‘પ્રધાનમંત્રી જનમન અભિયાન હેઠળ મહાનુભાવોએ તરસાડીયા ખાતેથી મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધા માટે મોબાઈલ હેલ્થ યુનિટ વાન શરૂ કરવામાં આવી છેઃ
કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા ઉકા તરસાડીયા યુનિવર્સીટી ખાતેથી આદિમજુથોના આરોગ્યની કાળજી લેવા માટેની મોબાઈલ હેલ્થ યુનિટ વાનને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ યુનિટ વાનને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, સંદીપભાઈ દેસાઈ, ગણપતભાઈ વસાવા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવીનીબેન પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સુરત જિલ્લાના ૮૯ ગામોમાં વસતા આદિમજૂથના ૯૮૫૪ લોકોના આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે આ વાન ફરીને આરોગ્યની સેવાઓ પુરી પાડશે. જેમાં બીપી ઈન્સ્ટ્રુમેન્ટ (મેન્યુઅલ) ડીજીટલ બીપી ઈન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર, માઈક્રોસ્કોપ, તમામ પ્રકારની દવાઓ, અને ફર્સ્ટ એડની સુવિધા, લેબોરેટ્રી દ્વારા લોહીની તપાસ જેમાં હિમોગ્લોબિન, આરબીએસ, મેલેરિયા ટેસ્ટ, ગર્ભાવસ્થા પરિક્ષણ, પેશાબની નિયમિત તપાસ, અને પેશાબની માઇક્રોસ્કોપી, આરબીસી, અને ડબલ્યુબીસી ગણતરી, પ્લેટલેટ ગણતરી કરી આપવામા આવશે.આદિમજુથના લોકોને આ તમામ સુવિધાઓનો લાભ મળશે. જેમને આ અભિયાન અંતર્ગત જુદી જુદી ૧૧ જેટલી પાયકીય જરૂરિયાતો (રસ્તા, પાણી, વીજળી, આવાસ, શિક્ષણ, આરોગ્ય, પોષણ, છાત્રાલય, કૌશલ્ય વિકાસ, આજીવિકા, અને નેટવર્ક કનેક્ટિવિટી) સહિત આનુષંગિક સેવાઓથી સંતૃપ્ત કરીને, તેમનું સશક્તિકરણ કરવાની કવાયત રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે.