ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘વર્લ્ડ ડેફનેસ ડે’ની ઉજવણીના ભાગ રૂપે સેમિનાર યોજાયો
બાળક ત્રણ કે પાંચ વર્ષે સાંભળશે એવી વાતોમાં વિશ્વાસ ન રાખી ડોકટર પાસે તેની સમયસર સારવાર કરાવવી જોઇએ : નિષ્ણાંત તબીબો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શ્રૃતિ ઇએનટી હોસ્પિટલ એન્ડ કોકલિયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના સહયોગથી રવિવાર, તા. ર૪ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘વર્લ્ડ ડેફનેસ ડે’ની ઉજવણીના ભાગ રૂપે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંખ–નાક–કાન અને ગળાના નિષ્ણાંત ડો. સૌમિત્ર શાહ અને ઓડિયોલોજીસ્ટ ડો. પારૂલ કાજલીયાએ બહેરાશના કારણો અને તેનાથી બચવા માટેના ઉપાયો વિષે માર્ગદર્શન આપ્યું હતું.
ડો. સૌમિત્ર શાહે જણાવ્યું હતું કે, બહેરાશની માઠી અસર વ્યકિતના શરીર અને પરિવાર બંને પર પડે છે. સ્મોકીંગને કારણે પણ બહેરાશની અસર થવા લાગે છે. મેલેરિયા તથા અન્ય કોઇ બિમારીને કારણે પણ કયારેક બહેરાશ આવી શકે છે. કાનના પડદાના રોગને કારણે અને કાનની નસ નબળી પડવાથી પણ બહેરાશ આવે છે. બહેરાશના કુલ દર્દીઓમાંથી ૧૬ ટકા દર્દીઓમાં ઔદ્યોગિક અવાજને કારણે બહેરાશ આવેલી હોય છે. કારણ કે, દરરોજ મશીનરીના અવાજને કારણે કાનની નસ નબળી પડતી જાય છે. અત્યારના યુગમાં ઇયર ફોન્સ અને વધારે પડતા અવાજને કારણે પણ બહેરાશ આવી શકે છે. જ્યારે સ, શ અને થ જેવા શબ્દો સંભળાતા બંધ થાય ત્યારે ચેકઅપ કરાવવું જોઇએ.
બહેરાશને કારણે વ્યકિતનું કોન્સન્ટ્રેશન નબળું પડે છે. એનામાં વિવિધ શારીરિક અને માનસિક બિમારીઓ જેવી કે એન્ઝાઇટી એન્ડ નર્વસનેસ, હાર્ટ ડિસીઝ, હાયપર ટેન્શન, ઇરીટેબલ, ફેટીગો, સ્પીચ પ્રોબ્લેમ, ઇન્ક્રીઝ સ્વીટીંગ અને ઇમ્પેશન્સ જેવી સમસ્યા ઉદ્ભવે છે. તેમણે જણાવ્યું હતું કે, બાળક જ્યારે જન્મે ત્યારે તેને શરદી–ખાંસી ન થાય અને તેના મગજ પર તાવ ન ચઢે તેની કાળજી લેવામાં આવે છે એવી જ રીતે તે સાંભળતો ન હોય તો વાલીએ તેને તુરંત જ ડોકટરને બતાવવું જોઇએ. બાળકના જન્મથી ત્રણ મહિનામાં બહેરાશ અંગેની પ્રાથમિક તપાસ થવી જોઇએ. વિદેશોમાં અને ભારતના કેરળ જેવા રાજ્યમાં આ તપાસ ફરજિયાત છે. બાળક ત્રણ વર્ષે કે પાંચ વર્ષે સાંભળશે એવી વાતોમાં વિશ્વાસ રાખવો જોઇએ નહીં.
ડો. પારૂલ કાજલીયાએ જણાવ્યું હતું, મોટા અવાજને સતત સાંભળવાથી વ્યકિતને બહેરાશ આવે છે ત્યારે તેને સ્પીચ થેરાપિસ્ટની જરૂર પડે છે. કયારેક વાતો કરતી વખતે એવું બને છે કે શબ્દો સંભળાતા હોય છે પણ તે સમજાતા નથી. સમજવા જઇએ એટલી વખતમાં બીજું વાકય બોલાઇ જાય છે અને એના પર ધ્યાન રહેતું નથી. એવા સમયે લોકોને કોમ્યુનિકેશનમાં તકલીફ પડવા લાગે છે. એના નિરાકરણ માટે તેમણે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની પબ્લીક હેલ્થ કમિટીના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કો–ચેરમેન ડો. નિપેશ પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જ્યારે કો–ચેરમેન ડો. જગદીશ વઘાસિયાએ નિષ્ણાંત વકતા તબીબોનો પરિચય આપ્યો હતો. તબીબોએ શ્રોતાઓના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.