નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા રોડ સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ યોજાઈ
કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસ ની તાલીમ આપવામાં આવી
‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ’ની ઉજવણી અંતર્ગત માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે નાગરિકો જાગૃત્ત બને એ માટે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત અને શહેર ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફ્ટી ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં પી.ટી. મહિલા કોલેજ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનવર્સિટી, જે. ઝેડ. શાહ આર્ટસ & એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસની તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રોડ સેફટી અંગેના સૂત્રોચ્ચાર સાથે રોડ સેફટી જાગૃતિ રેલી યોજી હતી. કોલેજના વિદ્યાર્થીઓને રોડ પર લઈ જઈને પ્રત્યક્ષ ફિલ્ડ ટ્રેનિંગ અપાઈ હતી.
માર્ગ સલામતી કાર્યક્રમમાં “સડક સુરક્ષા–જીવન રક્ષા” સૂત્રનો અર્થ વિદ્યાર્થીઓને સમજાવી તથા માર્ગ સલામતીની સમજ અપાઈ હતી. ઉપસ્થિત સૌએ રોડ સેફટીના નિયમોનું પાલનના શપથ લીધા હતા.
આ પ્રસંગે ટ્રાફિક ACP મોરે, રોડ સેફ્ટી ટ્રેનર કોર્ડીનેટર બ્રિજેશ વર્મા, ટ્રાફિક PSI ગોસ્વામી તથા RTO ઇન્સ્પેકટર કે.બી.પટેલ, ટ્રાફિક પી.આઈ. એન. બી. ડાભી, ટ્રાફિક અને પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નેહરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવકો નિખિલ ભુવા, મેહુલ દોંગા, ગૌરવ પડાયા, ઉજ્જવલ પરમાર, જૈવિક રૈયાણી, ઝુબેર પટેલ, ગજેન્દ્ર ચંદ્રાવતએ જહેમત ઉઠાવી હતી.