HomeBusinessWorld Cotton Day/૭મી ઓકટોબર એટલે વિશ્વ કપાસ દિવસ/India News Gujarat

World Cotton Day/૭મી ઓકટોબર એટલે વિશ્વ કપાસ દિવસ/India News Gujarat

Date:

૭મી ઓકટોબર એટલે વિશ્વ કપાસ દિવસ

ઈ.સ.૧૮૮૬માં બ્રિટીશરો દ્વારા સુરત ખાતે કપાસ સંશોધન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી

૧૯૫૧માં સુરત ખાતેથી પ્રથમ અમેરિકન કપાસની જાત દેવીરાજ બહાર પાડવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં બીટી કપાસની ૫૦૦ કરતા વધુ સંકર જાતો વાવેતર માટે માન્યતા ધરાવે છે

સુરત કપાસ સંશોધન કેન્દ્રના ડો.સી. ટી. પટેલે ૧૯૭૧માં વિશ્વનો સૌપ્રથમ વ્યાપારિક ધોરણે વવાતો સંકર કપાસ, સંકર-૪ની જાતો વિકસાવવામાં આવી જેનાથી કૃષિ ક્ષેત્રે સફેદ ક્રાંતિ સર્જાઈ હતી.
ગુજરાત રાજયમાં થાય છે બહોળા પ્રમાણમાં કપાસનું વાવેતર: નવસારી, વલસાડ, ડાંગ સિવાયના તમામ જિલ્લામાં કપાસ ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે
કપાસ દિન માટે ૨૦૨૨ના વર્ષે “ કેર અવર અર્થ ”ની થીમ નક્કી કરવામાં આવી છેઃ
સફેદ સોના તરીક ઓળખાય છે કપાસ, ગુજરાતમાં થાય છે મબલખ ઉત્પાદન
૨૦૨૨-૨૩ના વર્ષમાં ૯૧.૮૩ લાખ ગાંસડીઓના ઉત્પાદન સાથે ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે

સહારા રણ વિસ્તારના અવિકસિત ચાર આફ્રિકન દેશો બેનિન, બુર્કિનો ફાસો, ચેડ અને માલી દેશોને કપાસ ચાર દેશોનું જૂથ (Cotton Four Countries) તરીકે ઓળખવામાં આવે છે. આ જૂથ દ્રારા વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને દર વર્ષની ૭મી ઓક્ટોબરના દિવસને વિશ્વ કપાસ દિવસ (World Cotton Day) ની ઉજવણી કરવા માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સ્વીકારીને વર્ષ ૨૦૨૦-૨૧માં ૭મી ઓક્ટોબરના રોજ વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિશ્વના લોકોમાં કપાસમાંથી મળતા કુદરતી રેસાઓની અગત્યતા અને તેની આડ પેદાશો જેવી કે, ખાદ્ય તેલ, ખોળ, કરસાંઠી માંથી બનાવી શકાય તેવી વિવિધ વસ્તુઓ માટે જાગૃતતા લાવવી તેમજ કપાસની ખેતી દ્રારા અવિકસિત દેશોમાં આર્થિક વિકાસ તથા ગરીબી નાબૂદીમાં મદદરૂપ અવિકસિત અને વિકાસશીલ દેશોને કપાસના ઉત્પાદનને વેલ્યુ ચેઇન માં સાંકળી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપારને પ્રોત્સાહિત કરવાનો છે.
આજે સમગ્ર વિશ્વમાં કપાસ સાથે સંકળાયેલી વિવિધ સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, જીનીંગ ફેક્ટરીઓ કાર્યરત છે.

સમગ્ર ભારતમાં ગુજરાત ૨૦૨૨-૨૩માં કપાસનું ઉત્પાદનમાં મોખરે રહ્યું છે
સમગ્ર ભારતમાં વર્ષ ૨૦૨૨-૨૩ના કપાસના ઉત્પાદન અંગેની આંકાડાકીય વિગતો જોઈએ તો ગુજરાતમાં વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષમાં ૯૧.૮૩ લાખ ગાંસડીઓનું ઉત્પાદન સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. જયારે મહારાષ્ટ્રમાં ૨૦૨૨-૨૩માં ૮૦.૨૫ લાખ ગાંસડી, તેલગણામાં ૫૩.૨૫ લાખ, રાજસ્થાનમાં ૨૭.૧૨ લાખ, કર્ણાટકમાં ૨૧.૦૪ લાખ, હરિયાણમાં ૧૭.૨૧ લાખ, આધ્રપ્રદેશમાં ૧૭.૮૫ લાખ, મધ્ય પ્રદેશમાં ૧૫.૧૯ લાખ ગાંસડીઓનું ઉત્પાદન થયું હતું.

ઐતિહાસિક ભૂમિકા
કપાસનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. મોહે- જો દડોની સંસ્કૃતિના અવશેષોમાં પણ કપાસના અવશેષો જોવા મળ્યા છે. કપાસની વાવણી અંદાજે સાત હજાર વર્ષથી થાય છે. ભારત દેશમાં કપાસનું સ્થાન વર્ષોથી આર્થિકક્ષેત્રે મોખરે રહ્યું છે. આઝાદી પહેલા કપાસ અને ગૃહઉદ્યોગો એકબીજાના પર્યાય હતા. ખેડુતો/વણકરોની જીવાદોરી કપાસ હતો. અંગ્રેજ શાસનમાં ભારતમાં પેદા થતો દેશી કપાસ બ્રિટનની મીલોને અનુરૂપ ન હતો. ઈગ્લેન્ડની કાપડની મીલોને અનુરૂપ એવા કપાસ માટે સંશોધન કરવા બ્રિટીશરોને ફરજ પડી. અમેરીકન કપાસ જે લંબતારી હતો તેનું ધણા પ્રયત્નો બાદ ભારતમાં આગમન થયું. આઝાદીના ચળવળના પ્રણેતા અને દુનિયાના મહાન સત્યાગ્રહી નેતા મહાત્મા ગાંધીજીએ પણ ચરખાની મદદથી લોકો સ્વદેશી કાપડ અપનાવે તેવી ઝુંબેશ ચલાવી હતી.

ભારતમાં કપાસઃ
આઝાદી પહેલાના કાળમાં સમગ્ર દેશમાં દેશી કપાસની બોલબાલા હતી અને ઘરે-ઘરે હાથ ચરખા પર વણાયેલી ખાદી તેમજ કાપડના વપરાશનું ચલણ હતું. કપાસ સંશોધનને કારણે ધીમે-ધીમે દેશી જાતોનું વાવેતર ઓછું થતુ ગયું. અને તેની સામે અમેરીકન કપાસનું વાવેતર વધતું ગયું. બ્રિટીશ શાસન દરમિયાન ભારતમાં અમેરીકન કપાસની જુદી-જુદી જાતોને પ્રચલિત કરવામાં આવી. તેમ છતા મીલોની જરૂરીયાત મુજબના કાપડ માટે ભારતે ઈજિપ્ત/પાકિસ્તાન જેવા દેશોમાંથી લંબાતારી કપાસ આયાત કરવો પડતો હતો. જેથી વિદેશી હુંડિયામણ ખર્ચાતુ હતું. વર્ષ ૧૯૨૧ના ઈન્ડિયન સેન્ટ્રલ કોટન કમિટીની સ્થાપના થતા તેના સહયોગથી સંશોધન કાર્યને વેગ મળ્યો. દેશમાં અનેક સ્થળોએ કપાસના સંશોધન કેન્દ્રો કાર્યતર થયા. પરિણામે દેશમાં અમેરીકન કપાસની જાતોની બોલબાલા થઈ અને મધ્યમ તારી કપાસનું ઉત્પાદન વધ્યું.

સુરત કપાસ સંશોધન કેન્દ્રનું કપાસક્ષેત્રે મહત્વપુર્ણ યોગદાનઃ-
ગુજરાતમાં સુરત, કાનમ અને વાગડ વિસ્તારમાં સોળમી સદીમાં કપાસના વાવેતરનો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે ભરૂચી-૧, સુરતી-૧, ઘોઘારી જેવી જાતો પ્રચલીત હતી. દેશની પ્રથમ કાપડની મીલની ગુજરાતમાં વર્ષ ૧૮૪૩માં ભરૂચ ખાતે સ્થાપના થતા કપાસ વાવેતરને પ્રોત્સાહન મળ્યું. ઈ.સ.૧૮૮૬માં બ્રિટીશરો દ્વારા સુરત ખાતે કપાસ સંશોધન યોજનાની શરૂઆત કરવામાં આવી. ૧૯૫૧માં સુરત ખાતેથી પ્રથમ અમેરીકન કપાસની જાત દેવીરાજ બહાર પાડવામાં આવી. ત્યારબાદ દેવીતેજ, ગુજરાત-૬૭, ગુજરાત કપાસ-૧૦૦, ગુજરાત કપાસ-૧૦ જેવી જાતો બહાર પાડવામાં આવી હતી. ૧૯૭૧માં રાજયમાં સુરત કેન્દ્ર ખાતેથી ડો.સી.ટી.પટેલ દ્વારા વિશ્વમાં સૌપ્રથમ વ્યાપારી ધોરણે વપરાતો સંકર કપાસઃસંકર-૪ ખેડુતો માટે માન્ય કરતા દેશમાં અને દુનિયામાં કપાસની દ્રષ્ટિએ સફેદ ક્રાંતી આવી. ત્યારબાદ સુરત ખાતેથી ઉત્તરોત્તર નવા સંકરો જેવા કે, ગુજરાત કપાસ સંકર-૬, ૮, ૧૦, ૧૨ અને ૧૪ ખેડુતોને આપવામાં આવી. એક સમયે કપાસમાં જીવાતોના પ્રકોપને કારણે કપાસના ખેડુતોને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.
સુરત ખાતેથી આદિવાસી વિસ્તાર માટે ઈ.સ.૧૯૭૭માં કલ્મી કપાસ, ગુજરાત કપાસ-૧૦૧ આપી તે પણ દેશમાં પ્રથમ છે. દેશનો સર્વ પ્રથમ દેશી સંકર કપાસ, દેશી સંકર-૭ પણ સુરત ખાતેથી આપવામાં આવ્યો. વર્ષ ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા બીટીની માન્યતા મળતા ફરી પાછી કપાસની ગાડી પાટા પર ચડી અને ખેડુતોમાં રોનક આવી. ૨૦૧૨માં જાહેર ક્ષેત્રની દેશની પ્રથમ એવી બે બીટી જાતો, ગુજરાત સંકર-૬, ગુજરાત કપાસ સંકર-૮ બહાર પાડવામાં આવી. જે પણ તેના પ્રકારનું દુનિયાનું આગવું સંશોધન છે. આ ઉપરાંત વિશ્વની કપાસની વાવેતર હેઠળની મુખ્ય ચાર સ્પીસીસનું ૩૬૩૨ જર્મપ્લાઝમ અને ૧૫ જેટલી જંગલી જાતોની જાળવણી પણ સુરત ખાતે કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૫૦ જાતો/સંકર જાતો ખેડુતોને વાવેતર માટે આપવામાં આવી છે. આ ઉપરાંત પાક ઉત્પાદનની ૬૨, પાક સંરક્ષણની ૩૩ અને દેહધર્મની ૧૧ મળી કુલ ૧૦૬ જેટલી ખેડુત ઉપયોગી ભલામણો કરવામાં આવી છે.

મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરતની ઝાંખી, અઠવા ફાર્મ(નવસારી કૃષિ યુનિવર્સિટી-સુરત)
બ્રિટીશ શાસન દરમ્યાન સને ૧૮૯૬માં સુરત ખાતે કપાસ સુધારણા યોજનાની શરૂઆત થઇ અને સને ૧૯૦૪માં પધ્ધતિસરનું કપાસ સંશોધન શરૂ થયુ. સુરત ખાતેના સંશોધન કેન્દ્રનો કુલ વિસ્તાર શરૂઆતમાં ૧૧૧ હેક્ટર જેટલો હતો. આ કેન્દ્રના મુખ્ય ઉદ્દેશ્યોમાં જોઈએ તો કપાસની અનુકુળ જાતો અને સંકરોનું સંશોધન કરીને રાજ્યમાં કપાસ ઉત્પાદન વધારવુ, કપાસની માવજતો વિકસાવવી, પાક સંરક્ષણ તકનિકો અને રોગ-જીવાત પ્રતિકારક જાતો વિકસાવવી, કેન્દ્ર દ્રારા બહાર પાડવામાં આવેલી જાતો અને સંકર જાતોના માતૃ-પિતૃ ના ઉચ્ચ કક્ષાના શુધ્ધ બીજનું વૃધ્ધિકરણ અને વહેંચણી કરવામાં આવે છે. સુરત કપાસ સંશોધન કેન્દ્ર હેઠળ રાજયમાં ૧૩ જેટલા કેન્દ્રો સંશોધન કરી રહ્યા છે.

ગુજરાતમાં કપાસ:
રાજ્યના કુલ પાક વાવેતર પૈકી ૨૨% વિસ્તારમાં વાવેતર થાય છે. જયારે કૃષિ આવકમાં ૧/૩ કપાસના પાકનું યોગદાન રહેલું છે. દેશમાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત રાજ્ય ઘણા વર્ષો સુધી નંબર-૧ રહ્યું હતુ. રાજ્યમાં બીટી કપાસની ૫૦૦ કરતા વધુ સંકર જાતો વાવેતર માટે માન્યતા ધરાવે છે. કપાસ ઉત્પાદકતા ૧૯૬૦માં ૧૩૯ કીલો/હે. થી વધીને હાલમાં ૬૦૦ કીલો/હે. ની આસપાસ જળવાઇ રહે છે. વિદેશી ખરીદદારો માટે ગુજરાત રાજ્ય પસંદગીનું સ્થાન રહ્યું છે.
સને ૧૯૭૧માં ડો. સી. ટી. પટેલ દ્રારા વિશ્વનો સૌપ્રથમ વ્યાપારીક ધોરણે વવાતો, સંકર કપાસ, સંકર-૪ વિકસાવવામાં આવ્યો અને કૃષિ ક્ષેત્રે સફેદ ક્રાંતિ સર્જાય. આના પરિણામે લંબતારી કપાસમાં પણ દેશ આત્મ નિર્ભર બન્યો.

સુરત કપાસ સંશોધન કેન્દ્રનું કપાસ સંશોધન ક્ષેત્રમાં આગવું સ્થાન
૧૯૫૧માં દેવીરાજ દેશની સૌપ્રથમ લંબતારી અને આંતરજાતીય ઇન્ડો અમેરીકન જાત, ૧૯૭૧માં સંકર-૪, ૧૯૭૭માં ગુજરાત કપાસ – ૧૦૧, પછાત વિસ્તારનાં આદિવાસી ખેડુતો માટે દેશનો સૌપ્રથમ બહુવર્ષાયુ કલમી કપાસ, ૧૯૮૪માં ગુજરાત કપાસ દેશી સંકર-૭ જે દુનિયાનો સૌપ્રથમ દેશી સંકર કપાસ છે. ૧૯૮૯માં ગુજરાત કપાસ દેશી સંકર – ૯ દેશી સંકર કપાસની સૌપ્રથમ લંબતારી, ૨૦૦૨માં ગુજરાત કપાસ એમડીએચ-૧૧ જે નર વંધ્યત્વની તાંત્રિકતાથી વિકસાવેલી રાજ્યનો પ્રથમ દેશી સંકર, જયારે ૨૦૧૨માં ગુજરાત કપાસ સંકર – ૬ (બીજી-૨) અને ગુજરાત કપાસ સંકર – ૮ (બીજી-૨)જે વિશ્વની સૌપ્રથમ જાહેર સાહસની બીટી કપાસનાં સંકરજાત, ૨૦૧૪ના વર્ષમાં ગુજરાત કપાસ સંકર – ૧૦ (બીજી-૨) અને ગુજરાત કપાસ સંકર – ૧૨ (બીજી-૨) જે જાહેર સાહસનાં વધુ બે બીટી સંકર જાતની રીચર્સ કરીને સંશોધન કરવામાં આવ્યું હતું.

બીજ ઉત્પાદન કાર્યક્રમ:
આ કેન્દ્ર દ્રારા બહાર પાડવામાં આવેલ કપાસની સ્થાયી જાતો તથા સંકર કપાસના નર-માદાનો બ્રીડર બીજ ઉત્પાદન કાર્યક્રમ લઇ દર વર્ષે બીજ ઉત્પાદકોને પૂરૂ પાડવામાં આવે છે. જાહેર ક્ષેત્રની બીટી સંકર જાતોના માતૃ-પિતૃના બીજ ઉત્પાદન કાર્યક્રમ પણ દર વર્ષે લેવામાં આવે છે. આ ઉપરાંત, તુવેર તથા ડાંગર જેવા પાકોનું ખૂબ જ મોટા જથ્થામાં શુધ્ધ બીજ ઉત્પાદન કરી ખેડુતોને આપવામાં આવે છે.

વિસ્તરણ પ્રવૃત્તિઓ-
આ કેન્દ્રના વૈજ્ઞાનિકો રાજ્ય અને રાજ્ય બહાર યોજના વિવિધ તાલીમ કાર્યક્રમો, કૃષિ મેળાઓ, ખેડુત શિબિરો, પ્રદર્શનોમાં ભાગ લઇ ખેડુતોને કપાસ અંગેની અદ્યતન અંગેની માહિતી આપવામાં આવે છે. ઉપરાંત કેન્દ્ર દ્રારા પણ સમયાંતરે ખેડુતો માટે અલગ-અલગ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરીને કપાસનાં પાક પર કરવામાં આવેલ પાક ઉત્પાદન અને પાક સંરક્ષણ ટેકનોલોજીના ખેડુતોમાં ખેતર પર પણ નિદર્શનો ગોઠવવામાં આવે છે.

અનુસ્નાતક શિક્ષણ:
આ કેન્દ્રના અનુસ્નાતક શિક્ષણ માટે માન્ય થયેલ શિક્ષકો દ્રારા કૃષિ ક્ષેત્રે અનુસ્નાતક કક્ષાના એમ. એસ. સી. અને પી.એચ.ડી. પદવી માટેના સંશોધનો કરાવી તેના પરથી થીસીસ લખવામાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. આ કેન્દ્ર ખાતે કપાસ પાક પરના અનુસ્નાતક કક્ષાના વિવિધ ડીસીપ્લીનના પ્રયોગો પણ દર વર્ષે કરવામાં આવે છે.

કપાસના રોગોના નિયંત્રણ માટે લેવાનાં પગલાં:
 કપાસનું વાવેતર કરતા ખેડુતોએ આગોતરૂ આયોજન કરી કપાસમાં ઓછામાં ઓછી જીવાત આવે તે માટે જરૂરી ઉપયોગ કરી શકે છે જેનાથી રોગો પર નિયત્રણ મેળવી શકાય છે.
 મૂળખાઇ અથવા મૂળનો સડો રોગના નિયંત્રણ માટે ટુંકા ગાળે પિયત, સપ્રમાણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ, ઝાયનેબ અથવા મેન્કોઝબ દવાનું ૦.૨ ટકાનું દ્રાવણ સુકાતા છોડની ફરતે જમીનમાં આપી ૪ થી ૫ દિવસ પછી યુરીયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું પ્રમાણ ઘટે છે. ખેતરમાં કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું.
 સુકારો રોગ પાકની દરેક અવસ્થામાં જોવા મળે છે. જેનાં નિયંત્રણ માટે રોગિષ્ટ છોડનો નાશ કરવો. ખેતરમાં કાર્બન્ડાઝીમ દવાને ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું.
 નવો સુકારો (પેરાવિલ્ટ) રોગમાં સૂકાયેલા છોડના પાન અને જીંડવા છોડ સાથે જોડાયેલા રહે છે, રસવાહિની રંગહીન કે મૂળમાં કોહવારો દેખાતો નથી. જયારે છોડ પર વધુ પ્રમાણમાં જીંડવાઓ હોય અને વાતાવરણમાં ઉષ્ણતામાન ૩૫° સે. હોય ત્યારે આ પ્રકારના ચિન્હો જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે અસગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો. મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણા પાડવા. સુકારાના નિયંત્રણ માટે ખેતરમાં સૂકારાની રારૂઆતના ૧૨ કલાકમાં જ અસર પામેલ છોડની ફરતે ૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરીયાના દ્રાવણ છોડની ફરતે રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ અન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનું ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પ્રમાણે છોડની ફરતે રેડવું.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories