HomeBusinessProject Out Of The Box/ચેમ્બર ઓફ કોમર્સનો મિશન ૮૪ પ્રોજેકટ આઉટ ઓફ...

Project Out Of The Box/ચેમ્બર ઓફ કોમર્સનો મિશન ૮૪ પ્રોજેકટ આઉટ ઓફ ધી બોકસ છે/India News Gujarat

Date:

ચેમ્બર ઓફ કોમર્સનો મિશન ૮૪ પ્રોજેકટ આઉટ ઓફ ધી બોકસ છે, એની સાથે જોડાનારને બિઝનેસ હેતુ માત્ર ભારત પૂરતો જ નહીં પણ વૈશ્વિક સ્તરે લાભ થશે : વિયેતનામના કોન્સુલ જનરલ બિન્ગ કવોન્ગ લી

મિશન ૮૪માં જોડાવા માટેના ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાના અનુરોધને વિયેતનામના કોન્સુલ જનરલ અને VIENCના પ્રમુખે સહર્ષ સ્વીકારી ચેમ્બરના નેતૃત્વમાં સુરતથી ઉદ્યોગકારોના ડેલીગેશનને વિયેતનામ આવવા આમંત્રણ આપ્યું

મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને વિયેતનામ ઇન્ટરનેશનલ આંત્રપ્રિન્યોર્સ નેટવર્કીંગ કલબ વચ્ચે એમઓયુ થયું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા.૧૦ ઓકટોબર, ર૦ર૩ના રોજ સંહતિ, સરસાણા ખાતે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિયેતનામમાં વિવિધ ઉદ્યોગોમાં તેમજ એક્ષ્પોર્ટ માટે રહેલી તકો વિષે જાણકારી મેળવવાના હેતુથી ઇન્ટરેકટીવ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિયેતનામના મુંબઇ સ્થિત કોન્સુલ જનરલ બિન્ગ કવોન્ગ લી અને વિયેતનામ ઇન્ટરનેશનલ આંત્રપ્રિન્યોર્સ નેટવર્કીંગ કલબના પ્રમુખ દિન્હ વિન્હ કુઓન્ગ ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિશન ૮૪ પ્રોજેકટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી અને ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેકટની જરૂરિયાત અને તેના મહત્વ વિષે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રિજીયન સહિત સમગ્ર ભારતમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવા જઇ રહી છે, જેની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરાશે. એવી રીતે જ ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.

અન્ય એક અગત્યની બાબત એ છે કે, મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરી ઉદ્યોગકારોને વ્યાપાર માટે જે તે દેશોમાં રહેલી તકો તથા ત્યાંના કાયદા અને નિયમો વિશે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. જે અંતર્ગત ભારતમાં કાર્યરત જુદા–જુદા દેશોના કોન્સુલ જનરલો સાથે મિટીંગો થઇ રહી છે, આથી તેમણે વિયેતનામના મુંબઇ સ્થિત કોન્સુલ જનરલ બિન્ગ કવોન્ગ લી અને વિયેતનામ ઇન્ટરનેશનલ આંત્રપ્રિન્યોર્સ નેટવર્કીંગ કલબના પ્રમુખ દિન્હ વિન્હ કુઓન્ગને મિશન ૮૪ પ્રોજેકટમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો.

વિયેતનામના કોન્સુલ જનરલ બિન્ગ કવોન્ગ લીએ જણાવ્યું હતું કે, ભારત એ વિયેતનામ માટે સૌથી વધારે વિશ્વાસુ વ્યાપારિક ભાગીદાર છે. ભારતથી ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ફાર્માસ્યુટિકલ, મેટલ્સ, મિનરલ્સ અને એગ્રીકલ્ચર પ્રોડકટનું વિયેતનામ આયાત કરે છે. જ્યારે ભારતને ટેકનોલોજી ક્ષેત્રે મોબાઇલ હેન્ડસેટ વિગેરે એક્ષ્પોર્ટ કરે છે. તેમણે વિયેતનામના છેલ્લા ચારથી પાંચ વર્ષોની ઈમ્પોર્ટ–એક્ષ્પોર્ટની આંકડાકીય માહિતી આપી આખો ચિતાર રજૂ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ભારતનો જે રીતે વિકાસ થઇ રહયો છે તેને જોતા તેમણે આગામી વર્ષ ર૦ર૭ સુધીમાં ભારત, પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બની જશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે કહયું હતું કે, વિયેતનામ એ યુવા ઉદ્યોગ સાહસિકોનો દેશ છે અને ભારતમાં પણ સૌથી વધુ યુવાઓ છે. તદુપરાંત ભારતની યુવા પેઢી બિઝનેસમાં ઝંપલાવી રહી છે અને વિવિધ ઉદ્યોગોમાં નવું સાહસ કરી રહી છે ત્યારે ભારત અને વિયેતનામ બંને પક્ષે સારી રીતે વ્યાપારિક સમન્વય સાધી શકે છે.

વિયેતનામ સ્ટ્રેટેજીક લોકેશનને કારણે ભારતની સાથે લોજીસ્ટીક પાર્ટનર તરીકે કામ કરી શકે છે. હવે ભારતથી દરરોજ ફલાઇટમાં બિઝનેસમેનો તેમજ ટુરીસ્ટો વિયેતનામ આવે છે. હાલમાં ભારતીયો માટે વિયેતનામ એક ટુરીસ્ટ અને મેરેજ ડેસ્ટીનેશન બની ગયું છે. વિયેતનામમાં ચારથી પાંચ મેરેજ ડેસ્ટીનેશન એવા છે કે જેના માટે ભારતીયોને વિઝા લેવાની જરૂરિયાત રહેતી નથી, આથી તેમણે સુરતથી વિયેતનામ માટે સીધી ફલાઇટ મળી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સને પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.

વિયેતનામના કોન્સુલ જનરલે ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ પ્રોજેકટ વિષે જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ આઉટ ઓફ ધી બોકસ છે. આ પ્રોજેકટની સાથે જે ઉદ્યોગકારો અને વ્યાપારીઓ જોડાશે તેઓને બિઝનેસમાં માત્ર ભારત પૂરતો જ નહીં પણ વૈશ્વિક સ્તરે લાભ થશે. તેમણે મિશન ૮૪ પ્રોજેકટની સાથે જોડાવા માટેના ચેમ્બર પ્રમુખના અનુરોધને સહર્ષ સ્વીકાર્યું હતું અને ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વમાં સુરતના ઉદ્યોગકારોના ડેલીગેશનને વિયેતનામ આવવા આમંત્રણ આપ્યું હતું.

વિયેતનામ ઇન્ટરનેશનલ આંત્રપ્રિન્યોર્સ નેટવર્કીંગ કલબના પ્રમુખ દિન્હ વિન્હ કુઓન્ગે જણાવ્યું હતું કે, તેમની કલબની સાથે ૭ હજારથી વધુ ઉદ્યોગકારો જોડાયેલા છે, જે અન્ય દેશોની સાથે વ્યાપારિક સંબંધો ધરાવે છે. આ તમામ ઉદ્યોગકારોને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ૧૧ હજારથી વધુ સભ્યો (ઉદ્યોગકારો) સાથે વ્યાપાર – ઉદ્યોગના હેતુથી જોડી શકાશે. એકબીજાને વિવિધ પ્રોડકટની આપ–લે થઇ શકે તે માટે સુરતના ઉદ્યોગકારો અને વિયેતનામના બિઝનેસમેનો વચ્ચે ઇન્ટરેકટીવ મિટીંગ ગોઠવવામાં આવશે. એના માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને વિયેતનામ ઇન્ટરનેશનલ આંત્રપ્રિન્યોર્સ નેટવર્કીંગ કલબ વચ્ચે એમઓયુ કરાયું હતું. જેની ઉપર બંને સંસ્થાના પ્રમુખોએ હસ્તાક્ષર કર્યા હતા.

મિશન ૮૪ના પ્રોજેકટ હેડ પરેશ ભટ્ટે ઇન્ટરેકટીવ મિટીંગનું સંચાલન કર્યું હતું. મિશન ૮૪ પ્રોજેકટના કો–ઓર્ડિનેટર સંજય પંજાબીએ મિટીંગની રૂપરેખા આપી હતી. ચેમ્બરના માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર અને સભ્ય જમન રામોલિયા તથા સુરતના ઉદ્યોગકારો મિટીંગમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના પૂર્વ પ્રમુખ રોહિત મહેતાએ મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ મિટીંગનું સમાપન થયું હતું.

SHARE

Related stories

Latest stories