SGCCIના પ્રમુખ – ઉપ પ્રમુખ દ્વારા નવી દિલ્હી ખાતે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલની રૂબરૂ મુલાકાત લઇ દેશમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે મિશન ૮૪ અંતર્ગત કરાયેલી કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરાઇ
ર૧ ઓકટોબરે, ચેમ્બરના ૮૪મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે મિશન ૮૪ અંતર્ગત કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો રૂપિયા પ૦ હજાર કરોડથી વધુનું એક્ષ્પોર્ટ કરવાનો સ્વયંભૂ સંકલ્પ લેશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ શુક્રવાર તા. રર સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ નવી દિલ્હી ખાતે ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેક્ષ્ટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશનના કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ, ભારતથી એક્ષ્પોર્ટને વધારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા હાથ ધરાયેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ હેઠળ અત્યાર સુધી થયેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. મિશન ૮૪ અંગેની વિગતવાર માહિતી જાણીને મંત્રી ઘણા પ્રભાવિત થયા હતા.
આગામી તા. ર૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ તેના ૮૪મા વર્ષમાં મંગળ પ્રવેશ કરશે, જેના ભાગ રૂપે મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન પોર્ટલ લોન્ચ કરવામાં આવશે અને આ પોર્ટલનું લોન્ચીંગ કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલના હસ્તે કરવામાં આવશે. જેના માટે તેમણે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેનો સહર્ષ સ્વીકાર તેમણે કર્યો હતો. આ પ્રસંગે તેમની હાજરીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો રૂપિયા પ૦ હજાર કરોડના એક્ષ્પોર્ટ માટેનો સંકલ્પ લેશે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ બાબતે પણ તેમણે ઘણો ઉત્સાહ બતાવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, તા. ર સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ તેમજ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાની હાજરીમાં કેમિકલ્સ એન્ડ ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોએ રૂપિયા ૧૭,પ૯૩ કરોડથી વધુનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લીધો હતો.
આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓએ નવી દિલ્હી ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના સેક્રેટરી જનરલ શૈલેષ પાઠક, ધી એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ASSOCHAM)ના સેક્રેટરી જનરલ દિપક સુદ અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના ડિરેકટર જનરલ ચંદ્રજીત બેનર્જીની સાથે મિટીંગ કરીને મિશન ૮૪ પ્રોજેકટ વિશે તથા ઉપરોકત મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ભારતની સૌથી મોટી ઔદ્યોગિક એપેક્ષ બોડી તરીકે છેલ્લા ૧૦૦ વર્ષથી કાર્યરત આ ત્રણેય સંસ્થાઓએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટની સાથે જોડાવવા સહમતિ દર્શાવી હતી અને લોગો સપોર્ટ આપી સંભવત તમામ સહકાર આપવાની બાંહેધરી આપી હતી. આગામી સમયમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ફિકકી, એસોચેમ અને સીઆઇઆઇ દ્વારા એકસાથે ભેગા મળીને દેશમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે વિવિધ કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ કરવામાં આવશે.