પોષણ માહ:૨૦૨૩
નવી સિવિલ હોસ્પિટલ ખાતે રોગનિવારક આહાર(થેરાપ્યુટીક ડાયટ)નું પ્રદર્શન યોજાયું
સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રોગનિવારક આહારના ૧૪ સ્ટોલ ઉભા કરાયા
નર્સિંગ વિદ્યાર્થીઓને અભ્યાસના વિષયોના પુસ્તકીય જ્ઞાન સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ વધે એવો થેરાપ્યુટીક ડાયટ પ્રદર્શનનો હેતુ
સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ, ઈન્ડિયન એસોસિએશન ફોર પેરેંટરલ અને એન્ટરલ ન્યુટ્રીશન- સુરત ચેપ્ટર અને ઈન્ડિયન ડાયેટિક્સ એસોસિએશન, ગુજરાત, સુરત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે નવી સિવિલના ઓડિટોરિયમ ખાતે રોગનિવારક આહાર(થેરાપ્યુટીક ડાયટ)નું પ્રદર્શન યોજાયું હતું. જેમાં શહેરના ૧૨ નિષ્ણાંત ડાયટીશીયન દ્વારા રોગનિવારક આહાર વિશે માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.
ટી.બી.વિભાગ વડા અને યુનિ. સિન્ડીકેટ સભ્ય ડો.પારૂલ વડગામા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં સરકારી નર્સિગ કોલેજના ૭૦ વિદ્યાર્થીઓએ પોષણયુક્ત અને રોગનિવારક આહારની વાનગીના ૧૪ સ્ટોલ ઉભા કરી બિમાર દર્દીઓના આહાર વિશેની સમજ આપી હતી. વિદ્યાર્થીઓએ હેલ્ધી બેલેન્સ ડાયટ, લિક્વિડ ડાયટ, સીવીડી, હાઈફાઈબર, લો રેસિડ્યું, ડાયબીટિક, હિપેટિક, પ્રોટીન, રીનલ, કેન્સર, ગર્ભાવસ્થા અને પ્રસૂતા, એનેમિક, જીનેટિક જેવી અવસ્થાઓ કે બીમારીઓ માટેના ડાયટ સ્ટોલ પ્રદર્શનમાં મુક્યા હતા.
આ પ્રસંગે ડાયટીશીયન IAPEN ઈન્ડિયા સુરત ચેપ્ટરના સેક્રેટરી અને ક્લિનીકલ ન્યુટ્રીશનિસ્ટ ડો.બિદીતા શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવીને લોકો સુઘી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોષણયુક્ત આહાર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પોષણ માહ પણ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સ્વચ્છ આહાર લેવાથી શરીર સ્વસ્થ બને છે. થેરાપ્યુટીક ડાયટ એટલે કોઈ પણ બિમારી જેવી કે, હદય રોગ, કેન્સર, બ્લડ પ્રેશર, હાઈપ્રેશર, માનસિક તણાવના દર્દીઓને સારવાર દરમિયાન ડાયટ પ્લાન દ્વારા ખોરાક આપવામાં આવે છે, જેનાથી દર્દીને અનેક અંશે રાહત થાય છે, અને બિમારીનું ઝડપી નિરાકરણ આવે છે.
ડાયટીશીયન ગીતાબેન ચંદાનીએ જણાવ્યું કે, બીમાર દર્દીઓ માટે બનતા ભોજનમાં શુદ્ધતા અને સાત્વિકતા જાળવવી હિતાવહ છે. બીમારી પ્રમાણે દર્દીઓનું ભોજન તૈયાર કરવું જોઈએ. જેમ કે ડાયાબિટીસ, ગાયનેક, સર્જરીના દર્દીઓ માટે ખાસ અલગ અલગ ભોજન; જેમાં એક સપ્તાહનું ભોજનનું મેન્યુ તૈયાર થાય છે. જેમાં મગનું પાણી, ખીચડી, દાળ ભાત, ચણા, સિઝનલ શાકભાજી, પપૈયા, ફ્રૂટ્સ, કોબી સલાડ, દૂધ, ટામેટા સૂપ, દાળનું પાણી, રવા, ઉપમા સહિત અનેક વાનગીઓ આપવામાં આવે છે.
આ પ્રસંગે નર્સિંગ કોલેજના આચાર્ય ડો.ઈન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, નર્સિંગ વિદ્યાર્થીઓને અભ્યાસના વિષયોના પુસ્તકીય જ્ઞાન સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ વધે એવા હેતુથી થેરાપ્યુટીક ડાયટ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓને દર્દીઓને બિમારી પ્રમાણે અપાતા ખોરાક વિશેની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાની ફરજ પર હશે, ત્યારે પ્રેક્ટિકલ નોલેજનો ઉપયોગ કરી દર્દીઓ સેવા કરશે.
આ પ્રસંગે નર્સિંગ એસો.ના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, નર્સિંગના વિદ્યાર્થીઓ માટે ડાયટ પ્લાન સમજવું આવશયક છે, કારણ કે તેમણે ભવિષ્યમાં દર્દીઓની સેવા કરવાની છે. જેથી દર્દીને બિમારી દરમિયાન કેવા પ્રકારનો આહાર આપવો એનું પણ જ્ઞાન હોવું જરૂરી છે.
વનિતા વિશ્રામના ૭ વિદ્યાર્થીઓએ પણ એક્ઝિબીશનમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં ડાયેટિશીયન સર્વશ્રી ડો.અમિતા તાંબેકર, રચના દલાલ, મીના હરદસાણી, વનિતા વિશ્રામના અધ્યાપક ડો.શિલ્પી અગ્રવાલ, શેલ્બી હોસ્પિટલના ડો.એરૂલ શુક્લાએ થેરાપ્યુટીક ડાયટ પર માર્ગદર્શન આપ્યું હતું.