યોગાભ્યાસ થકી રાજ્યના નાગરિકોને નિરોગી બનાવવાનો નવતર અભિગમ- ‘સૂર્ય નમસ્કાર મહા અભિયાન’
સુરતના ડુમસ બીચ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
સૂર્ય નમસ્કાર શરીરને ઊર્જાન્વિત કરી રોજિંદા કાર્યો કરવા માટે શક્તિ આપે છે
સુર્ય નમસ્કાર શરીર,શ્વાસ અને મનને સ્થિર રાખે છેઃ : મંત્રી કુંવરજીભાઈ હળપતિ
શક્તિ, ઊર્જા, આનંદ અને પ્રફુલ્લિતતાની અનૂભુતિ માટે યોગપ્રેમીઓએ કર્યા સૂર્ય નમસ્કાર
રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપલિકાના સંયુક્ત ઉપક્રમે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષતામાં ડુમસ બીચ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ જોડાય શક્તિ, ઊર્જા, આનંદ અને પ્રફુલ્લિતતાની અનૂભુતિ માટે સુર્ય નમસ્કાર કર્યા હતા.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સૂર્ય નમસ્કાર યોગનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે, સૂર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય જ ન હોત એટલે સૂર્ય નમસ્કાર સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે,જે આપણા પૃથ્વી ગ્રહ પર તમામ પ્રાણ ઊર્જાનું મુખ્ય કારણ છે. સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનીઓ દ્વારા નિશ્ચિત કરાયેલા બાર આસનોનો સમુહ છે. જે શરીર,શ્વાસ અને મનને સ્થિર રાખી ધ્યાનની ગહેરાઈમાં જવામાં સહાય કરતું પગલું છે. સૂર્ય નમસ્કાર શરીરને ઊર્જાન્વિત અને મનને તારોતાજા કરે છે, દિવસના બધા કામ કરવા આપણને તૈયાર કરે છે. સૂર્ય નમસ્કાર હૃદય અને લોહીની નળીઓ માટે એક ઉત્તમ કસરત અને વજન ઉતારવાનો સારો માર્ગ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સૂર્ય નમસ્કાર માનવીને ઊર્જા આપે છે. શરીરને સહેલાઈથી વળી શકે તેવું બનાવે છે, અને રૂધિરાભિસરણ સુધારે છે, રૂધિરાભિસરણ બહેતર થતા અગત્યના આંતરિક અંગો વધારે કાર્યાન્વિત થાય છે અને શરીરના ત્રિદોષ વાત, કફ અને પિત્તને સમતુલીત કરે છે.જેથી દરરોજ સુર્ય નમસ્કાર આસન કરવાનો અનુરોધ રાજ્યમંત્રી અનુરોધ કર્યો હતો
રાજ્યના ૧૦૮ ઐતિહાસિક સ્થળો પર એક સાથે ભવ્ય સામુહિક સુર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોઢેરા સુર્યમંદિરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જીવંત પ્રસારણ ડુમસ ખાતે ઉપસ્થિત યોગીપ્રેમીઓએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, કોર્પોરેટરો, જિલ્લા યોગ કોઓર્ડીનેટર નવનીતભાઈ શેલડીયા, એસએમસીના અધિકારીઓ, શહેરીજનો સહિત મોટી સખ્યામાં યોગીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.