કતારગામ ખાતે રાખડીઓના પ્રદર્શન અને વેચાણ હેતુ માટે આયોજિત ‘રાખી મેલા- ૨૦૨૩’ને મેયર હેમાલી બોઘાવાલાએ ખુલ્લો મૂક્યો
મહિલા સશક્તિકરણ અને મહિલાઓને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે સુરતના ૧૦ ઝોનમાં ૩૦ ઓગસ્ટ સુધી રાખી મેળાઓનું આયોજન
સુરત મહાનગરપાલિકા દ્વારા ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓને મહિલાઓને સ્વરોજગારીની તકો પૂરી પાડવા અને આર્થિક સશક્તિકરણ માટે દીનદયાળ અંત્યોદય મિશન અને શહેરી આજીવિકા મિશન અંતર્ગત કતારગામ સિંગણપોર મલ્ટીપર્પઝ હોલના પાર્કિંગમાં રાખડીઓના પ્રદર્શન અને વેચાણ માટે આયોજિત ‘રાખી મેલા- ૨૦૨૩’ને મેયર હેમાલીબેન બોઘાવાલાએ ખૂલ્લો મૂક્યો હતો. જેમાં શહેરના વિવિધ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ ઉપરાંત રક્ષાબંધન તહેવારને લગતી ચીજવસ્તુઓના ૧૮ સ્ટોલ ઊભા કરાયા છે.
મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મેયર અને મ્યુ.કમિશનરએ રાખડીઓના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે સખીમંડળની બહેનો સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કરી હતી.
સુરતના ૧૦ ઝોનમાં ૩૦ ઓગસ્ટ સુધી રાખી મેળાઓનું આયોજન કરાયું છે. જેમાં અઠવા ઝોનમાં કારગીલ ચોક, પીપલોદ ખાતે લેક વ્યુ ગાર્ડનની ફૂટપાથ પાસે અને ઓલપાડી મહોલ્લો, ઘોડદોડ રોડ પર નીરજ એપાર્ટમેન્ટ સામે, લીંબાયતમાં માધવબાગ સામે, પરવત પાટીયા અને મોડેલ ટાઉન શાકભાજી માર્કેટ પાસે ખુલ્લા પ્લોટમાં, રાંદેરમાં જોગાણીનગર પાર્ટી પ્લોટના પાર્કિંગમાં, વરાછા ઝોન-એમાં બરોડા પ્રિસ્ટેજ શાક માર્કેટ મેઇન રોડ, વરાછા ઝોન-બીમાં નાના વરાછા ઢાળ, નાના વરાછા આરોગ્ય કેન્દ્રની સામે, સેન્ટ્રલ ઝોનમાં લાલ દરવાજા બ્રિજ નીચે, ખોડીયાર માતાના મંદિર સામે અને ઉધના ઝોન-એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાની દીવાલ પાસે, અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં રક્ષાબંધન પર્વ સબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટેના સ્ટોલ ઊભા કરાયા છે.