દુબઇમાં સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને વ્યાપાર કરવાની તમામ સુવિધા આપનારી કંપનીઓ સાથે ચેમ્બર દ્વારા ટાયઅપ કરાશે
મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓને દુબઇમાં વ્યાપાર કરવાનું સરળ બનશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી એસોસીએશનોની મુલાકાતાર્થે દુબઇ પ્રવાસે છે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ દુબઇમાં ધંધા – વ્યવસાય વિકસાવી શકે તેના માટે ચેમ્બર પ્રમુખ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે અને તેના ભાગ રૂપે દુબઇમાં સુરતના ઉદ્યોગકારો – વેપારીઓને વિશ્વ સ્તરે વ્યાપાર કરવાની તમામ પ્રકારની સુવિધા આપનારી વિવિધ કંપનીઓ સાથે મિટીંગો કરવામાં આવી રહી છે.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૧લી ડિસેમ્બર, ર૦ર૩ના રોજ દુબઇ ખાતે માઉન્ટેન મોન્ક કંપનીના કલાયન્ટ રિલેશનશિપ મેનેજર દિપા ઝા સાથે મુલાકાત કરી હતી. માઉન્ટેન મોન્ક એ દુબઇમાં અન્ય ઉદ્યોગકારોને દુબઇના વેપારીઓ સાથે બિઝનેસ કરવાની તમામ સુવિધા આપતી કંપની છે. આ કંપની દુબઇમાં વિશ્વના જુદા–જુદા દેશોના ઉદ્યોગકારોને પોતાની કંપની પ્રસ્થાપિત કરવા સુધીની તમામ મદદ કરે છે, જેમાં લીગલ કોમ્પ્લાયન્સથી માંડીને વિવિધ પ્રવૃત્તિઓ કરવા સુધીનો સમાવેશ થાય છે.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, મિશન ૮૪ અંતર્ગત માઉન્ટેન મોન્ક અને બ્લેક સ્વાન બિઝનેસ કનેકટ સર્વિસિસ જેવી કંપનીની મદદથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓને દુબઇના વેપારીઓ સાથે જોડવામાં આવશે. ત્યારબાદ સુરતના ઉદ્યોગકારો – વેપારીઓ સરળતાથી દુબઇના વેપારીઓને પોતાની પ્રોડકટ વેચી શકશે. તદુપરાંત દુબઇના માધ્યમથી વિશ્વના અન્ય દેશોમાં પણ તેઓ પોતાની પ્રોડકટ સરળતાથી એક્ષ્પોર્ટ કરી શકશે. એના માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આગામી દિવસોમાં આ બંને કંપનીઓ સાથે ટાયઅપ કરવાની દિશામાં આગળ વધશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉપરોકત બંને કંપનીઓના પ્રતિનિધિઓને દુબઇના વેપારીઓ સાથે સુરત ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને વિવિધ ઉદ્યોગોની મુલાકાતાર્થે તેમજ સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરવા માટે આમંત્રણ આપ્યું હતું, જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.