સ્વચ્છતા હી સેવા-સુરત
રિંગ રોડ ખાતે કેન્દ્રીય રેલ્વે, ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ યોજાયો
સ્વચ્છ ભારત મિશન ૩.૦ હેઠળ ટેક્ષટાઈલ એકમોમાં સાફ-સફાઈ હાથ ધરાઇ
મંત્રા ખાતે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સુરતના રિંગ રોડ સ્થિત MANTRA- મેન મેડ ટેક્ષટાઈલ રિસર્ચ એસોસિએશન ખાતે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અધ્યક્ષતામાં “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમ યોજાયો હતો. મંત્રા ખાતે કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું.*
આ પ્રસંગે કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે,શેરી મહોલ્લા અને રોડ-રસ્તાઓ સુધી વિસ્તરેલું સ્વચ્છ ભારત અભિયાન હવે ઔદ્યોગિક વસાહતોના એકમો સુધી પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન ૩.૦ હેઠળ ટેક્ષટાઈલ એકમોમાં સ્વચ્છતા માટે કારખાનેદારો અને કારીગરોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ટેક્ષટાઈલ કમિશનર કચેરીની સૂચના અનુસાર વિવિધ ઔદ્યોગિક વસાહતોમાંના ટેક્ષટાઈલ એકમોમાં ટીમ સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરી રહી છે. ૩૧ ઓક્ટોબર સુધી મંત્રા દ્વારા ચલાવવામાં આવતાં સચિન અને પાંડેસરા સ્થિત પાવરલૂમ સેન્ટર વિસ્તારના વિવિધ કારખાનાઓ અને ફેક્ટરીઓમાં સફાઇ અભિયાન ચાલી રહ્યું છે. તમામ ક્ષેત્રમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સ્વચ્છ ભારતના નિર્માણને નેમ સાથે સરકાર કાર્યરત છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એ ન્યાયે ઔદ્યોગિક એકમોમાં સ્વચ્છતા રહેશે તો એમાં કામ કરતા કર્મચારીઓ પણ તંદુરસ્ત બનશે. પરિણામે કાર્યક્ષમતા અને ઉત્પાદનમાં પણ વધારો થશે.
આ પ્રસંગે મંત્રાના પ્રેસિડેન્ટ રજનીકાંત બચકાનીવાલા, વાઇસ પ્રેસિડેન્ટ દિનેશભાઇ ઝવેરી, સેક્રેટરી પ્રફુલ્લભાઇ ગાંધી, મંત્રાના ડિરેક્ટર ડો.પંકજ ગાંધી, કાઉન્સેલિંગ મેમ્બર કમલ વિજય તુલશીયાન સહિત મંત્રાના રિસર્ચ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યાં હતા.