‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન – ‘સુરત
કુરુક્ષેત્ર, જહાંગીરપુરા ખાતે તાપી તટે સ્વચ્છતા અભિયાન: પવિત્ર તાપી નદીનું શુદ્ધિકરણ તેમજ તાપી કાંઠો સ્વચ્છ બને એ હેતુથી સઘન સફાઈ કરાઈ
તાપી શુદ્ધિકરણ સહ સ્વચ્છતા ઝુંબેશમાં મેયર દક્ષેશભાઇ માવાણી, સંતો, મહાનગર પાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા
તા.૧૫મીએ પવિત્ર નવરાત્રિ પર્વના પ્રથમ નોરતે બે માસ માટે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે, ત્યારે સુરત શહેર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે. સુરતમાંથી પસાર થતી પવિત્ર તાપી નદીના શુદ્ધિકરણ તેમજ તાપી કાંઠો સ્વચ્છ બને એ હેતુથી મેયર દક્ષેશભાઇ માવાણી અને જહાંગીરપુરા તાપી તટે આવેલી રામ મઢીના મહંત પૂ.મુળદાસ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી.
મેયર, સંતો, મહાનગર પાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, સમગ્ર ગંગા સંસ્થાના પ્રતિનિધિઓ, વિવિધ શાળાના સ્ટાફ ગણ, સામાજિક કાર્યકરો દ્વારા તાપી તટે નકામો કચરો, પ્લાસ્ટિક વેસ્ટ, પૂજાપો, ચૂંદડીઓ, ફળફૂલોનો કચરો, શ્રીફળના છાલા સહિત અન્ય ઘન કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. સૌએ તાપી મૈયાને સ્વચ્છ અને શુદ્ધ રાખવા સંકલ્પ ગ્રહણ કર્યા હતા. એકત્રિત ઘન કચરાને વૈજ્ઞાનિક ઢબે વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ પર નિકાલ કરાયો હતો.