં આવે છે. ભારતીય અને ફોરેનની કંપનીઓને તેઓ મદદરૂપ થાય છે. તેમણે સુરતના ઉદ્યોગકારોને UAEમાં રોકાણ કરવા માટે અનુરોધ કર્યો હતો.

મહેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે ફેશન, ભારતમાં હવે શરૂ થઇ રહી છે. ગ્રાહકોની જરૂરિયાતને સમજીને પ્રોડકટ ઇનોવેટ કરવી પડે છે, આથી માર્કેટને ચલાવવા માટે દરેક પ્રોડકટમાં ઇનોવેશન કરવું જોઇએ. બદલાતા પ્રોડકટ ઇનોવેટ કરી તેને લોન્ચ કરવા જોઇએ. ફેશન માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થવાનો જ છે અને વર્ષ ર૦૩૦ સુધીમાં માર્કેટ ડબલ થઇ જશે.

પ્રવિણ પાનસુરિયાએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં ઉદ્યોગકારોનો ઘણો ફાળો છે. ઉદ્યોગ ક્ષેત્રે ચેલેન્જો ઉભી થતી હોય છે ત્યારે પ્રોડકટમાં સુધારો અને કવોલિટી પ્રોડકટનું ઉત્પાદન જ સમસ્યાનો ઉકેલ છે. અમેરિકામાં, વર્ષ ૧૯૯૦માં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ખતમ થઇ ગઇ હતી. ભારતમાં ઘણી નવી ક્ષિતિજો ખૂલી રહી છે ત્યારે ભારતમાં અદ્યતન મશીનરીનું ઉત્પાદન કરવું પડશે અને કવોલિટી પ્રોડકશન પર ધ્યાન આપવું પડશે. જો, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અમેરિકાના ડલાસમાં પોતાની ઓફિસ શરૂ કરવા માંગે છે તો તેમના તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી તેમણે આપી હતી.

GCCIના માનદ્‌ મંત્રી પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, યાર્ન પ્રદર્શનમાં બામ્બુના ફાઇબરમાંથી બનાવવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી જરીનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. જે રીતે ઇકો ફ્રેન્ડલી જરી ઇનોવેટ કરવામાં આવી છે એવી રીતે ટેક્ષ્ટાઇલમાં કવોલિટી પ્રોડકશન માટે ઇનોવેશન કરવું પડશે. વધુમાં તેમણે કહયું કે, SGCCIના ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને GCCIનો સંપૂર્ણ સહયોગ મળશે.

યાર્ન એક્ષ્પોના ઉદ્‌ઘાટન સમારોહમાં એકઝીબીટર ગાઇડનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે આગામી વર્ષે તા. ૧૪, ૧પ અને ૧૬ ડિસેમ્બર ર૦ર૪માં આયોજિત થનારા ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’ની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર અને ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ ચેમ્બરના આગામી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. જ્યારે ભૂતપૂર્વ માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે સમગ્ર ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories