ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત ગુયાનાના ઇન્ચાર્જ એમ્બેસેડર રોનાલ્ડા એડવર્ડ્સ હોરાટીઓની સાથે વર્ચ્યુઅલ મિટીંગ યોજાઇ
મિશન ૮૪ અંતર્ગત ગુજરાત રિજીયનમાંથી ફાર્માસ્યુટિકલ, સિમેન્ટ, જેમ એન્ડ જ્વેલરી, સિરામિક અને ટેક્ષ્ટાઇલ વિગેરેની આયાત કરવા ચેમ્બર પ્રમુખે અનુરોધ કર્યો
સુરતની ટેક્ષ્ટાઇલ પ્રોડકટ તેમજ ગુજરાત રિજીયનથી અન્ય જરૂરી પ્રોડકટ આયાત કરવા ચોકકસપણે વિચાર કરીશું : ગુયાનાના ઇન્ચાર્જ એમ્બેસેડર રોનાલ્ડા એડવર્ડ્સ હોરાટીઓ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત રવિવાર, તા. ૧૯ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ બપોરે ૧રઃ૦૦ કલાકે ગુયાના દેશના ઇન્ચાર્જ એમ્બેસેડર રોનાલ્ડા એડવર્ડ્સ હોરાટીઓ સાથે વર્ચ્યુઅલ મિટીંગ યોજાઇ હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા અને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના પ્રોજેકટ હેડ પરેશ ભટ્ટ જોડાયા હતા.
ગુયાનાના ઇન્ચાર્જ એમ્બેસેડર રોનાલ્ડા એડવર્ડ્સ હોરાટીઓએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ગુયાનાએ ભારત પાસેથી ૬પ મિલિયન યુએસ ડોલરની આયાત કરી હતી. આ વર્ષે ર૦થી રપ ટકાનો વધારો થવાની સંભાવના છે. જો કે, તેઓ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ એમ ત્રણ દેશોમાં તેમના દેશ ગુયાનાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતથી તેમનો દેશ ફાર્માસ્યુટિકલ, આયર્ન એન્ડ સ્ટીલ, ઇલેકટ્રીક મશીનરી એન્ડ પાર્ટ્સ, મશીનરી એન્ડ મિકેનિકલ એપ્લાયન્સિસ, સિમેન્ટ, જેમ એન્ડ જ્વેલરી, સિરામિક અને ટેક્ષ્ટાઇલ વિગેરેની આયાત કરે છે. વધુમાં તેમણે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળને ગુયાનાની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હાથ ધરાયેલા પ્રોજેકટ મિશન ૮૪ અંગે ગુયાનાના ઇન્ચાર્જ એમ્બેસેડર રોનાલ્ડા એડવર્ડ્સ હોરાટીઓને વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે ભારત અને ગુયાના એમ બંને દેશોના દ્વિપક્ષીય વેપારી સંબંધોને વધુ મજબુત બનાવવા માટે મિશન ૮૪ની અગત્યતા પણ સમજાવી હતી અને તેઓને મિશન ૮૪માં જોડાવવા અનુરોધ પણ કર્યો હતો.
વધુમાં તેમણે ગુયાનાના ઇન્ચાર્જ એમ્બેસેડરને જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટ વધારવાનો છે, આથી તેમણે ગુજરાત રિજીયનમાંથી ફાર્માસ્યુટિકલ, સિમેન્ટ, જેમ એન્ડ જ્વેલરી, સિરામિક અને ટેક્ષ્ટાઇલ વિગેરે પ્રોડકટની આયાત કરવા માટે વિનંતી કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ના પ્રોજેકટ હેડ પરેશ ભટ્ટે ગુયાનાના એમ્બેસેડર સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે ગુજરાત રિજીયનમાંથી જરૂરી પ્રોડકટની ગુજરાતના પોર્ટ પરથી આયાત કરાશે તો તેઓને (ગુયાના દેશને) લોજિસ્ટીક કોસ્ટ પણ ઓછી લાગશે તેમ સમજાવ્યું હતું.
વધુમાં તેમણે ઇન્ચાર્જ એમ્બેસેડરને, સુરત એ ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરીંગનું હબ છે તેમ જણાવી સુરતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ કાર્યરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની તેમજ વિવિધ ઉદ્યોગોની મુલાકાત લેવા માટે તેમણે તેઓને આમંત્રણ આપ્યું હતું.
આ સંદર્ભે ગુયાનાના ઇન્ચાર્જ એમ્બેસેડર રોનાલ્ડા એડવર્ડ્સ હોરાટીઓએ ગુયાનાના પ્રતિનિધિ મંડળ સાથે સુરતની મુલાકાત માટે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. સાથે જ સુરતની ટેક્ષ્ટાઇલ પ્રોડકટ તેમજ ગુજરાત રિજીયનથી અન્ય જરૂરી પ્રોડકટ આયાત કરવા માટે ચોકકસપણે વિચાર કરીશું તેમ જણાવ્યું હતું.