માંડવી તાલુકાના ઈસર ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે સરકાર સઘન પ્રયાસો કરી રહી છે
છેવાડાનો ગરીબ માનવી પગભર બની આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે : આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ
આદિજાતિ મંત્રીના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાના હેતુસર સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઈસર ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત મહાનુભાવોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું સ્વાગત કર્યું હતું. ગ્રામવાસીઓએ વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ વિવિધ સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી નવા લાભાર્થીઓની નોંધણી કરાઈ હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે સરકાર સઘન પ્રયાસો કરી રહી છે. ગામેગામ ફરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ દ્વારા લોકોને ઘર આંગણે યોજનાઓના લાભો આપવામાં આવી રહ્યા છે. ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે ગામથી લઈ દેશના વિકાસમાં સૌ કોઈના સહિયારા યોગદાનનો મત વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય જણાવ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, છેવાડાનો ગરીબ માનવી પગભર બની આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. મંત્રીએ લોકોને વિવિધ યોજનાની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. જેથી ગામ-તાલુકા-જિલ્લા અને રાજ્ય થકી દેશ વિકસિત બની શકે.
જિલ્લા પંચાયતના સભ્ય અનિલભાઈ ચૌધરીએ લોકોના હિતાર્થે અમલી બનાવેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જ્યારે દેશના ગામડાઓ વિકસિત બનશે ત્યારે જ દેશ વિકસિત બનશે. ગામોના વિકાસ માટે સરકારની દરેક યોજનાઓના લાભ ૧૦૦ ટકા ઘરેઘર પહોંચે તે માટે લોકોને જાગૃત રહેવા અને જાગૃતતા ફેલાવવા જણાવ્યું હતું. તેમણે પી.એમ. જીવનજ્યોતિ વીમા યોજના અને વીમા સુરક્ષા કવચનું મહત્વ સમજાવી લોકોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.
તા.પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી દેશને વિકસિત રાષ્ટ્રની હરોળમાં મૂકવા માટેના સરકારના પ્રયાસોની સરાહના કરી લાભાર્થીઓને મળતા સીધા યોજનાકીય લાભોની વિષેશતા જણાવી હતી. તેમણે સરકારની વન બંધુ કલ્યાણ યોજના અંગે જણાવી આદિજાતિ વિસ્તારમાં થઈ રહેલા અવિરત વિકાસ વિષે લોકોને જાગૃત કર્યા હતાં.
આ વેળાએ મંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયુ હતું. તેમજ લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય અનિલભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રભાઈ સોલંકી, સરપંચ ધર્મેશભાઈ ચૌધરી, મુખ્ય શિક્ષક અમૃતભાઈ ચૌધરી, તલાટી કમ મંત્રી શિવકુમાર વર્મા, ઉપસરપંચ દિલીપભાઈ ચૌધરી, સરપંચ એસો.પ્રમુખ કમલેશભાઈ ચૌધરી, અગ્રણી દિનેશભાઈ, રેમાબેન ચૌધરી, તાલુકા પંચાયત સભ્ય નીરવભાઈ સોલંકી, પંચાયત-આરોગ્ય કર્મચારીઓ, આઈસીડીએસના મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.