ચેમ્બરના ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’ને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ, એકઝીબીટર્સને મળેલા ઢગલાબંધ ઓડર્સને પગલે ૬ મહિનામાં રૂપિયા ૭ર૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થવાની સંભાવના
દેશભરના વિવર્સની સાથે ટ્રેડર્સ, રિટેલર્સ અને ગારમેન્ટ ઉત્પાદકોએ પણ વિઝીટ કરતા એકઝીબીટર્સને નવી સિઝન માટે બિઝનેસમાં ર૦ ટકાથી વધારે ગ્રોથની આશા છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
પોલિસ કમિશ્નર અજય કુમાર તોમર અને સીજીએસટી– સુરતના કમિશ્નર પંકજ સિંઘે પણ યાર્ન પ્રદર્શનની મુલાકાત લઇ વિવિધ પ્રકારના યાર્ન તેમજ ફેબ્રિકસ વિષે વિસ્તૃત માહિતી મેળવી
૩ દિવસમાં દેશના વિવિધ રાજ્યોના ૬૧ શહેરોમાંથી વિવર્સ, ટ્રેડર્સ અને ગારમેન્ટ મેન્યુફેકચરર્સ મળી ર૦૪૬૦ બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૩–ર૪ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’નું તા. ૪, પ અને ૬ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦ઃ૦૦ થી સાંજે ૬ઃ૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનું રવિવારે સમાપન થયું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવા માટે જે સંકલ્પ લીધો છે તેના ભાગ રૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એસજીસીસીઆઇ ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની શરૂઆત કરવામાં આવી છે. આ મિશન અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાત રિજીયોનમાંથી વધુમાં વધુ એક્ષ્પોર્ટ વિદેશોમાં થાય તેના માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત કેન્દ્રીય વસ્ત્ર મંત્રી પીયુષ ગોયલ દ્વારા ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને રપ૦ બિલિયન યુએસ ડોલરનો માર્કેટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેને હાંસલ કરવા માટે પણ યાર્ન એક્ષ્પો સાચા અર્થમાં કારગત સાબિત થશે.
વિવિંગ અને નીટિંગ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ યાર્ન એક્ષ્પોમાં પ્રદર્શિત કરાયેલા જુદી–જુદી વેરાયટીના યાર્ન જેવા કે પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિસ્લો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેની વિગતવાર જાણકારી મેળવી હતી.
આ વર્ષે વિવર્સની સાથે સાથે ટેક્ષ્ટાઇલ માર્કેટના ઘણા વેપારીઓ તથા રિટેલર્સે યાર્ન પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત બહાર ગામના ગારમેન્ટ મેન્યુફેકચરર્સ દ્વારા પણ યાર્નના વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. હવે યાર્ન ઉત્પાદકો પાસેથી તેઓ સેમ્પલ મંગાવશે અને નવા ફેબ્રિક ડેવલપ કરશે. આ યાર્નના સેમ્પલીંગ કરીને વિવિધ પ્રકારના નવા ફેબ્રિક અને નવા ક્રિએશનો આગામી સમયમાં સુરતમાં ડેવલપ થશે. આ યાર્નમાંથી સ્પોર્ટ્સ માટે વપરાતા ફંકશન્સ ગારમેન્ટનું ડેવલપમેન્ટ પણ સુરતથી થશે. આ ક્રિએશન ફેબ્રિક એક્ષ્પોર્ટ માટે પણ કામ લાગશે.
દરમ્યાન રવિવારે સુરતના પોલિસ કમિશનર અજય કુમાર તોમર અને સીજીએસટી– સુરતના કમિશનર પંકજ સિંઘે પણ યાર્ન પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિવિધ યાર્ન તેમજ ફેબ્રિકસ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. ત્રણ દિવસ દરમ્યાન જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી બાયર્સે યાર્ન એક્ષ્પોની વિઝીટ લીધી હતી. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોના ૬૧ જેટલા શહેરોમાંથી વિવર્સ તથા ટ્રેડર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે ૬પ૦૦, બીજા દિવસે ૭૧૦૦ અને આજે છેલ્લા ત્રીજા દિવસે ૬૮૬૦ બાયર્સ મળી કુલ ર૦૪૬૦ બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
ખાસ કરીને રાજ્ય બહારના બાયર્સે એકઝીબીટર્સને ઢગલાબંધ ઓડર્સ આપ્યા હતા. જેને પગલે એકઝીબીટર્સને નવી સિઝન માટે બિઝનેસમાં ર૦ ટકાથી વધારે ગ્રોથની આશા છે અને તેના થકી તેઓને આગામી છ મહિનામાં આશરે રૂપિયા ૭ર૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થશે તેવી સંભાવના છે. બહાર ગામના બાયર્સનો એકઝીબીટર્સને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, આથી તેઓએ આગામી વર્ષે ચેમ્બર દ્વારા આયોજિત થનારા યાર્ન એક્ષ્પો– ર૦ર૪માં એડવાન્સ બુકીંગની તૈયારી પણ દર્શાવી હતી.